31 December, 2022 11:29 AM IST | Mumbai | Priti Khuman Thakur
એમબીવીવી પોલીસ કમિશનરેટમાં હોટેલ, બાર અને રેસ્ટોરાંના સંચાલકો સાથે મીટિંગ યોજાઈ હતી
મીરા-ભાઈંદર, વસઈ-વિરારમાં મોટી સંખ્યામાં બાર, રિસૉર્ટ અને હોટેલ-રેસ્ટોરાં આવેલાં છે. નવા વર્ષની ઉજવણી માટે અહીંના રિસૉર્ટ અને બાર બુક થઈ ગયાં છે ત્યારે પોલીસે આ વિસ્તારની હોટલો, બાર અને રેસ્ટોરાંના સંચાલકો સાથે એક બેઠક યોજીને તેમને વિવિધ પ્રકારની માર્ગદર્શિાકા આપી હતી. જોકે ફક્ત એના પર નિર્ભર રહેવાને બદલે પોલીસે સુરક્ષા-વ્યવસ્થા સંભાળવા અનોખો તોડ શોધ્યો છે. એ અનુસાર પોલીસ યુનિફૉર્મમાં તો ફરજ બજાવતી જોવા મળશે જ, પરંતુ તમારી બાજુમાં સાદાં કપડાંમાં પણ ફરતી જોવા મળશે. પોલીસનો અમુક સ્ટાફ ગ્રાહક બની હોટેલ, બાર અને રિસૉર્ટમાં હાજર રહીને સુરક્ષા-વ્યવસ્થા સંભાળવાનો છે.
જૂના વર્ષને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા માટે લોકો ૩૧ ડિસેમ્બરે મોટી સંખ્યામાં બહાર નીકળે છે. નવા વર્ષને આવકારવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે,મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ મોટા પ્રમાણમાં પોલીસ તહેનાત કરશે અને ગેરવર્તણૂક પર કડક નજર રાખશે.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ કમિશનરેટ દ્વારા મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. દારૂ પીને બેફામ રીતે વાહન ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે ટ્રાફિક શાખા વિવિધ સ્થળોએ નાકાબંધી ગોઠવશે અને તપાસ કરશે. એ જ રીતે સુરક્ષા-વ્યવસ્થાને જાળવી રાખવા પોલીસ તમારી બાજુમાં હશે અને એની તમને ખબર પણ પડશે નહીં. એમબીવીવી પોલીસના પ્રવક્તા બલરામ પાલકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પણ રેકૉર્ડ પરના ગુનેગારો સહિત મહત્ત્વનાં સ્થળોએ શંકાસ્પદ લોકો પર ચાંપતી નજર રાખશે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ તમામ ડેપ્યુટી કમિશનરો અને તમામ છ પોલીસ કમિશનરોની દેખરેખ હેઠળ ૨૫૦ પોલીસ અધિકારીઓ, ૧૨૦૦ પોલીસ કૉન્સ્ટેબલ, ૨૫૦ હોમગાર્ડ્સ અને ૩૦૦ મહારાષ્ટ્ર સુરક્ષા દળના જવાનો આખી રાત સુરક્ષામાં તહેનાત રહેશે.’
પોલીસ કમિશનરેટમાં હોટેલો, બાર અને રેસ્ટોરાંના સંચાલકો સાથે યોજાયેલી મીટિંગ દરમિયાન નવા વર્ષને આવકારવા માટે આયોજિત કાર્યક્રમમાં સાઉન્ડ સિસ્ટમના નિયમોનું પાલન કરવું, ડીજેનો ઉપયોગ ન કરવો, મહિલાઓની સલામતી માટે જરૂરી તકેદારી રાખવી, સીસીટીવી કૅમેરાની ખાતરી કરવી, એવું કોઈ પણ નિવેદન ન કરવું જે ધાર્મિક વિખવાદનું કારણ બની શકે, હોટેલની બહાર સુરક્ષા ગાર્ડ (સ્ત્રી/પુરુષ)ને રાખવા, જો દારૂના નશામાં વાહન ચલાવશે તો તેમની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે, મધરાતે ૧૨ વાગ્યા પછી હોટેલની બહાર ફટાકડા ફોડવા નહીં વગેરે જણાવવામાં આવ્યું હતું. પોલીસ પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે ‘પોલીસ સુરક્ષા-વ્યવસ્થા પર ધ્યાન આપશે, પરંતુ ચાંપતી નજર રાખવા તે ગ્રાહક બનીને હોટેલ, રિસૉર્ટ અને બારમાં હાજર રહેશે. એમબીવીવી વિસ્તારમાં અનેક રિસૉર્ટ, બાર, રેસ્ટોરાં અને ઑર્કેસ્ટ્રા બાર આવેલાં હોવાથી વધુ ધ્યાન આપવામાં આવશે.’
દારૂના ગેરકાયદે વેચાણને રોકવા વૉટ્સઍપ નંબર
ગેરકાયદે દારૂના વેચાણને રોકવા માટે રાજ્ય ઉત્પાદન વિભાગ દ્વારા વૉટ્સઍપ નંબર 84220 01133 અને ટોલ-ફ્રી નંબર 18002339999 શરૂ કરવામાં આવ્યો છે.