06 March, 2023 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરીન ડ્રાઇવ ચોપાટીની પાળ પર બેસેલા લોકો અને દંડ ભરનારા યુવકે ટ્વીટ કરેલો યુપીઆઇ પેમેન્ટનો સ્ક્રીનશૉટ
મરીન ડ્રાઇવ ચોપાટીની પાળ પર મોડી રાત્રે બે વાગ્યે બેસેલા એક યુવક પાસેથી મુંબઈ પોલીસના કર્મચારી હોવાનો દાવો કરીને ૨,૫૦૦ રૂપિયાની લાંચ લીધી હોવાની ચોંકાવનારી ઘટના શનિવારે રાત્રે બની હોવાનું જાણવા મળ્યું હતું. યુવકે યુપીઆઇ આઇડીથી લાંચની રકમ આપી હોવાનો સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયામાં શૅર કર્યા બાદ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
વિજ્ઞેશ કિસન નામના એક યુવકે ગઈ કાલે એક ટ્વીટ કરી હતી, જેમાં તેની પાસેથી મુંબઈ પોલીસના નામે ૨,૫૦૦ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. આ યુવકે ટ્વીટમાં લખ્યું હતું કે ‘હું શનિવારે રાત્રે મરીન ડ્રાઇવ ચોપાટી પર ફરવા ગયા હતો. રાતના બે વાગ્યે હું ચોપાટીની પાળી પર બેઠો હતો ત્યારે એક વ્યક્તિ પોલીસ હોવાનો દાવો કરીને મારી પાસે આવી અને કહ્યું કે મોડી રાત્રે અહીં બેસવું ગુનો બને છે એટલે ૨,૫૦૦ રૂપિયા દંડ થશે. મારી પાસે એ સમયે આટલા રૂપિયા નહોતા એટલે યુપીઆઇ આઇડીથી આતિશ જાધવ નામના પોલીસને પેમેન્ટ કર્યું હતું.’
વિજ્ઞેશ કિસનની ટ્વીટ બાદ મુંબઈ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને જેના અકાઉન્ટમાં લાંચની રકમ ક્રેડિટ થઈ છે એની તપાસ હાથ ધરવાની ખાતરી આપી છે. આથી જે પોલીસે લાંચ લીધી છે તેની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે એ જોવું રહ્યું.
સોશ્યલ મીડિયામાં ચકચાર
ચોપાટીની પાળ પર મોડી રાત્રે બેસવા બદલ પોલીસે દંડ કર્યો હોવાની યુવકે ટ્વીટ કર્યા બાદ એની સોશ્યલ મીડિયામાં ભારે ચકચાર જાગી છે. સાર્વજનિક સ્થળે બેસવા પર આવો દંડ કેટલો યોગ્ય છે? દંડ ભર્યા બાદ તે યુવકે સંબંધિત પોલીસ પાસેથી રસીદ માગી કે નહીં? ભ્રષ્ટાચાર માટે પંકાયેલી પોલીસે હવે દંડ વસૂલ કરવાનો નવો આઇડિયા કર્યો જેવાં રીઍક્શન લોકોએ આપ્યાં છે.
મરીન ડ્રાઇવ ચોપાટી પર ફરવાનો શું છે નિયમ?
મરીન ડ્રાઇવ ચોપાટી પર દરરોજ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. અહીં દિવસ દરમ્યાન ફરવા માટે કોઈ નિયમ નથી, પણ રાતના એક વાગ્યા બાદથી વહેલી સવારના સમયમાં અહીં જવા પર પોલીસે પ્રતિબંધ મૂક્યો છે. રાતના સમયે અહીં કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે પોલીસે સાવચેતીરૂપે આવો નિયમ બનાવ્યો છે. રાતના આ સમયે અહીં પોલીસ પૅટ્રોલિંગ કરે છે અને કોઈ અહીં ફરતું દેખાય તો તેને દૂર કરવામાં આવે છે. જોકે કોઈ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હોય એવી કદાચ આ પહેલી ઘટના છે.