27 June, 2023 09:17 AM IST | Mumbai | Priti Khuman Thakur
બાંદરાનો સ્કાયવૉક જે હવે તોડી પાડવામાં આવ્યો છે
બીએમસીના મુખ્ય એન્જિનિયર (બ્રિજ) ડબ્લ્યુ. એસ. દ્વારા પ્રકાશિત ઈ-ટેન્ડર નોટિસના સંદર્ભે ગઈ કાલે અખબારી નોટિસ જાહેર કરવામાં આવી હતી જેમાં હાલના બાંદરા ઈસ્ટ સ્કાયવૉકથી બાંદરા સ્ટેશનથી મ્હાડા ઑફિસ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધીના એચ-ઈસ્ટ વૉર્ડમાં સૂચિત પુનર્નિર્માણ માટે ૮૩,૦૬,૬૪,૯૨૩ રૂપિયાનો અંદાજિત ખર્ચ જણાવ્યો છે. જોકે આ સમગ્ર ખર્ચ અંદાજે ખૂબ જ વધેલો આંકડો છે. વર્ષ ૨૦૦૮માં ઉપરોક્ત સ્કાયવૉકના બાંધકામની મૂળ કિંમત માત્ર ૧૩.૬૩ કરોડ રૂપિયાની હતી અને ઑગસ્ટ ૨૦૨૧માં બીએમસીએ ૧૬.૨૦ કરોડ રૂપિયાના ખર્ચે સ્કાયવૉકને તોડી પાડવા અને પુનઃનિર્માણ માટે ટેન્ડર મગાવ્યાં હતાં.
સ્કાયવૉકને સમારકામની ભલામણ કરાઈ હતી
જ્યારે કે ઑગસ્ટ ૨૦૨૧માં વીજેટીઆઇ, મુંબઈએ સ્કાયવૉકનું સ્ટ્રક્ચરલ ઑડિટ હાથ ધર્યા બાદ આ સ્કાયવૉકના માત્ર સમારકામની ભલામણ કરી હતી. બીએમસીના આવા ૫૦૦ ટકા વધેલા ખર્ચા સામે સવાલ ઊભો કરતાં મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટરથી અનેક સંબંધિતોને સવાલ પૂછતાં વૉચડૉગ ફાઉન્ડેશનના ટ્રસ્ટી એડ્વોકેટ ગૉડફ્રે પિમેન્ટાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પ્રથમ, જો ઑગસ્ટ ૨૦૨૧માં આ સ્કાયવૉકને તોડી પાડવા અને પુનઃનિર્માણનો ખર્ચ માત્ર ૧૬.૨૦ કરોડ રૂપિયા હતો તો પછી વર્ષ ૨૦૨૩માં આ ખર્ચમાં સીધો ૫૦૦ ટકાનો વધારો શા માટે અને કેવી રીતે થયો કે ૮૩.૦૬ કરોડ રૂપિયા થાય? તેમ જ બીજી બાજુ, જો વીજેટીઆઇએ માત્ર સમારકામની ભલામણ કરી છે, જેનો અમલ કૉર્પોરેશન દ્વારા મૂળ ખર્ચના અપૂર્ણાંક કરતાં વધુ ખર્ચ કરીને સરળતાથી થઈ શકે છે તો પછી બીએમસી શા માટે નવા સ્કાયવૉકને તોડી પાડવાનો અને પુનઃનિર્માણ કરવાનો આગ્રહ રાખે છે? કરદાતાઓનાં નાણાં લૂંટવાનું આ ગુનાહિત કાવતરું છે અને એને તાત્કાલિક અટકાવવું જોઈએ. અગાઉ એકથી બે વર્ષના ગાળામાં રસ્તાઓ અને ફુટપાથ બનાવ્યા અને ફરીથી બનાવ્યા, જેથી કરદાતાઓના પૈસા વેડફાય છે અને હવે જનતાના પૈસા લૂંટવાની આ નવી મોડસ ઑપરૅન્ડી બની છે.’
ટેન્ડર તાત્કાલિક રદ કરવાની માગણી
વધુમાં જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘ઉલ્લેખનીય છે કે ઑફિસ જનારાઓ અને અન્ય લોકો દ્વારા સ્કાયવૉકનો ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે. એના બદલે ભંડોળનો ઉપયોગ બાંદરા ઈસ્ટ સ્ટેશનથી બીકેસી, મ્હાડા ઑફિસ અને કલેક્ટર ઑફિસ વગેરે માર્ગ પર પીક અવર્સ દરમિયાન દર ૩ મિનિટના ગૅપ માટે મિની બસ ખરીદીને એને ચલાવવા માટે થઈ શકે છે. તેથી અમે માગ કરી છે કે બીએમસીએ આ ટેન્ડર તાત્કાલિક રદ કરવું જોઈએ.’