29 June, 2023 09:51 AM IST | Mumbai | Priti Khuman Thakur
મીરા રોડની સોસાયટીમાં બકરાને લઈને મોડી રાત સુધી ધમાલ થઈ હતી
મીરા રોડની હાઈ પ્રોફાઇલ રેસિડેન્શિયલ સોસાયટીમાં મંગળવારે રાતે એક રહેવાસી ‘કુરબાનીનો બકરો’ લાવ્યો ત્યાર બાદ સોસાયટીના સભ્યોએ ભેગા થઈને જોરદાર બબાલ મચાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમણે ભેગા થઈને જય શ્રીરામ અને પોલીસવિરોધી નારા લગાવ્યા હતા. આ બનાવની ધમાલનો વિડિયો સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહ્યો છે. આ વિવાદ વધી જતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ મામલામાં સોસાયટીના ૧૧ રહેવાસીઓ સામે રમખાણ, વિનયભંગ વગેરે જેવી વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલો મીરા રોડ-ઈસ્ટની જે. પી. ઇન્ફ્રા સોસાયટીનો છે. મુંબઈ-અમદાવાદ હાઇવેને અડીને આવેલું જે. પી. ઇન્ફ્રા એક વિશાળ હાઉસિંગ કૉમ્પ્લેક્સ છે, જેમાં ૪૦૦થી વધુ ફ્લૅટ છે. ઉચ્ચ વર્ગના લોકોના આ હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં તમામ ધર્મ અને જાતિના લોકો રહે છે. આ જ હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં એસ્ટેલામાં ૩૧ વર્ષનો મોહસિન ખાન તેની ૨૯ વર્ષની પત્ની યાસ્મિન શેખ સાથે રહે છે. મંગળવારે બપોરે તે બકરી ઈદ નિમિત્તે કુરબાની માટે તેના ફ્લૅટમાં બે બકરા લાવ્યો હતો. આ માહિતીની જાણ સોસાયટીના અન્ય સભ્યોને થયા બાદ બધાએ એનો વિરોધ કર્યો હતો. એથી આ વિશે મોહસિન શેખે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં રહેવાસીઓ દ્વારા હેરાનગતિ થતી હોવાની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદના આધારે કાશીમીરા પોલીસે બિલ્ડિંગના રહેવાસીઓને પ્રતિબંધાત્મક નોટિસ ફટકારી હતી અને ત્યાર બાદ મામલાએ વધુ વેગ પકડ્યો હતો. સાંજથી જ શરૂ થયેલો વિરોધ રાત સુધી ચાલ્યો હતો અને રાતે વધુ ગરમાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મોહસિન ખાને સોસાયટીના અધિકારીઓ પાસે ત્રણથી ચાર દિવસ સુધી બકરા રાખવાની મંજૂરી માગી હતી અને સોસાયટીના પરિસરમાં બકરાનું બલિદાન આપવામાં આવશે નહીં એવું જણાવ્યું હતું, પરંતુ સોસાયટીએ તેને મંજૂરી આપી નહોતી.
બકરી બલિદાન માટે નહીં પરંતુ માત્ર રાખવા માટે લાવવામાં આવી છે એવું તેણે કહ્યું હતું, પરંતુ ટોળું ઉગ્ર બની ગયું હતું એટલે યાસ્મિને પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માગી હતી. રહેવાસીઓએ અને અમુક સંગઠનોએ શ્રીરામના નારા લગાવીને હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા હતા, જેને કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. સોસાયટીમાં રમખાણો ચાલી રહ્યાં હોવાની માહિતી મળતાં જ કાશીમીરા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. સોસાયટીના અન્ય સભ્યોએ માગણી કરી હતી કે જ્યાં સુધી બકરાઓને ફ્લૅટમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ શાંત નહીં પડે. સોસાયટીના ૨૦૦ જેટલા સભ્યો નીચેના પરિસરમાં એકઠા થઈ ગયા હતા. કેટલાક સભ્યોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.
મોહસિન ખાન અને યાસ્મિન ખાનનું કહેવું છે કે જો સોસાયટીમાં બકરીઓ લાવવી ગુનો છે તો એની જાણ પોલીસને કરવી જોઈતી હતી. અમારી સાથે અભદ્ર વર્તન કરીને અમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે. યાસ્મિને કાશ્મીરા પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૫૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ હેઠળ સોસાયટીના લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.