મીરા રોડમાં ધર્મપરિવર્તનની આશંકા : ક્રિ​શ્ચિયનોના કાર્યક્રમમાં બજરંગ દળના કાર્યકરો પહોંચી ગયા

06 October, 2024 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા રોડમાં ત્રણ દિવસનો એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એમાં મોટા પાયે ધર્મપરિવર્તન કરાવાઈ રહ્યું છે એવી ફરિયાદ મળી હતી

પ્રતીકાત્મક તસવીર

મીરા રોડમાં ક્રિશ્ચિયન ધર્મના એક કાર્યક્રમનું ત્રણ દિવસનું આયોજન કરાયું હતું જેમાં સેંકડો લોકો ભાગ લઈ રહ્યા હતા. ગઈ કાલે બજરંગ દળના કાર્યકરોને એવી માહિતી મળી હતી કે આ કાર્યક્રમમાં મોટા પાયે લોકોનું ધર્મપરિવર્તન કરવામાં આવી રહ્યું છે. એથી મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને એ કાર્યક્રમ રોકવાની કોશિશ કરી હતી.  

કાર્યકરો દ્વારા જય શ્રીરામના નારા લગાવાયા હતા અને ‘ધર્મપરિવર્તન બંધ કરો’ના નારા પણ લગાવાયા હતા. એ વખતે ત્યાં હાજર રહેલી પોલીસે તેમને રોક્યા હતા. પોલીસ સાથે પણ તેમની બોલાચાલી થઈ હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે એ કાર્યક્રમમાં હિન્દુઓનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. પોલીસે કહ્યું હતું કે અમે એ બાબતની ચકાસણી કરીશું. જોકે પોલીસે ત્યાર બાદ આયોજકોને એ કાર્યક્રમ આટોપી લેવા કહ્યું હતું અને કોઈ અનુચિત બનાવ બને એ પહેલાં જ કાર્યક્રમમાં સામેલ થવા આવેલા સેંકડો લોકોને જેમાં મોટા ભાગે મહિલાઓ હતી તેમને ત્યાંથી શાંતિથી સુર​ક્ષિત બહાર જવા પોલીસે માર્ગ કરી આપ્યો હતો.    

મીરા રોડના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રકાશ ગાયકવાડે ત્યાર બાદ કહ્યું હતું કે ‘મીરા રોડમાં ત્રણ દિવસનો એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એમાં મોટા પાયે ધર્મપરિવર્તન 
કરાવાઈ રહ્યું છે એવી ફરિયાદ મળી હતી. અમે આ સંદર્ભે તપાસ કરી રહ્યા છીએ.’

mira road Crime News mumbai news mumbai