બદલાપુરના નરાધમની દફનવિધિ પહેલાં થયો હાઈ-વૉલ્ટેજ ડ્રામા

30 September, 2024 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટના આદેશ મુજબ ઉલ્હાસનગરમાં દફનાવવા પ્રશાસને ખાડો ખોદ્યો, પણ સ્થાનિક લોકો અને રાજકારણીઓએ જબરદસ્ત વિરોધ કરીને એને પૂરી દીધો. ત્યાર બાદ પોલીસે પ્રોટેસ્ટ કરનારાઓની અટક કરીને પાછો ખાડો ખોદાવીને પરિવારજનોની હાજરીમાં બંદોબસ્ત વચ્ચે અંતિમવિધિ પૂરી કરાવી

શાંતિનગરની સ્વર્ગધામ સ્મશાનભૂમિમાં અક્ષયના મૃતદેહ માટે ખોદવામાં આવેલો ખાડો.

બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે બદલાપુર સ્કૂલમાં બે બાળકીઓ સાથે જાતીય અત્યાચાર કેસના આરોપી અક્ષય શિંદેના મૃતદેહની દફનવિધિ માટે જગ્યા ઉપલબ્ધ કરી સોમવાર સુધી અક્ષયની ડેડ-બૉડી દફન કરવા માટેનો આદેશ રાજ્ય સરકારને આપ્યો હતો એ અનુસાર ગઈ કાલે અક્ષયના મૃત્યુના ૬ દિવસ પછી ઉલ્હાસનગરના શાંતિનગરની સ્વર્ગધામ સ્મશાનભૂમિના પરિસરમાં અક્ષયના દફન માટેની વ્યવસ્થા સ્થાનિક પ્રશાસને કરીને એને માટે ખાડો ખોદ્યો હતો. જોકે સ્થાનિક લોકો, વ્યંડળો અને રાજકીય પાર્ટીના નેતાઓએ એ ખાડો ભરી દઈને અક્ષયના મૃતદેહને એ જગ્યાએ દફનાવવાનો વિરોધ કર્યો હતો. એ પછી પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી ફરી પાછો ખાડો ખોદીને ભારે પોલીસ-બંદોબસ્તમાં તેની દફનવિધિ પૂરી કરી હતી.

ઉલ્હાસનગરની પવિત્ર ભૂમિમાં અક્ષય શિંદે જેવા નરાધમની ડેડ-બૉડી અમે દફન કરવા નહીં દઈએ એમ જણાવતાં ઉલ્હાસનગર શિંદે જૂથના નેતા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે અમને માહિતી મળી હતી કે પોલીસે શાંતિનગરની સ્મશાનભૂમિમાં અક્ષયના દફન માટે ખાડો ખોદ્યો છે. આ ખાડો પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા ખોદવામાં આવ્યો હતો. અક્ષય બદલાપુરમાં રહેતો હતો તો તેની ડેડ-બૉડીને અહીં કેમ દફનાવવામાં આવે છે? આવા નરાધમની ડેડ-બૉડીને અમે અહીં દફન કરવા નહીં દઈએ. સ્થાનિક પ્રશાસનનો પણ અમે વિરોધ કરીએ છીએ.’

અક્ષયના પરિવારના લોકોની ભાવના પ્રમાણે પોલીસ-બંદોબસ્ત વચ્ચે અક્ષયની દફનવિધિ કરવામાં આવી હતી એમ જણાવતાં થાણે ઝોન-૪ના ડેપ્યુટી પોલીસ-કમિશનર સુધાકર પાઠારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ઉલ્હાસનગરના કેટલાક સ્થાનિક નાગરિકોને અક્ષયની ડેડ-બૉડી ઉલ્હાસનગરમાં દફન કરવામાં આવી હોવાનુ ધ્યાનમાં આવતાં તેમણે બપોર સુધી આંદોલન કર્યું હતું. અમે આશરે પચીસ લોકોને તાબામાં લઈને તેમની સામે ફરિયાદ નોંધી હતી, પરંતુ પછીથી તેમને સમજાવીને છોડી મૂક્યા હતા. આ બધા વચ્ચે અમારા ઝોનના આશરે ૧૦૦ કરતાં વધુ અધિકારીઓની હાજરીમાં અક્ષયની દફનવિધિ શાંતિપૂર્વક કરવામાં આવી હતી. આ દફનવિધિ બાદ પણ અમે અહીં બંદોબસ્ત રાખ્યો છે જે આવતા બે-ત્રણ દિવસ સુધી રાખવામાં આવશે.’

mumbai news mumbai bombay high court Crime News mumbai crime news sexual crime mumbai police ulhasnagar