21 August, 2024 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આંદોલનકારીઓથી ઘેરાયેલી પોલીસ અને પોલીસની ભૂમિકા વિશે લોકોના સવાલ (તસવીરો: નવનીત બારહાટે)
બદલાપુરની કિન્ડરગાર્ટનમાં ભણતી બે બાળકીઓની સાથે સ્કૂલના જ સફાઈ-કર્મચારીએ ૧૩ ઑગસ્ટે કરેલા વિનયભંગની ઘટનાને પગલે ગઈ કાલે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. સોમવારે જ મેસેજ ફરવા માંડ્યા હતા કે આવતી કાલે આ સંદર્ભે આંદોલન કરવાનું છે. સવારના ૬.૩૦ વાગ્યે જ વાલીઓ સ્કૂલ પર ભેગા થયા હતા અને ત્યાંથી જ વિરોધ-પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. તેમણે સ્કૂલ-મૅનેજમેન્ટ સાથે વાત કરવાની માગણી કરી હતી. જોકે તેમને એ વખતે અંદર જવા દેવામાં ન આવતાં તેમનો આક્રોશ વધતો ગયો હતો. એ પછી અન્ય લોકો આ આંદોલનમાં જોડાયા હતા અને ૧૦ વાગ્યે રેલરોકો આંદોલન કર્યું હતું. સ્કૂલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો ટ્રૅક પર ઊતરી આવ્યા હતા. સાડાસાત કલાક સુધી રેલરોકો આંદોલન થયું હતું. દરમ્યાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પૉલિટિકલ પાર્ટીના નેતાઓએ પણ લોકોને આંદોલન સમેટી લેવાની વારંવાર વિનંતી કરી હતી. જોકે આંદોલનકારીઓ બે કલાકમાં જ ન્યાય આપો અને આરોપીને ફાંસી આપો એવી માગણી કરી રહ્યા હતા. જો એ માટે કાયદામાં ફેરફાર કરવો પડે તો કરો, પણ તે નરાધમને તાત્કાલિક ફાંસી આપો અને જો તમે ન આપી શકતા હો તો અમને સોંપી દો એવી સતત માગણી તેમના દ્વારા કરવામાં આવી હતી. આખરે સાંજે ૫.૪૫ વાગ્યે પોલીસે તેમને વારંવાર ચેતવણીઓ આપીને ત્યાંથી હટી જવા કહ્યું હતું. એમ છતાં તેઓ ન હટતાં પોલીસે બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કર્યો હતો અને એ ભીડને વિખેરીને ટ્રૅક ક્લિયર કર્યો હતો જેથી ટ્રેનવ્યવહાર જે કલાકો સુધી બંધ રહ્યો હતો એ પૂર્વવત્ કરી શકાય. એ વખતે પણ કેટલાક આંદોલનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટ્રૅક પરથી હટાવાયા બાદ રસ્તા પર આવી ગયેલા આંદોલનકારીઓએ રોડ પર પણ ધમાલ મચાવી હતી અને ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા તથા બસને નુકસાન પહોંચાડ્યું હતું.
જો તમારી દીકરી હોત તો?
ગિરીશ મહાજન લોકોને ટ્રૅક પરથી હટી જઈને આંદોલન સમેટી લેવા સમજાવી રહ્યા હતા ત્યારે એક મહિલાએ તેમને સામે સવાલ કર્યો હતો કે જો આ બાળકીઓની જગ્યાએ તમારી દીકરી હોત તો શું તમે આવું જ સ્ટૅન્ડ લીધું હોત? ત્યારે ગિરીશ મહાજને તેમને કહ્યું હતું કે ‘હું તમારી ભાવના સમજી શકું છું, તમારો ગુસ્સો સમજી શકું છું. અમને પણ આ ઘટનાથી દુ:ખ થયું છે, પણ એવો કોઈ કાયદો નથી કે તરત ને તરત આરોપીને ફાંસી આપી શકાય.’
અમને ખબર હતી, અમે તપાસ કરીશું
૧૩ ઑગસ્ટે બનેલી આ ઘટનાને લઈને એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)એ પોલીસ પાસે પીડિત બાળકીઓના પરિવારના સપોર્ટમાં શાંતિપૂર્વક વિરોધ-પ્રદર્શન કરવાની માગણી કરી હતી અને પોલીસે એ માટે પરવાનગી પણ આપી હતી. પોલીસને જાણ નહોતી કે આવું કશું થઈ શકે. જોકે પછી એ આંદોલને હિંસક સ્વરૂપ લીધું હતું અને લોકો રેલરોકો તથા તોડફોડ પર ઊતરી આવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે ફોડ પાડ્યા વગર કહ્યું હતું કે ‘આંદોલન થઈ શકે છે એવું ઇનપુટ અમને મળ્યું હતું. એ મેસેજ કોણે કર્યા અને ક્યારે કર્યા એ બાબતે અમે તપાસ કરીશું. આ આંદોલનને આ રીતે ઉગ્ર બનાવવા પાછળ કોઈનો હાથ હતો કે કેમ એ બાબતે અમે તપાસ કરીશું. જે લોકોએ તોડફોડ કરીને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો તેમને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે ઓળખી કાઢવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આરોપી સામે બળાત્કારના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે અને સરકારે આ કેસ માટે જાણીતા વકીલ ઉજ્જવલ નિકમની નિમણૂક કરી છે.’
લાડકી બહેનની રકમ નથી જોઈતી, સુરક્ષા આપો
આંદોલનમાં જોડાયેલી એક મહિલાએ કહ્યું હતું કે ‘અમને સરકારની લાડકી બહેન હેઠળ ૧૫૦૦ રૂપિયાની જરૂર નથી. અમે સરકારને સામેથી ૨૦૦૦ રૂપિયા આપીશું, પણ અમારી દીકરીઓને સુરક્ષા પૂરી પાડો.’
સ્કૂલને સળગાવી દેવાનો પ્લાન હતો?
સ્કૂલમાં તોડફોડ થઈ ત્યારે સ્કૂલના કૉરિડોરમાં લગાડેલી જાળીઓ તોડીને તોફાનીઓ અંદર ઘૂસ્યા હતા. તેમના હાથમાં લાકડીઓ હતી. તેમણે સ્કૂલની બારીઓના કાચ તોડી નાખ્યા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી. જોકે પોલીસને ત્યાર બાદ સ્કૂલમાંથી પેટ્રોલનાં કૅન મળી આવ્યાં હતાં. એથી પોલીસને શંકા છે કે આંદોલનકારીઓ સાથે કેટલાંક અસામાજિક તત્ત્વો પણ ભળી ગયાં હતાં અને તેઓ સ્કૂલમાં આગ લગાવવા માગતાં હતાં. આ બાબતની પણ પોલીસ તપાસ કરાવી રહી છે. સ્કૂલને ત્યાર બાદ પોલીસછાવણીમાં ફેરવી નાખવામાં આવી હતી.
સ્કૂલમાં CCTV કૅમેરા ચાલુ નહોતા
નિયમ મુજબ સ્કૂલમાં CCTV કૅમેરા હોવા જરૂરી છે. જોકે આ સ્કૂલમાં CCTV કૅમેરા તો લગાવવામાં આવ્યા હતા, પણ એ ચાલુ નહોતા. બીજું, સ્કૂલમાં નાનાં બાળકોને ટૉઇલેટ જવું હોય તો તેમને ટૉઇલટ સુધી લઈ જવા અને લાવવા માટે આયા હોય છે, જ્યારે આ સ્કૂલમાં એ કામ આ પુરુષ સફાઈ-કર્મચારીને પણ સોંપવામાં આવતું હતું.
હવે સ્કૂલમાં છોકરીઓની સુરક્ષા માટે વિશાખા કમિટી
એજ્યુકેશન મિનિસ્ટર દીપક કેસરકરે કહ્યું હતું કે ‘સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે હવે વિશાખા કમિટીની રચના કરવામાં આવશે. સ્કૂલોમાં CCTV કૅમેરા લગાડેલા હોવા જ જોઈએ અને એ કાર્યરત પણ હોવા જોઈએ. જો એ નહીં હોય તો એ બદલ સ્કૂલ સામે પગલાં લેવામાં આવશે.’
સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે વિશાખા જજમેન્ટ મુજબ વર્કપ્લેસ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટની ફરિયાદ સંદર્ભે ઇન્ટર્નલ કમિટી હોવી ફરજિયાત છે. હવે એ સ્કૂલમાં પણ વિશાખા કમિટી શરૂ કરવામાં આવશે જેમાં ખાસ કરીને નવમા, દસમા અને જુનિયર કૉલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓ તેમની ફરિયાદ કરી શકશે.
આવી ઘટના કોઈ રાજ્યમાં ન થવી જોઈએ : ઉદ્ધવ ઠાકરે
બદલાપુરની ઘટના અને ત્યાર બાદ લોકોમાં ફાટી નીકળેલા રોષ બદલ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘જે સ્કૂલમાં આ ઘટના બની છે એ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલી વ્યક્તિની હોવાની મને માહિતી મળી છે. જોકે આ મુદ્દે હું કોઈ રાજકારણ કરવા નથી માગતો. આવી ઘટના આપણા જ નહીં, કોઈ પણ રાજ્યમાં ન થવી જોઈએ. આરોપીને સજા આપવામાં મોડું ન થવું જોઈએ.’
ટાઇમલાઇન
સવારે ૬.૩૦ વાગ્યે
પેરન્ટ્સ બદલાપુરની સ્કૂલની બહાર ભેગા થવાના શરૂ થયા હતા.
સવારે ૧૦ વાગ્યે
આંદોલનકારીઓમાંથી અમુક લોકો રેલવે-સ્ટેશન પહોંચી ગયા હતા અને થોડી જ વારમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રેલવે ટ્રૅક પર ઊતરી પડ્યા હતા.
સવારે ૧૧.૧૦ વાગ્યે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આંદોલનકારીઓની સાથે ન્યુઝ-ચૅનલના માધ્યમથી સંવાદ કરીને તેમની તમામ માગણી સ્વીકારવાની તૈયારી બતાવીને તેમને રેલવે ટ્રૅક પરથી હટી જવાની વિનંતી કરી હતી.
સવારે ૧૧.૩૦ વાગ્યે
રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ કેસની નિંદા કરીને આરોપી સામે ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવવાની જાહેરાત કરી હતી.
સવારે ૧૧.૪૫ વાગ્યે
મોટી સંખ્યામાં સ્કૂલની બહાર ભેગા થયેલા લોકો સ્કૂલનો ગેટ તોડીને અંદર ઘૂસ્યા હતા. તેમણે સ્કૂલની અંદર તોડફોડ કરી હતી.
બપોરે ૧૨.૨૫ વાગ્યે
મામલો શાંત ન પડતો હોવાનું ધ્યાનમાં આવતાં રાજ્યના એજ્યુકેશન મિનિસ્ટર દીપક કેસરકરે અર્જન્ટ પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને સરકારે શું કાર્યવાહી કરી છે એની માહિતી આપી.
બપોરે ૧૨.૪૦ વાગ્યે
પ્રદર્શનકારીઓને ટ્રૅક પરથી હટાવવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. એને લીધે તેઓ થોડા પાછળ ગયા, પણ ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
બપોરે ૧ વાગ્યે
આંદોલનકારીઓ ફરી એક વાર ટ્રૅક પર જે જગ્યાએ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતા ત્યાં મોટી સંખ્યામાં આવી ગયા હતા.
બપોરે ૧.૧૦ વાગ્યે
સ્કૂલની બહાર પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોવાથી તેમને વિખેરવા માટે પોલીસે ટિયરગૅસના શેલ છોડ્યા હતા.
બપોરે ૧.૨૦ વાગ્યે
રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ કેસની તપાસ કરવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની સ્થાપનાની જાહેરાત કરી હતી. મહિલા ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર આરતી સિંહની અધ્યક્ષતામાં SIT આ કેસની તપાસ કરશે.
બપોરે ૨.૩૦ વાગ્યે
રેલવે-સ્ટેશન પહોંચેલા વરિષ્ઠ પોલીસ-અધિકારીઓએ આંદોલનકારીઓને સમજાવવાની કોશિશ કરી, પણ તેઓ કોઈની વાત માનવા તૈયાર નહોતા.
બપોરે ૩.૩૦ વાગ્યે
રાજ્ય સરકાર તરફથી મિનિસ્ટર ગિરીશ મહાજન બદલાપુર રેલવે-સ્ટેશન આંદોલનકારીઓને સમજાવવા પહોંચ્યા હતા. તેમણે એક કલાક સુધી લોકોને સમજાવવાની કોશિશ કરીને કહ્યું કે તમારી જે ભાવના છે એ જ સરકારની છે. તેમણે એમ પણ કહ્યું કે સરકારે તમારી તમામ માગણી માની લીધી હોવાથી આ રીતે રેલ રોકીને બેઠા રહેવું યોગ્ય ન કહેવાય, પણ લોકો સતત આરોપીને ફાંસી આપવાની માગ કરી રહ્યા હતા.
સાંજે ૫ વાગ્યે
ફરી એક વાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ન્યુઝ-ચૅનલના માધ્યમથી પ્રોટેસ્ટ કરી રહેલા લોકોને સમજાવવાની કોશિશ કરી હતી અને તેમને રેલવે ટ્રૅક પરથી હટી જવાની વિનંતી કરી હતી.
સાંજે ૫.૪૫ વાગ્યે
પોણાઆઠ કલાકથી રેલરોકો કરી રહેલા લોકોને ફાઇનલી હળવો લાઠીચાર્જ કરીને વિખેરવામાં આવ્યા હતા. જોકે અમુક પ્રદર્શનકારીઓએ ત્યારે પણ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.