04 October, 2024 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય શિંદેનું આ પોલીસ-વૅનમાં એન્કાઉન્ટર કરવામાં આવેલું.
બદલાપુરની આદર્શ સ્કૂલની બે બાળકીઓ સાથે જાતીય અત્યાચાર કરનારા આરોપી અક્ષય શિંદેના કસ્ટોડિયલ ડેથ સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણે કહ્યું છે કે આ બાબતની ઇન્ક્વાયરી મૅજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવે એટલું જ નહીં; એને લગતા બધા જ પુરાવા મેળવવામાં આવે, સાચવવામાં આવે અને એની ફૉરેન્સિક તપાસ કરવામાં આવે. કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો છે કે મૅજિસ્ટ્રેટ તેમની તપાસ પૂરી કરીને ૧૮ નવેમ્બર સુધી એનો રિપોર્ટ આપે. કોર્ટે પોલીસને પણ કહ્યું છે કે આ કેસમાં આરોપી શૂટઆઉટમાં માર્યો ગયો છે એટલે પોલીસ એના મજબૂત પુરાવા આપે.
કાયદા મુજબ દરેક કસ્ટોડિયલ ડેથની મૅજિસ્ટ્રેટના વડપણ હેઠળ જ તપાસ કરવામાં આવે છે. ઍડ્વોકેટ જનરલ બીરેન્દ્ર સરાફે કોર્ટને જણાવ્યું હતું કે કેસને લગતા બધા જ દસ્તાવેજો મૅજિસ્ટ્રેટને સોંપાઈ ગયા છે. અક્ષય શિંદેના પિતાએ આ સંદર્ભે કોર્ટને અરજી કરી છે કે અક્ષયના મોતની તપાસ પર કોર્ટ નજર રાખે.
પોલીસના કહેવા મુજબ આરોપી અક્ષય શિંદેને તળોજા જેલથી તપાસ માટે લઈ જવાતો હતો ત્યારે ૨૩ સપ્ટેમ્બરે તેણે મુંબ્રા બાયપાસ પાસે પોલીસ-વૅનમાં જ પોલીસ-ઇન્સ્પેક્ટરની ગન ઝૂંટવી તેના પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ઇન્સ્પેક્ટર ઘાયલ થયો હતો. એટલું જ નહીં, તેણે બીજી બે ગોળી પણ ફાયર કરી હતી જે કોઈને લાગી નહોતી. વળતા જવાબમાં પોલીસે કરેલા ફાયરિંગમાં અક્ષયનું મૃત્યુ થયું હતું.
કોર્ટે આ શૂટઆઉટની તપાસ કરી રહેલા ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ને કહ્યું છે કે કેસને લગતા બધા જ પુરાવા એકઠા કરવામાં આવે અને એની ફૉરેન્સિક તપાસ કરીને એ સાચવવામાં આવે એટલું જ નહીં, કોર્ટે પોલીસને પૂછ્યું હતું કે ‘મરનાર અક્ષય શિંદેના શરીરમાંથી પણ પુરાવા મેળવવામાં આવ્યા છે કે નહીં? દરેક ફાયરઆર્મની પોતાની એક આગવી પૅટર્ન હોય છે અને ગોળી છોડ્યા બાદ પણ એની જે છાપ રહી જાય છે એ ડિફરન્ટ હોય છે. ઘટના વખતે બે અલગ ગન વપરાઈ હતી એ બન્નેની બુલેટનાં ખોખાં મળી આવ્યાં છે. આ ઉપરાંત દરેક ફાયરઆર્મ (ગન)ની ફાયરિંગ-પિન પણ અલગ હોય છે. અમે આ સંદર્ભનો નિષ્કર્ષ-રિપોર્ટ જોવા માગીશું. મરનાર અક્ષય શિંદેના માથામાં ગોળી વાગી હતી તો તેના પણ પુરાવા એકઠા કરવામાં આવે. તેણે ફાયરઆર્મમાંથી ગોળી છોડી હતી તો એ ગન પણ પુરાવા તરીકે સાચવવામાં આવે અને એની ફૉરેન્સિક તપાસ કરાય. મૃતદેહ એક બહુ જ ઈમાનદાર સાક્ષી હોય છે. તેના માથામાં વાગેલી ગોળી પોલીસને મળી છે?’
આ સવાલના જવાબમાં ઍડ્વોકેટ જનરલ બીરેન્દ્ર સરાફે કહ્યું હતું કે ‘એ ગોળી તેના (અક્ષય શિંદેના) માથાની આરપાર નીકળી ગઈ હતી અને પોલીસ-વૅનનું પતરું તોડીને બહાર નીકળી ગઈ હતી.’
કોર્ટે તેમને સામે સવાલ પૂછતાં કહ્યું હતું કે ‘બુલેટ કેટલે દૂર સુધી જઈ શકે? જે જગ્યાએ બનાવ બન્યો હતો એ નિર્જન વિસ્તાર હતો, તમે બુલેટ શોધી?’
ઍડ્વોકેટ જનરલે કહ્યું હતું કે CID એના પર કામ કરી રહી છે.
ઍડ્વોકેટ જનરલે વધુમાં કહ્યું હતું કે ‘આ ઘટના બની એ પહેલાં આરોપી અક્ષય શિંદેને હાથકડી પહેરાવાયેલી હતી. જોકે તેણે વૅનમાં પીવા માટે પાણી માગ્યું હતું એટલે તેને પાણીની બૉટલ અપાઈ હતી અને તે પાણી પી શકે એ માટે તેની હાથકડી ખોલવામાં આવી હતી.’
કોર્ટે ત્યારે પૂછ્યું કે એ પાણીની બૉટલ પુરાવા તરીકે કલેક્ટ કરાઈ છે? ત્યારે ઍડ્વોકેટે કહ્યું હતું કે ના. એટલે કોર્ટે નારાજ થઈને કહ્યું હતું કે એ મહત્ત્વનો પુરાવો હોય છે, આ પહેલાં પણ આવા કેસમાં પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી મહત્ત્વના પુરાવા કલેક્ટ કરાયા નહોતા.
કોર્ટે વધુમાં કહ્યું હતું કે ‘આ ઘટનામાં જે ઇન્સ્પેક્ટર ઘાયલ થયા છે તેમના મેડિકલ રિપોર્ટ અમે જોવા માગીશું. શું તેની યોગ્ય પૂછપરછ કરાઈ છે? તેને સાથળમાં ગોળી વાગી હતી અને આરપાર નીકળી હતી તો તેના બન્ને જખમની આસપાસની ચામડી કાળી પડી ગઈ હતી? અમે એ જોવા માગીએ છીએ. અમે તેને થયેલી ઈજાનું સર્ટિફિકેટ જોવા માગીએ છીએ. બુલેટ તેની છાપ છોડી જતી હોય છે એટલે કઈ ગનમાંથી એ બુલેટ ફાયર થઈ એ જાણી શકાતું હોય છે.’