25 January, 2025 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભક્ત પરિવાર સાથે મહંત ચતુરાનંદગિરિ.
હું કરપાત્રી સાધુ હોવાથી દિવસમાં એક જ વાર બે હાથમાં જેટલું ભોજન આવે એટલું જ ગ્રહણ કરી શકું. એ પણ કોઈ આપે ત્યારે, જાતે ન લઈ શકું. ૧૯૯૮માં હરિદ્વારમાં યોજાયેલા કુંભ વખતે મેં ટાટમ્બરી (શણનો પહેરવેશ) અંગીકાર કર્યો છે. ત્યારથી એ એક જ વસ્ત્ર ધારણ કરું છું; એ જ પહેરવાનું, ઓઢવાનું અને પાથરવાનું. હું પૈસાને સ્પર્શ નથી કરતો.
પ્રયાગરાજમાં મહાકુંભને લઈને સાધુ-સંતો, નાગા બાવા અને સનાતનીઓમાં ભારે ઉત્સાહ છે ત્યારે બદલાપુરના શિરગાવની આપ્ટેવાડીમાં શ્રી કચ્છી આશ્રમ ધરાવતા મૂળ કચ્છના ૬૦ વર્ષના મહંત ચતુરાનંદગિરિ તેમના ૧૨૫ કરતાં વધુ ભક્તોને લઈને મહાકુંભ પહોંચ્યા છે.
મૂળ કચ્છના અને નર્મદાકિનારે પણ આશ્રમ ધરાવતા મહંત ચતુરાનંદગિરિએ ૧૩ વર્ષની વયે જ સંસારત્યાગ કર્યો હતો. ત્યાર બાદ શ્રી પંચદશનામ જૂના અખાડામાં રહીને વર્ષો સુધી તમામ વિધિઓ અને નિયમોનું આચરણ કરી નાગા બાવા બન્યા હતા. પૂછવા છતાં તેમણે તેમના પૂર્વાશ્રમની કોઈ વિગત આપી નહોતી. જોકે એટલું કહ્યું હતું કે ‘નાગા બાવા બનતી વખતે અમારે અમારું અને અમારા આપ્તજનોનું પિંડદાન આપી દેવાનું હોય છે. એ પછી અમે કોઈ પણ સાંસારિક બંધનોમાં રહેતા નથી. અમારા ગુરુ જ અમારા માટે માતા-પિતા અને રાહબર હોય છે.’
નાગા બાવા બન્યાના અનુભવ વિશે મહંત ચતુરાનંદગિરીએ કહ્યું હતું કે ‘નાગા બાવા બન્યા પછી મેં ચાલીને ભારતભ્રમણ કર્યું છે. એ પ્રમાણે પગપાળા જઈને નેપાલમાં પશુપતિનાથ અને પાકિસ્તાનમાં હિંગળાજ માતાનાં દર્શન પણ કર્યાં છે. ચાર વર્ષ સુધી પગપાળા ચાલીને નર્મદામૈયાની પરિક્રમા કરી છે અને ત્રંબકેશ્વર બ્રહ્મગિરિથી ઓડિશામાં બંગાળના ઉપસાગરને મળતી ગોદાવરીની પણ પરિક્રમા કરી છે.’