આ કચ્છી ટીનેજર પર શું કામ ગર્વ કરવો જોઈએ?

18 April, 2023 09:23 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

તેણે પોતાની સોસાયટીના સ્વિમિંગ-પૂલમાં રાતે સાડાઅગિયાર વાગ્યે પડી ગયેલી ત્રણ વર્ષની બાળકીને સમય વેડફ્યા વગર બચાવી હતી : ગેટ બંધ હોવાથી એના પરથી જમ્પ મારીને સ્વિમિંગ-પૂલમાં કૂદી અને જીવ બચાવ્યો

નિધિ ઉમરાણિયાએ છ માળ ઊતરીને ત્રણ વર્ષની અંશિકાને બચાવી હતી

બદલાપુર-વેસ્ટમાં ભારત કૉલેજ સામે આવેલા મોહન તુલસી વિહાર કૉમ્પ્લેક્સમાં ૪-એચમાં રહેતી ૧૮ વર્ષની કચ્છી લોહાર સમાજની નિધિ ઉમરાણિયાએ છઠ્ઠા માળના દાદરા પરથી નીચે આવીને રિયલ હીરો બનીને ત્રણ વર્ષની અંશિકા નામની કૉમ્પ્લેક્સમાં રહેતી બાળકીને સ્વિમિંગ-પૂલના પાણીમાંથી બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો હતો. બહાર કાઢ્યા બાદ અંશિકા બરાબર શ્વાસ લેતી નહોતી એટલે નિધિ પમ્પિંગ કરીને તેને ભાનમાં લાવી હતી. એ પછી તરત તેને હૉસ્પિટલ લઈ જવાઈ હતી. આ બનાવ બાદ નિધિને કૉમ્પ્લેક્સના ફેડરેશન વતી તથા સ્થાનિક નગરસેવક દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

નિધિ નાશિક ઢોલ પથકમાં છે અને ડાન્સ પણ કરે છે. સ્કૂલ વેહિકલ દ્વારા પિક-અપ ઍન્ડ ડ્રૉપનું કામકાજ કરતા તેના પપ્પા પિનાકીન ઉમરાનિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બુધવારે રાતે સાડાઅગિયાર વાગ્યે નિધિ કિચનમાં ગઈ હતી. ત્યારે કિચનની વિન્ડોમાંથી તેને સ્વિમિંગ-પૂલના પાણીમાં કંઈક હલતું અને તરફડિયાં મારતું દેખાયું હતું. સ્વિમિંગ-પૂલના ભાગમાં થોડું અંધારું હતું અને બાળકીએ ડાર્ક કલરનાં કપડાં પહેર્યાં હોવાથી ચોખ્ખું દેખાતું નહોતું. બાળકી પાણીમાં પેટ પર ટર્ન થઈ ત્યારે વ્યવસ્થિત દેખાયું હતું. એ પછી નિધિએ મને પણ એ દેખાડ્યું હતી અને તેણે સીધી દોટ મૂકી હતી. સ્વિમિંગ-પૂલ પાસે બાળકીની મમ્મી સહિત અનેક મહિલાઓ બેઠી હતી, પરંતુ કોઈનું ધ્યાન બાળકી તરફ નહોતું. સ્વિમિંગ-પૂલનો આશરે સાડાત્રણ ફુટથી વધુ ઊંચો ગેટ છે. તેણે આ ગેટ પરથી જમ્પ મારીને સીધો સ્વિમિંગ-પૂલમાં કૂદકો માર્યો હતો. એ પછી બાળકીને પાણીમાંથી શોધીને બહાર લાવી હતી અને તેનો શ્વાસ બરાબર ચાલતો ન હોવાથી તેને પમ્પિંગ કર્યું ત્યારે તેની આંખ ખૂલી હતી. એ પછી તેની છાતીમાંથી પાણી કાઢ્યું હતું.’

સ્વિમિંગ-પૂલનું રિનોવેશન ચાલી રહ્યું હતું એમ કહેતાં પિનાકીનભાઈએ ઉમેર્યું હતું કે ‘અમારો સ્વિમિંગ-પૂલ મે મહિનામાં ચાલુ થવાનો હતો અને એ માટે ૧૦ એપ્રિલથી રિનોવેશન ચાલુ હતું. પૂલમાં પાણી ભરીને વૉટર પ્યૉરિફાયની તપાસ ચાલી રહી હતી. અંશિકા અને તેની બહેન પૂલની બાજુમાં આવેલા ગાર્ડનમાં રમતી હતી. અંશિકાને ગાર્ડન અને પૂલ પાસે આવેલી જગ્યામાં બેસાડાઈ હતી અને ત્યાંથી ખસતાં તે પૂલમાં પડી હતી. આ સમયે નિધિએ કોઈની મદદની રાહ નહોતી જોઈ. આ ઘટના બાદ કૉમ્પ્લેક્સના ફેડરેશને નિધિનું જાહેરમાં સન્માન કર્યું હતું. એ પછી સ્થાનિક નગરસેવકે પણ તેનું સન્માન કર્યું હતું અને હવે વિધાનસભ્યે પણ બોલાવ્યા છે અને અમને અભિનંદન આપ્યાં છે.’

ઉલ્હાસનગરની સીએચએમ કૉલેજના માસ મીડિયાના પહેલા વર્ષમાં ભણતી નિધિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્વિમિંગ-પૂલમાં બાળકી હોવાનો અંદાજ આવતાં હું લિફ્ટની રાહ જોયા વિના દાદરા પરથી સીધી નીચે ભાગી હતી અને ગેટ પરથી જમ્પ મારીને સ્વિમિંગ-પૂલમાં કૂદી પડી હતી. બાળકીને બહાર લાવતાં તેના હાર્ટબીટ્સ બંધ હતા એટલે મોઢાથી તેને શ્વાસ આપ્યો હતો. સવારે તેની મમ્મીનો ફોન આવ્યો કે અંશિકા બચી ગઈ છે ત્યારે જીવનમાં ક્યારેય અનુભવ્યો નહોતો એવો આનંદ મને થયો હતો.’ 

mumbai mumbai news badlapur kutchi community preeti khuman-thakur