અક્ષય શિંદે એન્કાઉન્ટર કેસ : આ બનાવ વિશે કોઈ માહિતી હોય તો સ્ટેટમેન્ટ આપવા આગળ આવવાની અપીલ

27 October, 2024 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ક્વાયરી કમિશને ગઈ કાલે આ ઘટના વિશે જો કોઈ પણ માહિતી હોય તો આગળ આવીને સ્ટેટમેન્ટ આપવાની અપીલ કરી હતી

અક્ષય શિંદે

બદલાપુરની એક સ્કૂલના વૉશરૂમમાં ચાર અને પાંચ વર્ષની બે બાળકીઓ સાથે થયેલા યૌન શોષણના કેસમાં આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટરની તપાસ કરી રહેલા ઇન્ક્વાયરી કમિશને ગઈ કાલે આ ઘટના વિશે જો કોઈ પણ માહિતી હોય તો આગળ આવીને સ્ટેટમેન્ટ આપવાની અપીલ કરી હતી. ૨૩ સપ્ટેમ્બરે અક્ષય શિંદેનું મુંબ્રા બાયપાસ પર પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી મહારાષ્ટ્ર સરકારે અલાહાબાદ હાઈ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દિલીપ ભોસલે સાથે ઇન્ક્વાયરી કમિશનની રચના કરી હતી. ઇન્ક્વાયરી કમિશન એ પણ તપાસશે કે પોલીસ દ્વારા પરિસ્થિતિને સંભાળવા માટે લેવામાં આવેલાં પગલાં યોગ્ય હતાં કે કેમ? આ પૅનલ ઘટનાનાં તમામ સંબંધિત પાસાં અને ઘટનાની વિગતવાર તપાસ કરશે.

mumbai news mumbai badlapur sexual crime mumbai police