અક્ષય શિંદેના એન્કાઉન્ટરને પગલે રાજકીય રમખાણ

25 September, 2024 06:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બદલાપુરની સ્કૂલના ટ્રસ્ટી ક્યાં? એકનાથ શિંદે સ્થાનિક MLAને કેમ બચાવી રહ્યા છે? : આદિત્ય

સંજય રાઉત, આદિત્ય ઠાકરે

એક શિંદેનું એન્કાઉન્ટર શિંદેએ કર્યું, બીજા શિંદેનું એન્કાઉન્ટર હવે જનતા કરશે -સંજય રાઉત 

એકનાથ શિંદેનું એન્કાઉન્ટર કરવા માટે સંજય રાઉતે સાત જન્મ લેવા પડશે - ભરત ગોગાવલે

બે માસૂમ બાળકીઓનું શારીરિક શોષણ કરનારા અક્ષય શિંદેનું પોલીસે એન્કાઉન્ટર કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે ગઈ કાલે નાશિકમાં મહારાષ્ટ્ર સરકારને નિશાના પર લઈને જોરદાર ટીકા કરતાં કહ્યું હતું કે ‘અક્ષય શિંદેના મામલામાં એક રહસ્યમય પડદો ઊભો થયો છે. આ પડદાની પાછળના સૂત્રધાર અદૃશ્ય છે. શા માટે તેને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ આનો જવાબ આપશે? એક શિંદેનું એન્કાઉન્ટર શિંદેએ કર્યું, બીજા શિંદેનું એન્કાઉન્ટર જનતા કરશે.’

સંજય રાઉતની ટીકાનો જવાબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના વિધાનસભ્ય ભરત ગોગાવલેએ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘સંજય રાઉતનું માથું ફરી ગયું છે. તેમને થાણેની મેન્ટલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડશે. મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં જનતા ફરી મહાયુતિને તક આપશે એનું સંજય રાઉતના પેટમાં દુઃખી રહ્યું છે. એકનાથ શિંદેનું એન્કાઉન્ટર કરવા સંજય રાઉતે સાત જન્મ લેવા પડશે. અક્ષય શિંદેએ કરેલું પાપ જો વિદેશમાં કરવામાં આવ્યું હોત તો તેને જાહેરમાં ગોળી મારવામાં આવી હોત.’

બદલાપુરની સ્કૂલના ટ્રસ્ટી ક્યાં? એકનાથ શિંદે સ્થાનિક MLAને કેમ બચાવી રહ્યા છે? : આદિત્ય

વિરોધીઓ એકદમ બેશરમ છે, તેમણે બોલતાં પહેલાં માહિતી મેળવવી જોઈએ - આશિષ શેલાર

અક્ષય શિંદેના એન્કાઉન્ટર બાબતે આદિત્ય ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાજ્ય સરકારને નિશાના પર લેતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘બદલાપુરની સ્કૂલના ટ્રસ્ટી ક્યાં છે? તેમને બચાવવાનો પ્રયાસ BJPની સરકાર કરી રહી છે? ‌એકનાથ શિંદે મહિલાઓનું અપમાન કરનારા સ્થાનિક વિધાનસભ્ય વામન મ્હાત્રેને કેમ બચાવી રહ્યા છે? બદલાપુરમાં આંદોલન કરનારાઓ પર નોંધવામાં આવેલા કેસ પાછા લેવામાં આવશે? સરકાર આ સવાલના જવાબ આપશે?’

આદિત્ય ઠાકરેએ કરેલા સવાલોના જવાબમાં BJPના મુંબઈ અધ્યક્ષ ઍડ્વોકેટ આશિષ શેલારે ગઈ કાલે કહ્યું હતું કે ‘અક્ષય શિંદેને પોલીસે ઠોક્યો, પણ એન્કાઉન્ટર વિરોધીઓનું થયું છે. સરકારે જે પુરાવા એકઠા કર્યા હતા એના પર ‌વિરોધ પક્ષ સવાલ કરી રહ્યો હતો, પણ આ ઈશ્વરનો ન્યાય છે એટલે અક્ષય શિંદેના એન્કાઉન્ટરનું હું સમર્થન કરું છું. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે ક્યાં છે? મહિલાઓને નિશાન બનાવતા નરાધમો વિશે કેમ તેઓ બોલતા નથી? આદિત્ય ઠાકરે સરકાર પર સવાલ કરી રહ્યા છે. તેમની પાસે કોઈ માહિતી હતી તો તેમણે પોલીસને કેમ જાણ ન કરી? વિરોધીઓ બેશરમ છે. તેમણે બોલતાં પહેલાં માહિતી મેળવવી જોઈએ.’ 

mumbai news mumbai aaditya thackeray uddhav thackeray sanjay raut shiv sena maha vikas aghadi political news badlapur bharatiya janata party