બાબરી ઢાંચો હિન્દુઓએ તોડેલો

12 April, 2023 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેના કે કોઈ એક પક્ષે આ કામ પાર નહોતું પાડ્યું એમ કહીને બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના કૅબિનેટ પ્રધાન ચંદ્રકાંત પાટીલે વિવાદનો મધપૂડો છંછેડ્યો : ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબનું અપમાન કરવા બદલ રાજીનામાની માગણી કરી

ગઈ કાલે માતોશ્રીમાં પત્રકારોને સંબોધી રહેલા ઉદ્ધવ ઠાકરે (તસવીર : પ્રદીપ ધિવાર)

બીજેપીના વરિષ્ઠ નેતા અને કૅબિનેટ પ્રધાન ચંદ્રકાંત પાટીલે ગઈ કાલે કહ્યું હતું કે ‘૧૯૯૨ની ૬ ડિસેમ્બરે અયોધ્યામાં બાબરી મસ્જિદના ઢાંચાને તોડવામાં આવ્યો હતો એનો પ્લાન શિવસેનાએ નહોતો બનાવ્યો. આ ઢાંચો વિશ્વ હિન્દુ પરિષદની આગેવાનીમાં સમસ્ત હિન્દુઓનાં સંગઠનોએ સાથે મળીને તોડી પાડ્યો હતો. એ સમયે કોઈ એક પક્ષે આ કામ નહોતું કર્યું. કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે બાબરીનો ઢાંચો તોડવાનું આયોજન શિવસેનાએ કર્યું હતું અને એ માટે મહારાષ્ટ્રમાંથી લોકોને અયોધ્યા મોકલવામાં આવ્યા હતા એ બરાબર નથી. હકીકતમાં વિશ્વ હિન્દુ પરિષદની આગેવાનીમાં બજરંગ દળ અને શિવસૈનિકો સહિતના હિન્દુઓ એમાં સામેલ થયા હતા.’

તેમના આ નિવેદન બાદ ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેનું અપમાન કરવા બદલ ચંદ્રકાંત પાટીલ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજીનામું આપવું જોઈએ એવી માગણી કરી હતી.

પોતાના નિવેદનથી વિવાદ થયો હોવાનું સમજાતાં ચંદ્રકાંત પાટીલે સ્પષ્ટતા કરી હતી કે ‘મારો સવાલ હતો કે બાબરી ઢાંચો તોડી પડાયો ત્યારે સંજય રાઉત ક્યાં હતા? બાળસાહેબ બાબતે અનાદર કરવાનો સવાલ જ નથી. બાબરી ઢાંચો તોડી પડાયા બાદ મુંબઈમાં ફાટી નીકળેલાં કોમી રમખાણ વખતે બાળાસાહેબ ઠાકરેને કારણે જ હિન્દુઓ બચ્યા હતા. તેમનું ઋણ અમે જાણીએ છીએ. મારી વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. વિરોધીઓ કાયમ અર્થનો અનર્થ કાઢીને લોકોને ભરમાવે છે.’

રાજીનામું લો અને આપો

ઉદ્ધવ ઠાકરેએ ચંદ્રકાંત પાટીલના નિવેદન બાદ ગઈ કાલે બપોરે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘બાબરીના ઢાંચાને જ્યારે તોડી પડાયો હતો ત્યારે હું માતોશ્રીમાં હતો. એક ફોન આવતાં બાળાસાહેબે દોડીને એ રિસીવ કર્યો હતો. ફોન પર તેમણે કહ્યું હતું કે શિવસૈનિકોએ બાબરી તોડી પાડી હોય તો એનું અભિમાન છે. આથી ચંદ્રકાંત પાટીલનું બાબરી ઢાંચો તોડવામાં શિવસૈનિકોનો કોઈ ફાળો નહોતો એમ કહેવું એ બાળાસાહેબનું અપમાન છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ચંદ્રકાંત પાટીલનું રાજીનામું લેવું જોઈએ અને પોતે જ આ રાજીનામું આપી દેવું જોઈએ. બાળાસાહેબનું આવું અપમાન અમે સહન નહીં કરીએ. આ બાળાસાહેબના વિચાર નથી. જે મસ્તીમાં ચંદ્રકાંત પાટીલ બોલે છે તેમણે લાલ કૃષ્ણ અડવાણીએ મીડિયામાં આપેલી મુલાકાત જોવી જોઈએ.’

બાબરી સમયે આ લોકો ક્યાં હતા?

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ચંદ્રકાંત પાટીલના નિવેદન વિશે ગઈ કાલે કહ્યું હતું કે ‘મેં તેમની સાથે વાત કરી છે. તેમણે જે કહ્યું છે એનો જુદો અર્થ વિરોધીઓ કાઢી રહ્યા છે. ચંદ્રકાંત પાટીલે બાળાસાહેબ કે શિવસેનાનું અપમાન થાય એવું કંઈ જ કહ્યું નથી. તેમણે તો ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત અયોધ્યા પર દાવા કરે છે એનો જવાબ આપ્યો હતો. આજે આ લોકો જે બોલી રહ્યા છે એનો તેમને કોઈ અધિકાર જ નથી. સ્વાતંત્ર્યવીર સાવરકરના અપમાન પર તેઓ ચૂપ છે. જેમણે રામમંદિરનો વિરોધ કર્યો તેમની સાથે તેઓ આજે ફરી રહ્યા છે. અયોધ્યામાં રામમંદિર અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનું સપનું બાળાસાહેબનું હતું એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે પૂરું કર્યું છે.’

બીએમસીની ચૂંટણીઓ ચોમાસા બાદ જ

ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકાઓની ચૂંટણી આયોજિત કરવા સંબંધે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણીની તારીખ લંબાતી જ જાય છે. સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે સુનાવણી થવાની હતી, પરંતુ હવે સુનાવણી ૪ મેએ હાથ ધરાવાની છે. આથી રાજ્યની મુંબઈ અને થાણે સહિતની ૨૩ મહાનગરપાલિકા, ૨૦૭ નગરપાલિકા, ૨૫ જિલ્લા પરિષદ, ૨૮૪ પંચાયત સમિતિની ચૂંટણીઓ ચોમાસા બાદ જ થવાની શક્યતા જોવાઈ રહી છે. મહાવિકાસ આઘાડી સરકારે કરેલી વૉર્ડ-રચનાને અત્યારની સરકારે ગયા વર્ષે ૨૨ ઑગસ્ટે રદ કરીને નવેસરથી વૉર્ડ-રચના કરવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો છે. આથી જ્યાં સુધી આ મામલે કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી નવેસરથી વૉર્ડ-રચના નહીં થઈ શકે. આ કામમાં બેથી ત્રણ મહિનાનો સમય જવાની શક્યતા છે એટલે દિવાળીની આસપાસ જ આ તમામ ચૂંટણીઓ યોજાઈ શકશે.

mumbai mumbai news shiv sena bharatiya janata party uddhav thackeray bal thackeray