13 October, 2024 06:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ પોલીસ (તસવીર સૌજન્ય મિડ-ડે)
મુંબઈ (Mumbai) મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરનાર બે આરોપીઓને રવિવારે, 13 ઑક્ટોબરે, મુંબઈ પોલીસે ભારે સુરક્ષા હેઠળ હોલિડે કોર્ટમાં રજૂ કર્યા. આ સમયે, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડિટેક્શન 1) વિશાલ ઠાકુર હાજર રહ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને 21 ઑક્ટોબર સુધી ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો.
આ કેસમાં એક આરોપીનો દાવો છે કે તે સગીર છે. તે 17 વર્ષનો હોવાનો દાવો કરતો હતો, જોકે મુંબઈ પોલીસનું કહેવું છે કે આ દાવો ખોટો છે અને આરોપી 19 વર્ષનો છે. આ બાબત પર કોર્ટમાં બચાવ પક્ષના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે જો પોલીસ પાસે કોઈ પુરાવા હોય, તો તે કોર્ટ સમક્ષ રજૂ કરવા જોઈએ.
કોર્ટમાં પોલીસે રજૂ કરેલા આધાર કાર્ડ અનુસાર, આરોપી 21 વર્ષનો હતો અને તેનો જન્મ 1 માર્ચ, 2003નો છે. જો કે, આરોપીએ દાવો કર્યો કે કાર્ડ પરનો ફોટો તેનો હોવા છતાં અન્ય વિગતોથી તે અજાણ છે, જેના કારણે નકલી ઓળખ બનાવવાની શંકા ઊભી થઈ છે.
કોર્ટે પણ પોલીસને આ દસ્તાવેજોની યોગ્ય તપાસ કરવા માટે જણાવ્યું છે. પોલીસે દલીલ કરી કે જો કોર્ટ જરૂરી માને, તો ઓસિફિકેશન ટેસ્ટ કરાવી શકાય છે.
મુંબઇ પોલીસે વધુમાં જણાવ્યું કે હત્યા સમયે આરોપીઓએ ઘટનાના સ્થળની તપાસ કરી હતી અને તેઓ પુણે અને મુંબઈમાં રહ્યા હતા. પોલીસે વધુ 14 દિવસની કસ્ટડીની માંગણી કરી છે કારણ કે અન્ય બે આરોપી હજુ પણ ફરાર છે અને હત્યાના હેતુની તપાસ ચાલુ છે.
આ કેસમાં તપાસ કરી રહેલા ખંડણી વિરોધી સેલ (AEC)એ કોર્ટમાં વધુમાં દાવો કર્યો કે તેઓએ આરોપીઓ પાસેથી 28 જીવંત કારતુસ જપ્ત કર્યા છે, જેમાંથી છ ગોળી બાબા સિદ્દીકીની હત્યામાં ઉપયોગમાં લેવાઈ હતી.
બાબા સિદ્દીકીની હત્યા (Baba Siddique Murder) બાદ સમગ્ર મુંબઈ અને મહારાષ્ટ્ર હચમચી જવા પામ્યું છે. આ હત્યા પાછળ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની ચર્ચા ચાલી રહી હતી. આ વચ્ચે હવે બિશનોઈ ગેંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હોવાની વાત જાણવા મળી રહી છે. બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી હોવાની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે દાઉદ નજીક હોવાના કારણે બાબા સિદ્દિકીની હત્યા (Baba Siddique Murder) કરવામાં આવી છે.
બિશ્નોઈએ તો રાજસ્થાનમાં ફિલ્મ `હમ સાથ-સાથ હૈ`ના શૂટિંગ દરમિયાન 1998માં કાળિયાર હત્યામાં સલમાન ખાનની કથિત સંડોવણી અંગે ધમકી આપી હતી અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
સલમાન ખાનને તો છેલ્લા ઘણા વર્ષોમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મોતની ધમકીઓ મળતી આવી છે. અભિનેતાને આવી અનેક ધમકીઓણો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે જ એપ્રિલમાં પણ એક એવી જ ઘટના બનવા પામી હતી. જેમાં બે અજાણ્યા શખ્સોએ બાઇક પર આવીને મુંબઈમાં સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર ગોળીબાર કર્યો હતો.