25 October, 2024 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાબા સિદ્દીકી મર્ડરકેસમાં ક્રાઇમ બ્રાન્ચે પુણેથી બુધવારે ત્રણ આરોપીઓને ઝડપી લીધા
બાબા સિદ્દીકી મર્ડરકેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે પુણેથી બુધવારે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. પુણેના શિવાનેમાંથી રૂપેશ રાજેન્દ્ર મોહોળને તથા ઉત્તમનગરમાંથી કરણ રાહુલ સાળવે અને શિવમ અરવિંદ કોહાડને ઝડપી લેવાયા હતા. આમ આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે ૧૧ પર પહોંચી છે.
દરમ્યાન બાબા સિદ્દીકીના આ કેસમાં પહેલી વાર પોલીસને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગની સીધી સંડોવણી હોવાનું જણાઈ આવ્યું છે. તપાસમાં જણાઈ આવ્યા મુજબ બાબા સિદ્દીકીની હત્યા કરતાં પહેલાં એક શૂટરે અનમોલ બિશ્નોઈ સાથે મેસેજિંગ ઍપ સ્નૅપચૅટ પર વાત કરી હતી. મેસેજ થઈ ગયા બાદ એ ડિલીટ કરી દેવામાં આવતો હતો. અનમોલ બિશ્નોઈ અમેરિકા અને કૅનેડાથી ત્રણ શૂટરમાંના એક શૂટર અને પ્રવીણ લોણકર સાથે સ્નૅપચૅટથી સંકળાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હવે ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA-મોકા) લગાવવાની શક્યતા ચકાસી રહી છે.