Baba Siddique Resigns : કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીનું રાજીનામું

08 February, 2024 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Baba Siddique Resigns : કોંગ્રેસના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીના રાજીનામાંથી મહારાષ્ટ્રના રાજકારણમાં થઈ જબરજસ્ત હલચલ

બાબા સિદ્દીકી દીકરા સાથે

આજે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ (Congress) પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ આજે ​​પાર્ટીના સભ્યપદેથી રાજીનામું (Baba Siddique Resigns) આપી દીધું છે. સિદ્દીકીએ કહ્યું કે, હું નાનો હતો ત્યારે કોંગ્રેસમાં જોડાયો હતો અને આજે ૪૮ વર્ષ પછી પાર્ટી છોડી રહ્યો છું. તેણે કહ્યું કે, મારી આ યાત્રા ખૂબ જ શાનદાર રહી.

બાબા સિદ્દીકીની વિદાય કોંગ્રેસ પાર્ટી માટે મોટો ફટકો છે, કારણ કે તાજેતરમાં જ મિલિંદ દેવરા (Milind Deora)એ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તમને જણાવી દઈએ કે, મળતી માહિતી પ્રમાણે સિદ્દીકી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી – એનસીપી (Nationalist Congress Party - NCP)માં સામેલ થવાની ચર્ચા છે.

બાબા સિદ્દીકીએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બાબા સિદ્દીકીએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘હું મારી કિશોરાવસ્થામાં કોંગ્રેસ સાથે જોડાયો હતો અને છેલ્લા ૪૮ વર્ષની આ સફર ઘણી મહત્વપૂર્ણ હતી. આજે હું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યો છું. હું ઘણું બધું કહેવા માંગુ છું પરંતુ જેમ કહેવાય છે તેમ, કેટલીક વસ્તુઓ ન કહેવાયેલી છોડી દેવી વધુ સારી છે.’

તમને જણાવી દઈએ કે, બાબા સિદ્દીકી મુંબઈ (Mumbai)ની બાંદ્રા ઈસ્ટ (Bandra East) સીટના પૂર્વ ધારાસભ્ય છે.

લોકસભા ચૂંટણી (Loksabha Election) પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ (Maharashtra Congress)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બાબા સિદ્દીકીએ ગુરુવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એવી ચર્ચા છે કે, બાબા સિદ્દીકી આગામી સપ્તાહે એનસીપીના અજિત પવાર (Ajit Pawar) જૂથમાં જોડાઈ શકે છે. એનસીપીના નેતાઓએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. જો કે, આ અંગે સિદ્દીકીની તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. અગાઉ બાબા સિદ્દીકી અને તેમના ધારાસભ્ય પુત્ર ઝીશાન સિદ્દીકી (Zeeshan Siddique)એ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપી નેતા અજિત પવાર સાથે મુલાકાત કરી હતી અને તેમની આગામી રણનીતિ અંગે ચર્ચા કરી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બાબા સિદ્દીકી પછી તેમનો પુત્ર ઝીશાન સિદ્દીકી પન કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અજિત પવારની એનસીપીમાં સામેલ થશે. જોકે, સમય જ કહેશે કે શું થાય છે.

નોંધનીય છે કે, બાબા સિદ્દીકી વર્ષમાં એકવાર હંમેશા હેડલાઇન્સમાં રહે છે. ખાસ કરીને તેમની ભવ્ય ઇફ્તાર પાર્ટીઓ માટે, જેમાં બૉલિવૂડના સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shah Rukh Khan) સહિતના સેલેબ્સ હાજરી આપે છે. બાબા સિદ્દીકી વિશાળ ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરવા અને ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના સૌથી મોટા સ્ટાર્સને એક છત નીચે લાવવા માટે જાણીતા છે.

baba siddique congress nationalist congress party ajit pawar maharashtra news maharashtra political crisis maharashtra mumbai mumbai news