17 October, 2024 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાબા સિદ્દીકી
ભૂતપૂર્વ વિધાનસભ્ય અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની ફાયરિંગ કરીને હત્યા કરવાના મામલાની તપાસમાં ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. મુંબઈ પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ બાબા સિદ્દીકીની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા શૂટરોની પૂછપરછમાં જણાયું છે કે શૂટરો બાબા સિદ્દીકીના વિધાનસભ્ય પુત્ર ઝીશાનની બાંદરા ઈસ્ટના ખેરવાડીમાં આવેલી ઑફિસ અને બાંદરા વેસ્ટમાં આવેલા ઘરે ૧ મહિનાની અંદર ૧૦ વખત ગયા હતા. દરેક વખતે તેઓ બાબા સિદ્દીકીની હત્યા કરવા માટે ગયા હતા, પરંતુ એ સમયે તેમની આસપાસ અનેક લોકો હતા એટલે શૂટરોએ ચાન્સ નહોતો લીધો. બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું પુણેમાં ઘડવામાં આવ્યું હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે એટલે પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે પણ હત્યા સમયે ઘટનાસ્થળે હાજર રહેલા ૧૫ લોકોનાં નિવેદન નોંધ્યાં છે.
બાબા સિદ્દીકીના હત્યારા શૂટરો યુટ્યુબમાં વિડિયો જોઈને ફાયરિંગ કરવાનું શીખ્યા હતા
બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરનારા શૂટરોએ કુર્લામાં ભાડેથી રૂમ રાખી હતી અને તેમણે યુટ્યુબમાં વિડિયો જોઈને ગોળીબાર કરવાનું શીખ્યા હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા મુજબ બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા ત્રણ શૂટરમાંથી શિવકુમાર ગૌતમ જ ફાયરિંગ કરવાનું જાણતો હતો. તેણે ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપને કુર્લામાં ભાડેથી રાખેલા મકાનમાં એક મહિનો ગન લોડ અને અનલોડ કરવાની ટ્રેઇનિંગ યુટ્યુબમાં વિડિયો બતાવીને આપી હતી. ખુલ્લી જગ્યામાં ફાયરિંગ શીખવવાનું શક્ય નહોતું એટલે આરોપીઓએ આ માર્ગ અપનાવ્યો હતો.
બાબા સિદ્દીકીનું બિઝનેસ એમ્પાયર ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું
બાબા સિદ્દીકીની કરીઅર અને નસીબ મુંબઈની રિયલ્ટી માર્કેટ સાથે ચમક્યાં હતાં. મુંબઈના એક ડેવલપરના કહેવા મુજબ બાબા સિદ્દીકીનું બિઝનેસ એમ્પાયર ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું છે. તેમણે દુબઈ અને લંડનમાં બિઝનેસ ડેવલપ કર્યો હતો.