13 October, 2024 12:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાાબ સિદ્દીકી (ડાબે) અને બાંદ્રામાં જ્યાં તેમની હત્યા કરવામાં આવી તે સ્થળે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસ
મહારાષ્ટ્રના (Maharashtra)ના ભૂતપૂર્વ પ્રધાન નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (Nationalist Congress Party - NCP)ના નેતા અને ત્રણ વખત કૉન્ગ્રેસ (Congress)ના વિધાનસભ્ય રહી ચૂકેલા ૬૬ વર્ષના બાબા સિદ્દીકી (Baba Siddique)ની મુંબઈ (Mumbai)માં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મુંબઈ પોલીસ (Mumbai Police)એ આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ હત્યામાં લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)નો હાથ હોવાની આશંકા છે. દરમિયાન પોલીસે બાબા સિદ્દીકીની હત્યા (Baba Siddique Murder)ના કેસમાં ઘણા મહત્વના ખુલાસા પણ કર્યા છે.
મુંબઈ પોલીસે કહ્યું કે, પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા પૂર્વ આયોજિત હતી. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)એ સંભવિત કોન્ટ્રાક્ટ કિલિંગ, ધંધાકીય દુશ્મનાવટ વગેરે સહિત વિવિધ એંગલથી કેસની તપાસ શરૂ કરી છે.
બાબા સિદ્દીકીને ત્રણ લોકોએ ગોળી મારી છે. પોલીસે ૨૪ કલાકમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ આરોપીની શોધખોળ ચાલુ છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે (Mumbai Crime Branch) નિર્મલ નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (Indian Justice Code), આર્મ્સ એક્ટ (Arms Act) અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ (Maharashtra Police Act)ની સંબંધિત કલમો હેઠળ હત્યાના સંબંધમાં કેસ નોંધ્યો છે.
શનિવારે ૧૨ ઓક્ટોબરના રોજ બાંદ્રા (Bandra)માં તેમના પુત્ર ધારાસભ્ય જીશાન સિદ્દીકી (Zeeshan Siddique)ની ઓફિસની બહાર ત્રણ હુમલાખોરોએ બાબા સિદ્દીકીને ગોળી મારી (Baba Siddique Murder) દીધી હતી. તેમને છાતીમાં ગોળી વાગી હતી. બાબા સિદ્દીક પર ફાયરિંગ કર્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા અને બેની ધરપકડ કરવામાં આવી હતી. આજે રવિવારે સવારે બાબા સિદ્દીકના મૃતદેહને સવારે છ વાગ્યાની આસપાસ લીલવતી હૉસ્પિટલમાંથી કૂપર હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં તો ત્રણ આરોપીઓમાંથી બેની ધરપકડ કરી લીધી છે. પોલીસે ધરપકડ કરાયેલા બે આરોપીઓની ઓળખ પણ જાહેર કરી છે અને તેમની યોજના અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બંને આરોપીઓની ઓળખ મૂળ હરિયાણા (Haryana)ના વતની ગુરમેલ સિંહ અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના વતની ધરમરાજ કશ્યપ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં હતા અને સિદ્દીકીની નજીકથી નજર રાખી રહ્યા હતા. પોલીસે એમ પણ કહ્યું હતું કે, આરોપીઓએ બાબા સિદ્દીકીના ઘર અને ઓફિસની તપાસ કરી હતી અને તે દોઢથી બે મહિનાથી મુંબઈમાં હતા અને તેના પર નજર રાખી રહ્યા હતા. બંને આરોપીઓની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓને આ કામ માટે એડવાન્સ પેમેન્ટ આપવામાં આવ્યું હતું અને થોડા દિવસ પહેલા જ તેમને હથિયારોની ડિલિવરી પણ મળી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ છેલ્લા આઠ કલાકથી આરોપીની પૂછપરછ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે ત્રીજા આરોપીની શોધ ચાલી રહી છે અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઘણી ટીમો આ કેસની તપાસ કરી રહી છે. આ દરમિયાન ત્રીજા આરોપીની ઓળખ થઈ ગઈ છે. ત્રીજો ફરાર શૂટર પણ ઉત્તર પ્રદેશના બહરાઈચનો રહેવાસી છે. ધરમરાજ કશ્યપ સાથે જે શૂટર પકડાયો હતો તે ફરાર શૂટર શિવકુમાર ઉર્ફે શિવા ગૌતમ હોવાનું કહેવાય છે. ધર્મરાજ અને ફરાર શૂટર શિવકુમાર ગૌતમ કૈસરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગંડારા ગામના રહેવાસી છે. ધરમરાજ કશ્યપ અને શિવકુમાર ઉર્ફે શિવ ગૌતમ મજૂરી કરવા માટે પુણે (Pune) ગયા હતા, પરંતુ બંને મુંબઈ કેવી રીતે પહોંચ્યા તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
બાાબ સિદ્દીકીની હત્યાના કેસમાં મુંબઈ પોલીસ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે.