બાબા સિદ્દીકી હત્યાકેસમાં વધુ એક આરોપીની ધરપકડ

21 October, 2024 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીએ હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલાં હથિયારો રાજસ્થાનથી અહીં ટ્રાન્સપોર્ટ કરીને ગૅન્ગને આપ્યાં હતાં : પકડાયેલા આરોપીઓની સંખ્યા ૧૦ થઈ

આરોપીની ધરપકડ

બાબા સિદ્દીકી હત્યાકેસમાં તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરતાં અત્યાર સુધી પકડાયેલા આરોપીઓની સંખ્યા ૧૦ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ બેલાપુરમાંથી ૩૨ વર્ષના ભગવંત સિંહની ધરપકડ કરી છે. ભગવંત સિંહે હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલાં હથિયારો રાજસ્થાનથી અહીં ટ્રાન્સપોર્ટ કરીને ગૅન્ગને આપ્યાં હતાં. તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૨૬ ઑક્ટોબર સુધીની પોલીસ-કસ્ટડી આપી છે.

ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ મૅટર બહુ જ સંવેદનશીલ છે. આરોપી ભગવંત સિંહના તાર ઉદયપુર સાથે જોડાયેલા છે. જ્યાં સુધી બાબા સિદ્દીકીની હત્યા થઈ ત્યાં સુધી ભગવંત સિહ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં રહેતો હતો, પણ એ પછી તે બેલાપુર શિફ્ટ થઈ ગયો હતો. તેણે હ​થિયારો આરોપીઓને પહોંચાડ્યાં હતાં અને તેમને પૈસા આપ્યા હોવાની અમને શંકા છે.’

કોર્ટમાં તેની કસ્ટડી માટે કરાયેલી રિમાન્ડ અરજીની રજૂઆત કરતાં પબ્લિક પ્રોસિક્યુટરે કહ્યું હતું કે ‘ભગવંત સિંહ આ કેસમાં પકડાયેલા આરોપી રામ કનોજિયા અને અન્ય એક નાસતા ફરતા આરોપી સાથે સંપર્કમાં હતો. તે અને રામ કનોજિયા ઉદયપુર ગયા હતા અને ત્યાંથી હથિયારો લઈ આવ્યા હતા. પોલીસને તપાસ દરમ્યાન જણાઈ આવ્યું હતું કે રામ કનોજિયાના અકાઉન્ટમાં કેટલાક રૂપિયા હતા. પોલીસને શંકા છે કે તેણે એ રૂપિયા આરોપીને આપ્યા હોઈ શકે.’

પોલીસે અત્યાર સુધીમાં બે ગન, પાંચ મોબાઇલ ફોન, ધર્મરાજ અને ગુરમેલ સિંહનાં કપડાં અને બે આધાર કાર્ડ જપ્ત કર્યાં છે. 

કેસની તપાસ કરી રહેલી પોલીસે અત્યાર સુધી આ કેસમાં ૨૦થી ૨૫ જેટલા લોકોનાં સ્ટેટમેન્ટ્સ નોંધ્યાં છે. ક્રાઇમ બ્રાન્ચ આ કેસના નાસતા ફરતા આરોપી શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવા, ઝિશાન અખ્તર અને શુભમ લોણકરને શોધી રહી છે.

લૉરેન્સનો પરિવાર તેના પર વર્ષે ૪૦ લાખ રૂપિયા ખર્ચે છે

સલમાન ખાનને ઉડાવી દેવાની ધમકી આપનાર ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ હાલ સાબરમતી જેલમાં બંધ છે. તેને જેલમાં કોઈ તકલીફ ન પડે એ માટે તેનો પરિવાર દર વર્ષે ૪૦ લાખ રૂપિયા ખર્ચે છે એમ તેના પિતરાઈ રમેશ બિશ્નોઈએ કહ્યું છે.

રમેશ બિશ્નોઈએ કહ્યું હતું કે ‘પરિવારે ક્યારેય વિચાર્યું નહોતું કે પંજાબ યુનિવર્સિટીમાં વકીલાતની ડિગ્રી લેનાર લૉરેન્સ અપરાધી બની જશે. અમારો પરિવાર પહેલેથી સાધન-સંપન્ન છે. લૉરેન્સના પિતા ​હરિયાણા પોલીસમાં કૉન્સ્ટેબલ હતા, પણ વતનમાં તેમની ૧૧૦ એકર ખેતી હતી. લૉરેન્સ હંમેશાં મોંઘાં કપડાં અને મોંઘાં શૂઝનો શોખીન રહ્યો છે. હાલ પણ પરિવાર તેના પર વર્ષે ૩૫થી ૪૦ લાખ રૂપિયા ખર્ચે છે.’

બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે લીધી છે. આ ઉપરાંત ​પંજાબી ગાયક સિધુ મૂસેવાલાની હત્યા પણ તેણે જ કરાવી હતી એવો તેના પર આરોપ છે. સલમાન ખાને ૧૯૯૮માં કાળિયારનો શિકાર કરતાં બિશ્નોઈ સમાજ તેની વિરુદ્ધ થઈ ગયો છે અને બિશ્નોઈ ગૅન્ગે સલમાનને ઉડાવી દેવાની ધમકી પણ આપી છે. લૉરેન્સની ઉંમર ૨૪ વર્ષ છે અને તેની સામે ૧૮ જેટલા ગંભીર ગુના નોંધાઈ ગયા છે. હાલ તે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે.   

કઈ રીતે પડ્યું લૉરેન્સ નામ?

લૉરેન્સનું સાચું નામ બાલકરણ બ્રાર હતું, પણ તેની આન્ટીએ તે જ્યારે સ્કૂલમાં હતો ત્યારે જ તેને કહ્યું કે તારું નામ લૉરેન્સ સારું લાગશે એટલે તેણે એ વખતથી જ એ નામ અપનાવી લીધું હતું. 

baba siddique nationalist congress party Crime News mumbai crime news mumbai crime branch belapur mumbai police rajasthan