15 October, 2024 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રણ શૂટરોનો જૂહુ બીચ પરનો ફોટો.
શરૂઆતમાં તો પોલીસને એવું લાગ્યું કે બે જણ મોબાઇલ ચોરીને ભાગી રહ્યા છે, પણ પાછળથી ખબર પડી કે તેઓ બાબા સિદ્દીકી પર ગોળીબાર કરીને ભાગ્યા છે: બાંદરાથી પરિચિત ન હોવાથી તેઓ ફસાઈ ગયા અને પોલીસને કરવું પડ્યું સરેન્ડર
બાબા સિદ્દીકીની હત્યા કરીને ભાગી ગયેલા ત્રણમાંથી બે આરોપીને પકડવા માટે પોલીસે હિન્દી ફિલ્મોમાં આરોપીને પકડવા માટે પોલીસ જે રીતે પીછો કરતી હોય છે એવું જ કંઈ શનિવારે રાત્રે બાંદરામાં બન્યું હતું.
બાબા સિદ્દીકી પર હુમલો કરવાના ઇરાદે ત્રણે આરોપીઓ રિક્ષામાં ઝીશાન સિદ્દીકીની ઑફિસ સુધી ગયા હતા. જોકે હત્યા કર્યા બાદ નાસતી વખતે તેમને બાંદરાના એ વિસ્તારની માહિતી વિશે બરાબર જાણ ન હોવાથી ફસાણા અને આખરે પોલીસ તેમની પાછળ પડતાં પચીસ મિનિટ સુધી તેમને અંધારામાં ચકમો આપ્યે રાખ્યો હતો પણ આખરે જ્યારે પોલીસે તેમને ઝડપી લીધા ત્યારે જાતે જ તેમનાં હથિયાર જમીન પર નાખી સરેન્ડર કરી દીધું હતું.
બાબા સિદ્દીકી પર શિવાએ ફાયરિંગ કર્યા બાદ તે ગરદીમાં ભળીને નાસી ગયો હતો, જ્યારે ગુરમેલ અને ધર્મરાજ હાઇવે તરફ દોડ્યા હતા. એ વખતે ત્યાં માતાજીની મૂર્તિનું વિસર્જન ચાલી રહ્યું હતું અને ત્યાં ફટાકડા ફૂટી રહ્યા હતા અને ત્યાં જ નજીકમાં જ નિર્મલનગર પોલીસ પણ તહેનાત હતી.
એ ઘટના વિશે માહિતી આપતાં એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘રાતના ૯.૧૫ વાગ્યા હતા અને બે જણને એ વખતે ત્યાં ફરજ બજાવી રહેલા પોલીસ-કર્મચારીઓએ દોડીને જતા જોયા એથી તેમને લાગ્યું કે તે બન્ને જણ કોઈનો મોબાઇલ તફડાવીને નાસી રહ્યા છે એથી બે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, એક અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર અને બે કૉન્સ્ટેબલ તેમને પકડી લેવા તેમની પાછળ દોડ્યા હતા. એ વખતે તે બન્ને હાઇવે સુધી ગયા બાદ લેફ્ટ સાઇડમાં વળ્યા હતા અને ત્યાં વાયરની ફેન્સિંગ કુદાવી નજીકના નૅશનલ સોસાયટી ફૉર ક્લીન સિટીઝ-ઇન્ડિયાના કમ્પાઉન્ડમાં આવેલા ચિલ્ડ્રન પાર્કમાં ઘૂસી ગયા હતા.’
તેમની પાછળ પડેલા પોલીસ-કર્મચારીઓને ત્યાર બાદ ફોન પર સૂચના આપવામાં આવી હતી કે બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને હુમલાખોરો એ દિશામાં ભાગ્યા છે. ત્યારે તે બે જણનો પીછો કરી રહેલી પોલીસને ખબર પડી કે તે બન્ને મોબાઇલ-ચોર નહીં પણ ફાયરિંગ કરીને નાસેલા હત્યારાઓ છે અને તેમની પાસે ગન છે. પોલીસ-કર્મચારીઓ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સુદર્શન બનકર, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શૈલેષ ચૌધરી અને અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર દાભાડે કોઈ પણ પાસે ગન નહોતી એથી તેમણે સામે કહ્યું કે અમે હત્યારાઓની પાછળ જ છીએ પણ અમારી પાસે હથિયાર નથી, અમને મદદ આપવા બૅકઅપ (બીજી ટીમ) મોકલો. એથી તરત જ વાકોલા પોલીસના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વિશાલ પાલાન્ડેની ટીમ હથિયારો સાથે ત્યાં પહોંચી ગઈ હતી.
રાતનો સમય હતો અને એ કમ્પાઉન્ડમાં ઘણાં ઘેઘુર અને વિશાળ ઝાડ આવેલાં હોવાથી અંધારામાં હત્યારાઓને શોધી કાઢવામાં મુશ્કેલી આવી રહી હતી. પોલીસ ટીમે ગેટ ખખડાવી વૉચમૅનને બોલાવ્યો હતો અને તેઓ પાર્કમાં અંદર પ્રવેશ્યા હતા. થોડી વાર અંધારામાં શોધ ચલાવ્યા બાદ કૉન્સ્ટેબલ સંદીપ આવ્હાડ અને સંગ્રામ અર્ટિગેને એક આરોપી (ધર્મરાજ કશ્યપ) દેખાયો હતો, તેના હાથમાં ગન હતી જેમાં ૧૦ ગોળી ઑલરેડી લોડ કરેલી હતી. જોકે પોલીસ તેના પર ફાયર કરી દેશે એવું લાગતાં જ ધર્મરાજે સરેન્ડર કરી દીધું હતું અને તેની ગન જમીન પર ફેંકી દીધી હતી.
એ પછી પોલીસે બીજા આરોપી (ગુરમેલ સિંહ)ની શોધ ચલાવી હતી. તે અંધારાનો ફાયદો લઈ ઝાડની પાછળ સંતાઈ ગયો હતો. ૧૫ મિનિટની લુકાછુપી પછી તે પોલીસની નજરે ચડી ગયો હતો. તેણે પોલીસથી બચવા ત્રણ રાઉન્ડ જમીન પર ઘાસમાં ફાયર કર્યા હતા. જોકે પોલીસે તેને ચારે તરફથી ઘેરી લેતાં બચવાનો આખરે કોઈ રસ્તો ન જણાતાં તેણે પણ પોતાની ગન જમીન પર ફેંકી સરેન્ડર કરી દીધું હતું. એ પછી પોલીસ તેમને પકડીને બહાર લઈ આવી હતી અને તેમને ક્રાઇમ બ્રાન્ચના હવાલે કર્યા હતા. બન્ને આરોપીને પકડવા પચીસ મિનિટ સુધી પોલીસને મહેનત કરવી પડી હતી.
કોણ છે વૉન્ટેડ આરોપી મોહમ્મદ ઝીશાન અખ્તર?
બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં પોલીસને શંકા છે કે મોહમ્મદ ઝીશાન અખ્તર સંકળાયેલો હોઈ શકે. પોલીસને કેટલીક કડીઓ મળી હોવાથી હાલ તે શંકાના ઘેરામાં છે. મોહમ્મદ ઝીશાન અખ્તર મૂળ પંજાબના જલંધરનો છે. તેની સામે પંજાબમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ જેવા કેસ નોંધાયેલા છે. તે હત્યાના એક કેસમાં ૨૦૨૨માં પકડાયો હતો અને પટિયાલા જેલમાં હતો, તે ૨૦૨૪માં બહાર આવ્યો હતો.
પંજાબ પોલીસના રેકૉર્ડ મુજબ મોહમ્મદ ઝીશાન અખ્તર લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથે પણ સંકળાયેલો છે. તે પુણેના ગૅન્ગસ્ટર સૌરભ મહાકાળ સાથે પણ સંકળાયેલો હતો. સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકી આપવાના કેસમાં પોલીસે સૌરભ મહાકાળની પૂછપરછ કરી હતી એટલું જ નહીં, સૌરભ મહાકાળ પંજાબમાં અખ્તરના ઘરે પણ અનેક વાર જઈ આવ્યો છે.
પંજાબમાં અખ્તરે બિશ્નોઈ ગૅન્ગની નજીકના વિક્રમ બરાડના કહેવાથી બે ડેરાની રેકી પણ કરી હતી. એવું પણ કહેવાય છે કે અખ્તર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે ડાયરેક્ટ સંપર્કમાં હતો. એ માટે તે એક સ્પેશ્યલાઇઝ્ડ ઍપ વાપરતો હતો.
અખ્તર જેલમાં હતો ત્યારે બિશ્નોઈ ગૅન્ગના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારે જેલમાં જ બાબા સિદ્દીકીની હત્યાનો પ્લાન નક્કી કરાયો હતો. તે ૭ જૂને જેલમાંથી છૂટ્યા બાદ ગુરમેલ સિંહને મળવા કૈથલ ગયો હતો અને તેને પ્લાન સમજાવ્યો હતો. એ પછી તેણે જ ગુરમેલ સિંહ, ધર્મરાજ કશ્યપ અને શિવકુમાર માટે મુંબઈમાં ક્યાં રહેવું એની વ્યવસ્થા કરી આપી હતી. એવી માહિતી મળી છે કે જ્યારે બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી ત્યારે અખ્તર મુંબઈમાં જ હતો અને તેમની કાર્યવાહી પર નજર રાખી રહ્યો હતો. એનું છેલ્લું લોકેશન મુંબઈમાં જ જણાઈ આવ્યું હતું અને હવે પોલીસ તેને શોધી રહી છે.`
પુણેથી પ્રવીણ લોણકરની ધરપકડ
ગઈ કાલે પુણેથી પકડીને લાવવામાં આવેલા પ્રવીણ તોણકરને કિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તસવીર : શાદાબ ખાન
બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું રચવાના આરોપસર ક્રાઇમ બ્રાન્ચે રવિવારે રાતે પુણેથી પ્રવીણ લોણકરની ધરપકડ કરી છે. આ કેસમાં ફેસબુક પર પોસ્ટ મૂકનાર બિશ્નોઈ ગૅન્ગના સભ્ય શુભ ઉર્ફ શુભમ લોણકરનો પ્રવીણ ભાઈ છે. પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું છે કે બન્ને ભાઈઓએ મળી બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને એ માટે પુણેના સ્ક્રૅપ યાર્ડમાં કામ કરતા શિવકુમાર ગૌતમ અને ધર્મરાજ કશ્યપને સાધ્યા હતા. બાબા સિદ્દીકી પર હુમલો કરવાની લીડરશિપ શિવકુમારે કરી હતી. અન્ય આરોપીઓને આ હત્યાની સુપારી કોણે આપી છે એની પણ જાણ નહોતી. જોકે શિવકુમાર હજી પણ પોલીસથી નાસતો ફરી રહ્યો છે, તેને પકડવા પોલીસની અલગ-અલગ ટીમ અલગ-અલગ રાજ્યોમાં શોધી રહી છે.
કિલરનું સ્ટેટસ, યાર તેરા ગૅન્ગસ્ટર હૈ જાની
બાબા સિદ્દીકીની હત્યા કેસમાં નાસી છૂટેલા ગૅન્ગસ્ટર શિવ કુમાર ગૌતમે ૨૪ જુલાઈએ ઇન્સ્ટાગ્રામના તેના સ્ટેટસમાં લખ્યું હતું કે યાર તેરા ગૅન્ગસ્ટર હૈ જાની. આ પોસ્ટમાં તે એક મોટરસાઇકલ પર બેસેલો નજરે પડે છે. તે ઉત્તર પ્રદેશમાં બહરાઇચના ગંડારા ગામનો વતની છે. તેની કોઈ ક્રિમિનલ હિસ્ટરી નથી, ભંગારની દુકાન નાખવા તે પુણે ગયો હતો. ૮ જુલાઈએ તેણે પોસ્ટમાં લખ્યું હતું કે શરીફ બાપ હૈ, મૈં નહીં.
ઘણા લોકોને જોઈને શિવાએ કહ્યું, પહેલાં ફાયરિંગ હું કરીશ
બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં પકડાયેલા બે આરોપીઓ ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપની પ્રારંભિક પૂછપરછમાં હવે હત્યા ખરેખર કઈ રીતે કરવામાં આવી એની કેટલીક વિગતો બહાર આવી છે. પોલીસ-સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ પ્લાન મુજબ ગુરમેલ સિંહ અને ધર્મરાજે બાબા સિદ્દીકી પર ગોળી ચલાવવાની હતી. એ વખતે ત્યાંથી નાસી છૂટવા માટે ત્રણેય આરોપીઓ પોતાની પાસે મરચાંની ભૂકી અને કાળા મરીનો સ્પ્રે રાખ્યાં હતાં. જોકે જ્યારે બાબા સિદીકીને મારવા તે લોકો સ્પૉટ પર પહોંચ્યા ત્યારે જોયું કે બાબા સિદ્દીકી સાથે ઘણાબધા લોકો છે એટલે તેમણે પ્લાન ચેન્જ કર્યો હતો. ટીમને લીડ કરી રહેલા શિવાએ કહ્યું કે તે પહેલાં ફાયરિંગ કરશે. તેણે પોતાની પાસેની ગન કાઢીને બાબા સિદ્દીકીની તરફ છ ગોળીઓ ફાયર કરી હતી. તરત જ ગુરમેલ અને ધર્મરાજે તેમની પાસેની મરચાંની ભૂકી બાબા સિદ્દીકી સાથે ત્યાં જ ઊભેલા કૉન્સ્ટેબલ પર છાંટી હતી અને એ પછી ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા. એ વખતે થયેલી નાસભાગમાં ગુરમેલ અને ધર્મરાજ એકસાથે એક તરફ ભાગ્યા હતા, જ્યારે શિવા ગિરદીનો લાભ લઈને એમાં ભળી ગયો હતો અને નાસી ગયો હતો. જોકે પછીથી પોલીસે ગુરમેલ અને ધર્મરાજને ઝડપી લીધા હતા.