07 January, 2025 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન અને બાબા સિદ્દીકી
દશેરાના દિવસે કરવામાં આવેલી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા, રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને બિલ્ડર બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે એમાં લૉરેન્સ બિશ્નોઈએ આ મર્ડર શું કામ કરાવ્યું હતું એનાં ત્રણ કારણ લખવામાં આવ્યાં છે.
૧૨ ઑક્ટોબરે થયેલી હત્યાના કેસમાં તપાસ કર્યા બાદ પોલીસ એ નિષ્કર્ષ પર આવી છે કે પહેલું કારણ બાબા સિદ્દીકી સલમાન ખાનની નજીકની વ્યક્તિ હોવાથી લૉરેન્સ બિશ્નોઈએ તેમના પર અટૅક કર્યો હતો. ત્યાર બાદ બીજું કારણ સલમાન ખાનના ઘરની બહાર કરવામાં આવેલા ફાયરિંગના કેસમાં પકડાયેલા અનુજ થાપને પોલીસ-કસ્ટડીમાં કરેલી આત્મહત્યાનો બદલો લેવો હતો અને ત્રીજું કારણ લૉરેન્સ બિશ્નોઈ પોતાની ગૅન્ગની દહેશત પ્રસ્થાપિત કરવા માગતો હતો.
શું બન્યું હતું?
૧૨ ઑક્ટોબરે રાત્રે નવ વાગ્યાની આસપાસ બાબા સિદ્દીકી તેમના પુત્ર અને એ સમયના કૉન્ગ્રેસના વિધાનસભ્ય ઝિશાન સિદ્દીકીની બાંદરા-ઈસ્ટમાં આવેલી ઑફિસમાંથી બહાર આવીને પોતાની કારમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે લૉરેન્સ બિશ્નોઈના ત્રણ શૂટરો તેમના પર હુમલો કરવા આવ્યા હતા. આરોપીઓએ કરેલા ફાયરિંગમાં બાબા સિદ્દીકીનું મૃત્યુ થયું હતું. એ દિવસે માતાજીની મૂર્તિના વિસર્જનનો ફાયદો લઈને આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. શરૂઆતમાં આ હત્યા રાજકીય અદાવત અથવા તો સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)ના પ્રોજેક્ટને લઈને કરવામાં આવી હોવાનું કહેવામાં આવતું હતું.
૪૫૯૦
પોલીસે કોર્ટમાં આટલાં પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે
૨૬
આ કેસમાં આટલા આરોપીઓની ખિલાફ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે
૩
આ કેસમાં હજી આટલા આરોપી ફરાર છે
૨૧૦
પોલીસે આટલા સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં છે