14 October, 2024 07:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લૉરેન્સ બિશ્નોઈ અને ફેસબુક પોસ્ટ
ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ફેસબુક પર બિશ્નોઈ ગૅન્ગ દ્વારા બાબા સિદ્દીકીની હત્યા કરાઈ હોવાનો દાવો કરનારી પોસ્ટ મૂકનાર અકોલાના શુભુ (શુભમ) લોણકરની પણ શોધ કરી રહી છે. શુભમ લોણકર પહેલાં અકોલાના અકોટમાં રહેતો હતો. પોલીસની એક ટીમ તેના ઘરે પહોંચી ત્યારે ઘર પર તાળું જોવા મળ્યું હતું. આજુબાજુમાં પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું હતું કે તે જૂન મહિનાથી ત્યાં રહેતો નથી અને પુણે રહેવા ચાલી ગયો છે. પોલીસ હવે તેની પુણેમાં પણ શોધ ચલાવી રહી છે.
શુભમે તેની પોસ્ટમાં જે અનુજ થાપનનો ઉલ્લેખ કર્યો છે તે બિશ્નોઈ ગૅન્ગનો અનુજ થાપન સલમાન ખાનના ગૅલૅક્સી અપાર્ટમેન્ટ પર ફાયરિંગ કરવાના કેસમાં પકડાયો હતો. જોકે ત્યાર બાદ તેણે પોલીસ-કસ્ટડીમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. એથી તેના મોતનો બદલો લેવામાં આવ્યો (હમારે કિસીભી ભાઈ કો કોઈ ભી મરવાએગા તો હમ પ્રતિક્રિયા જરૂર દેંગે) એમ એમાં અભિપ્રેત કરાયું છે.
હમારે કિસી ભી ભાઈ કો કોઈ ભી મરવાએગા તો હમ પ્રતિક્રિયા ઝરૂર દેંગે
લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે. ગૅન્ગના સભ્ય દ્વારા એક ફેસબુક-પોસ્ટ કરવામાં આવી છે જેમાં કહેવાયું છે કે બાબા સિદ્દીકીની હત્યા તેમના સલમાન ખાન અને અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથેના સંબંધોને કારણે તથા તેમના સાગરીત અનુજ થાપનના કસ્ટડીમાં થયેલા મોતને કારણે કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના શુભુ લોણકર દ્વારા કરવામાં આવેલી એ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘સલમાન ખાન, અમે આ લડાઈ નહોતા ઇચ્છતા, પણ તેં અમારા ભાઈનું નુકસાન કરાવ્યું. આજે તમે જે બાબા સિદ્દીકીની સારપના પુલ બાંધી રહ્યા છો એના પર એક વખત દાઉદ સાથે મકોકાનો આરોપ લાગ્યો હતો. બાબા સિદ્દીકીને મારવાનું કારણ એ છે કે તેણે દાઉદનું બૉલીવુડ, રાજકારણ અને પ્રૉપર્ટી ડીલિંગ સાથે જોડાણ કરાવ્યું. અમારી કોઈ સાથે કોઈ દુશ્મની નથી, પણ જે કોઈ સલમાન ખાન અને દાઉદની હેલ્પ કરશે તે પોતપોતાનો હિસાબકિતાબ કરી રાખે. અમારા કોઈ પણ ભાઈને કોઈ મરાવશે તો અમે પ્રતિક્રિયા જરૂર આપીશું. અમે પહેલો વાર ક્યારેય નથી કર્યો. જય શ્રીરામ, જય ભારત, શહીદો તમને સલામ # લૉરેન્સ બિશ્નોઈ ગ્રુપ # અનમોલ બિશ્નોઈ # અંકિત ભદુ શેરાવાલા.’