અયોધ્યામાં બિરાજમાન થનારા રામલલ્લાનાં દર્શન માટે દસ કરોડ પરિવારને નિમંત્રણ અપાશે

12 December, 2023 08:20 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

અયોધ્યામાં પૂજન કરવામાં આવેલા ચોખા સાથેના કળશ મુંબઈ પહોંચ્યા ઃ અત્યારે વિવિધ મંદિરોમાં દર્શન માટે કળશ મુકાઈ રહ્યા છે, ૧ જાન્યુઆરીથી દરેક હિન્દુના ઘરે નિમંત્રણ પાઠવવામાં આવશે

ભાઈંદરના એક મંદિરમાં અયોધ્યાથી લાવવામાં આવેલો કળશ મૂકવામાં આવ્યો હતો ત્યારે વીએચપીના મહારાષ્ટ્ર-ગોવાના સંગઠન પ્રધાન શ્રીરંગરાજે સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

રામ જન્મભૂમિ અયોધ્યામાં મંદિર નિર્માણનું કામ અંતિમ તબક્કામાં છે અને ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા ભારત સહિત વિદેશમાં રહેતા ૧૦ કરોડ હિન્દુ પરિવારને રામમંદિરનાં દર્શન કરવા માટે નિમંત્રણ આપવા માટેનું આયોજન કર્યું છે, જેમાં અયોધ્યામાં મંત્રિત કરવામાં આવેલા ચોખા સાથેના ૪૫ કળશ તૈયાર કરવામાં આવ્યા છે એને ભારતના આટલા જ પ્રાંતમાં પહોંચાડવામાં આવ્યા છે. આવા કળશમાંથી જે-તે પ્રાંતમાં આવતા જિલ્લા માટે જુદા-જુદા કળશ બનાવવામાં આવ્યા છે, જેનાં રવિવારથી પૂજન અને દર્શન શરૂ કરવામાં આવ્યાં છે. કળશયાત્રાને બે ભાગમાં વહેંચવામાં આવી છે. અત્યારના પહેલા ભાગમાં મંત્રિત કરવામાં આવેલા પીળા ચોખા સાથેના કળશને જિલ્લાનાં મહત્ત્વનાં મંદિરોમાં દર્શન માટે રાખવામાં આવશે અને ૧ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી દરમ્યાન આ કળશમાંથી ચોખા લઈને દરેક હિન્દુના ઘરે નિમંત્રણ આપવામાં આવશે.

ઓછા સમયમાં ૧૦ કરોડ ઘરો સુધી પહોંચવા માટેની જવાબદારી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ને સોંપી છે, જેમણે આખા ભારતને ૪૫ પ્રાંતમાં વહેંચ્યું છે અને દરેક પ્રાંતમાં એક-એક કળશ અયોધ્યાથી પહોંચાડવામાં આવી રહ્યા છે. કેટલાક પ્રાંતમાં કળશ પહોંચી ગયા છે તો કેટલીક જગ્યાએ પહોંચી રહ્યા છે. મુંબઈ, થાણે, નવી મુંબઈ, રાયગડ, પાલઘર, વસઈ-વિરાર વગેરેનો વિશ્વ હિન્દુ પરિષદના કોંકણ પ્રાંતમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કોંકણ પ્રાંત દ્વારા મીરા-ભાઈંદર માટે તૈયાર કરવામાં આવેલા કળશનું આગમન રવિવારે થયું હતું અને પહેલા દિવસે અહીંનાં ત્રણ મંદિરમાં એ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આવી જ રીતે દરરોજ આ કળશ અહીંનાં વિવિધ મંદિરોમાં રાખવામાં આવશે.

સમસ્ત હિન્દુઓને નિમંત્રણ
પાંચસોથી વધુ વર્ષ બાદ રામ જન્મભૂમિ અયોધ્યામાં બાંધવામાં આવેલા રામમંદિરમાં ૨૨ જાન્યુઆરીએ રામલલ્લા બિરાજશે. આ ઐતિહાસિક મંદિરનાં દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી ભક્તો પધારે એ માટે તેમને નિમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. આ વિશે મીરા ભાઈંદરના વીએચપીના સંગઠન મંત્રી નાગનાથ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અયોધ્યામાં મહંત દ્વારા ૩૦૦ કિલોના એક એવા ચોખાના ભરેલા ૪૫ મળશ તૈયાર કરવામાં આવ્યા છે. આ કળશને દેશના પ્રાંતોમાં મોકલવામાં આવ્યા છે. આ પ્રાંતમાંથી અમે મીરા ભાઈંદર માટેનો કળશ લઈ આવ્યા છીએ, જેને અત્યારે વિવિધ મંદિરોમાં દર્શન કરવા માટે મૂકવામાં આવી રહ્યા છે. ૧ જાન્યુઆરી બાદ આ કળશમાંથી ચોખા દરેક હિન્દુ ઘરમાં પહોંચાડવામાં આવશે. સાથે રામમંદિરનો ફોટો અને માહિતી પુસ્તિકા હશે. ૧૦ કરોડ પરિવારોને આવી રીતે નિમંત્રણ આપવામાં આવશે. રામભક્તો આવતા વર્ષે ૨૭ જાન્યુઆરીથી ગમે ત્યારે અયોધ્યા જઈને રામલલ્લાનાં દર્શન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.’

નિમંત્રણની વિશેષતા
મીરા ભાઈંદરમાં કળશપૂજન અને યાત્રાના પ્રભારી ગૌરાંગ કંસારાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાંના સમયમાં શુભ પ્રસંગનું નિમંત્રણ આપવામાં આવતું ત્યારે ચપટી ચોખા પણ આપવામાં આવતા હતા. ભગવાન રામ આપણા ઈષ્ટદેવ છે. તેમનું અયોધ્યામાં મંદિર બની રહ્યું છે ત્યારે રામભક્તોને ઘરે દર્શન કરવા માટેનું નિમંત્રણ આપવા માટે પૂજન કરવામાં આવેલા ચોખા આપવામાં આવશે. સામાન્ય લોકોને આવી રીતે ભગવાનના મંદિરનાં દર્શનનું નિમંત્રણ મળે એ મોટી બાબત ગણાય.’

મુંબઈમાં ક્યારે?
વીએચપીના પ્રવક્તા શ્રીરાજ નાયરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૦ કરોડ પરિવારને અયોધ્યામાં બાંધવામાં આવેલા મંદિરમાં બિરાજમાન થનારા રામલલ્લાનાં દર્શન કરવાનું નિમંત્રણ આપવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેની જવાબદારી વીએચપીને સોંપવામાં આવી છે. કોંકણ પ્રાંતમાંથી વીએચપી પોતાના સંગઠન મુજબ મુંબઈના ૧૬ મળીને કુલ ૩૨ જિલ્લા માટે કળશ તૈયાર કરવામાં આવ્યા છે. આમાંના કેટલાક જિલ્લાઓએ કળશ પ્રાપ્ત કરી લીધા છે અને એ અત્યારે મંદિરોમાં દર્શન માટે મૂકવામાં આવી રહ્યા છે. પહેલી જાન્યુઆરી બાદ વ્યાપક ઝુંબેશ હાથ ધરીને કળશના ચોખાને હિન્દુઓનાં ઘરોમાં પહોંચાડવામાં આવશે. કોંકણ પ્રાંતમાં અયોધ્યાથી પ્રાપ્ત કળશમાં પૂજન કરવામાં આવેલા પીળા ચોખામાં જરૂરિયાત પ્રમાણે ઉમેરો કરવામાં આવશે, જેથી વધુ ને વધુ ઘરો સુધી ભગવાન રામનાં દર્શન માટેનું નિમંત્રણ પહોંચી શકે.’

ayodhya ram mandir hinduism mumbai mumbai news prakash bambhrolia