ઉત્તરાખંડની જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કહે છે… એકનાથ શિંદેને જ મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ

25 November, 2024 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદેને જ મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ, ગૌમાતા માટે તેમણે જે કાર્ય કર્યું છે એ દેશના કોઈ રાજનેતાએ નથી કર્યું

ઉત્તરાખંડની જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં રિઝલ્ટ વિશે ઉત્તરાખંડની જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે ‘સારાં કામ કરનારાને સાથ આપવો એ પુણ્ય અને ખરાબ કામ કરનારા સાથે રહેવું એ પાપ હોવાનું આપણાં શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. અમે કહ્યું હતું કે ગૌહત્યા કાયમ રાખનારા રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોને મતદાન કરવાથી ગૌહત્યાનું પાપ લાગે છે, જ્યારે ગૌરક્ષા માટે સ્પષ્ટ જાહેરાત કરનારાઓને મતદાનથી સમર્થન કરવાથી પુણ્ય મળે છે. ખૂબ આનંદની વાત છે કે મહારાષ્ટ્રની ગૌભક્ત હિન્દુ જનતા મતદાનથી થતાં પાપ-પુણ્યને સમજી અને તેમણે ગૌભક્ત એકનાથ શિંદેને ભારે મતથી વિજયી બનાવ્યા છે. મને ખુશી છે કે રાજકારણને ધર્મથી ઉપર સમજવામાં આવતા આજના યુગમાં પણ મહારાષ્ટ્રની જનતા અમારી અપીલ સમજી. ગૌમાતાએ અનેક ચમત્કાર કર્યા છે. જ્યારે ભારતમાં ગૌહત્યા નહોતી થતી ત્યારે આપણો દેશ સમૃદ્ધ હતો. મહારાષ્ટ્રની જનતા સમજી ગઈ છે કે ગૌહત્યા બંધ કરવાથી પ્રદેશમાં સમૃદ્ધિ આવી શકે છે. આ વાત દરેક હિન્દુએ સમજવી જરૂરી છે.’

મુખ્ય પ્રધાનપદ વિશે બોલતાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે ‘આમ જોવા જઈએ તો મહાયુતિમાં સામેલ પક્ષો આગામી મુખ્ય પ્રધાન બાબતનો નિર્ણય લેશે, પણ એક તટસ્થ દર્શક તરીકે અમારી ઇચ્છા છે કે એકનાથ શિંદેને જ મુખ્ય પ્રધાન બનાવવામાં આવે, કારણ કે મહાયુતિને આ પ્રચંડ વિજય તેમના નેતૃત્વમાં જ મળ્યો છે. આ પ્રકારનું વક્તવ્ય હું પહેલી વાર આપી રહ્યો છું અને એનું કારણ એ છે કે જે કાર્ય ગૌમાતાના સંદર્ભમાં એકનાથ શિંદેએ કર્યું છે એ દેશનો કોઈ રાજનેતા અત્યાર સુધી નહોતો કરી શક્યો. દેશના મોટા ભાગના હિન્દુઓની ભાવના કોઈ સમજતું હોય તો એવી વ્યક્તિને પ્રોત્સાહિત કરવાનું મને યોગ્ય લાગે છે.’

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections eknath shinde political news uttarakhand