મહારાષ્ટ્રમાં સરેરાશ મતદાન ૫૯.૪૦ ટકા

14 May, 2024 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોથા તબક્કાની ૧૧ બેઠક પર સૌથી વધુ જાલનામાં અને સૌથી ઓછું પુણેમાં મતદાન : બોગસ મતદાન, નામ ગાયબ અને EVM ખરાબ થવાની ફરિયાદને બાદ કરતાં શાંતિથી મતદાન થયું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં ગઈ કાલે મહારાષ્ટ્રની ૧૧ બેઠક પર બોગસ મતદાન, મતદારયાદીમાંથી નામ ગાયબ અને ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) ખરાબ થવાની કેટલીક ફરિયાદોને ‍બાદ કરતાં શાંતિથી મતદાન પાર પડ્યું હતું. મહારાષ્ટ્રમાં સરેરાશ ૫૯.૪૦ ટકા મતદાન થયું હતું. જાલનામાં સૌથી વધુ ૬૮.૩૦ ટકા તો પુણેમાં સૌથી ઓછા ૫૧.૨૫ ટકા લોકો જ મતદાનકેન્દ્ર પર પહોંચ્યા હતા. ચોથા તબક્કાનું મતદાન પૂરું થવાની સાથે મહારાષ્ટ્રની ૪૮માંથી ૩૫ બેઠકો પર ચૂંટણી પૂરી થઈ છે અને બાકીની ૧૩ બેઠકો પર ૨૦એ મતદાન થશે. 
આ બેઠકો ઉપરાંત ગઈ કાલે જળગાવ, રાવેર, જાલના, છત્રપતિ સંભાજીનગર, માવળ, પુણે, અહમદનગર, શિર્ડી અને બીડ સહિતની અગિયાર બેઠક પર મતદાન થયું હતું. આ ૧૧ બેઠકો પર ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સરેરાશ અનુક્રમે ૬૨.૨૮ ટકા અને ૬૧.૮૨ ટકા મતદાન થયું હતું. આની સરખામણીએ આ વખતે અહીં ૫૯.૪૦ ટકા મતદાન થયું હતું. જોકે ફાઇનલ ટકાવારી એકાદ દિવસ બાદ આવશે. ત્યાર બાદ અગાઉ કરતાં ઓછું કે વધુ મતદાન થયું છે એ જાણી શકાશે.

મહારાષ્ટ્રમાં ગઈ કાલે થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસ વચ્ચે નંદુરબાર, જાલના અને પુણેમાં તો શિવસેના અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે છત્રપતિ સંભાજીનગર, માવળ અને શિર્ડીમાં મુખ્ય મુકાબલો હતો. આ સિવાય જળગાવ, બીડ, રાવેર, શિરુર અને અહમદનગરમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP), નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર), શિવસેના અને ઉદ્ધવ ઠાકરે જૂથની સીધી લડત હતી.

નંદુરબાર : આ બેઠક પર આ વખતે ૬૭.૧૨ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૬.૭૭ ટકા અને ૬૮.૬૫ ટકા મતદાન થયું હતું. 
જળગાવ : આ બેઠક પર આ વખતે ૫૩.૬૫ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૫૮ ટકા અને ૫૬.૫૫ ટકા મતદાન થયું હતું.
રાવેર : આ બેઠક પર આ વખતે ૬૧.૩૬ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૩.૪૮ ટકા અને ૬૧.૭૭ ટકા મતદાન થયું હતું.
જાલના : આ બેઠક પર આ વખતે ૬૮.૩૦ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૬.૧૫ ટકા અને ૬૪.૭૫ ટકા મતદાન થયું હતું.
છત્રપતિ સંભાજીનગર : આ બેઠક પર આ વખતે ૬૦.૭૩ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૦.૮૫ ટકા અને ૬૩.૫૫ ટકા મતદાન થયું હતું.
માવળ : આ બેઠક પર આ વખતે ૫૨.૯૦ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૦.૧૧ ટકા અને ૫૯.૫૯ ટકા મતદાન થયું હતું.
પુણે : આ બેઠક પર આ વખતે ૫૧.૨૫ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૫૪.૧૪ ટકા અને ૪૯.૮૯ ટકા મતદાન થયું હતું.
શિરુર : આ બેઠક પર આ વખતે ૫૧.૪૬ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૫૯.૭૩ ટકા અને ૫૯.૪૪ ટકા મતદાન થયું હતું.
અહમદનગર : આ બેઠક પર આ વખતે ૬૨.૭૬ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૨.૩૩ ટકા અને ૬૪.૭૯ ટકા મતદાન થયું હતું.
શિર્ડી : આ બેઠક પર આ વખતે ૬૧.૧૩ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૩.૮૦ ટકા અને ૬૪.૭૯ ટકા મતદાન થયું હતું.
બીડ : આ બેઠક પર આ વખતે ૬૭.૧૪ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૮.૭૫ ટકા અને ૬૬.૧૭ ટકા મતદાન થયું હતું.

ચૂંટણીના ચમકારા

જાલના લોકસભા બેઠક પર શહેરના કાદરાબાદ પરિસરમાં રહેતાં ૧૦૦ વર્ષનાં પદમાબાઈ રાધાકિશને મતદાનકેન્દ્ર ૧૪૦માં આવીને મત આપ્યો હતો. તેમણે ઘેરબેઠાં મતદાનની સુવિધા લેવાને બદલે મતદાનકેન્દ્રમાં જવાનું પસંદ કર્યું હતું.

પુણેના પાથર્ડી તાલુકાના ઘુમટવાડી ખાતેના મતદાન કેન્દ્રમાં એક અધિકારી પાસેથી BJPના ઉમેદવાર સુજય વિખે પાટીલની પ્રચારસામગ્રી મળી આવવાનો વિરોધ દર્શાવીને ગામવાસીઓએ મતદાનકેન્દ્ર બંધ કરી દીધું હતું. જોકે બાદમાં તહસીલદારે બધાને સમજાવતાં ફરી મતદાન શરૂ થયું હતું.

પુણેમાં બપોરના એકથી ચાર વાગ્યા દરમ્યાન કામકાજ બંધ રાખવાની પ્રથા છે. ચૂંટણીમાં પણ લોકોએ આ પરંપરાને કાયમ રાખવાને લીધે બપોર બાદ એકસાથે અસંખ્ય લોકો મતદાનકેન્દ્રમાં પહોંચતાં ભીડ થઈ ગઈ હતી. એને લીધે પુણેનાં તમામ મતદાનકેન્દ્રોમાં ચાર વાગ્યા બાદ લાંબી લાઇનો જોવા મળી હતી.

માવળ લોકસભા બેઠક પર પિંપરી-ચિંચવડના એક મતદાનકેન્દ્રમાં EVM યોગ્ય રીતે મૂક્યાં ન હોવાનું કહીને ઉદ્ધવ ઠાકરે જૂથના શહેર-અધ્યક્ષ સચિન ભોસલેએ ધમાલ મચાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

mumbai news mumbai pune jalna Lok Sabha Election 2024 maharashtra news