ડોમ્બિવલીના યંગસ્ટરના મોતની તપાસનો આદેશ છેક રાષ્ટ્રપતિની ઑફિસથી કેમ આપવામાં આવ્યો?

07 October, 2024 06:52 AM IST  |  Mumbai | Rohit Parikh

એપ્રિલમાં લોકલ ટ્રેનમાંથી પડીને મૃત્યુ પામેલા અવધેશ દુબેના પરિવારજનોને પોલીસ અને રેલવે પાસેથી અકસ્માતની એકેય વિગતો ન મળી એટલે તેમણે રેલવે-પ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ કરવી પડી

અવધેશ દુબે

એપ્રિલમાં લોકલ ટ્રેનમાંથી પડીને મૃત્યુ પામેલા અવધેશ દુબેના પરિવારજનોને પોલીસ અને રેલવે પાસેથી અકસ્માતની એકેય વિગતો ન મળી એટલે તેમણે રેલવે-પ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ કરવી પડી : પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુની આ‌ૅફિસે એની નોંધ લઈને રેલવે-બોર્ડના અધ્યક્ષને તપાસ કરવા કહ્યું


મુંબઈની લોકલ ટ્રેનમાંથી પડી જઈને મૃત્યુ પામ્યાના અનેક કિસ્સા આપણે રોજ સાંભળીએ છીએ, પરંતુ આવા કિસ્સામાં રેલવેની અનેક ક્ષતિઓ સામે કોઈ પરિવારે રાષ્ટ્રપતિનું ધ્યાન ખેંચીને એમાં તપાસની માગણી કરી હોય એવું ભાગ્યે જ બન્યું છે. ડોમ્બિવલીના દુબે પરિવારે તેમના પુત્ર અવધેશ દુબેના મૃત્યુ માટે રેલવેની બેદરકારીની ફરિયાદ રેલવે-પ્રધાન, રેલવે-બોર્ડ, વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી પત્રો લખીને કરી છે. એટલું જ નહીં, એમાં તેમણે આ અકસ્માત કેવી રીતે થયો? એને માટે કોણ જવાબદાર? અવધેશની બૅગ, મોબાઇલ અને અન્ય વસ્તુઓ ક્યાં અને કેવી રીતે ગુમ થઈ? તેના અકસ્માત પછી તેને કેટલી વાર પછી હૉસ્પિટલ લઈ જવાયો? પરિવારજનોને અકસ્માતની માહિતી આપવામાં કેમ વિલંબ થયો? જેવા અનેક સવાલ કરીને મૃત્યુના તપાસની માગણી કરી છે. દુબે પરિવારની ફરિયાદ પછી રાષ્ટ્રપતિની ઑફિસમાંથી રેલવે-મંત્રાલય અને રેલવે-બોર્ડને આખા મામલાની તપાસ કરીને દુબે પરિવારને ન્યાય આપવાનું કહેવામાં આવ્યું છે.  

ઘટના શું હતું?
IIT-પટનામાં બિઝનેસ મૅનેજમેન્ટ કરી રહેલો  ડોમ્બિવલીનો ૨૫ વર્ષનો અવધેશ દુબે ૨૩ એપ્રિલે સવારે ડોમ્બિવલીથી ૮.૩૯ની લોકલ ટ્રેન પકડીને મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હૉસ્પિટલમાં ડ્યુટી પર જઈ રહ્યો હતો ત્યારે દિવા-મુબ્રા વચ્ચે ટ્રેનમાંથી પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. જોકે એ વખતે તેની બૅગ, મોબાઇલ, બૅગમાં રહેલા ૧૫,૦૦૦ રૂપિયા બધું ગુમ થઈ ગયું હતું. તેના મોત બદલ દુબે પરિવારને શંકા હોવાથી તેમણે મુંબઈની રેલવે-પોલીસ સમક્ષ તેના અકસ્માતની તપાસની માગણી કરી હતી. જોકે એમાં તેમને સફળતા ન મળતાં અવધેશના પિતા રાજેશ દુબેએ રેલવેની બેદરકારીની ફરિયાદ કરીને રેલવે-પ્રધાન, રેલવે-બોર્ડ, વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી પત્રો લખીને અકસ્માતની તપાસની ડિમાન્ડ કરી છે. તેમણે અવધેશના મૃત્યુ માટે જે લોકો જવાબદાર છે તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરી છે.

પપ્પા શું કહે છે?
આ બાબતે અવધેશના ૫૪ વર્ષના પપ્પા રાજેશ દુબેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું નિવૃત્ત મિલ વર્કર છું. મારા પુત્ર અવધેશના મૃત્યુ પછી અમને ઘટનાસ્થળ અને રેલવેના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાંથી મળેલી માહિતી પ્રમાણે અવધેશ ડોમ્બિવલીથી દિવા સુધી સુરક્ષિત મુસાફરી કરી રહ્યો હતો. અચાનક દિવા-મુબ્રા વચ્ચે આવતા એક શાર્પ ટર્ન પાસે અવધેશ ટ્રેનમાંથી પડી ગયો હોવાનું અમને કહેવામાં આવ્યું. જોકે એ કેવી રીતે એની હજી સુધી અમને પૂરતી માહિતી મળી નથી. અમારા આશ્ચર્ય વચ્ચે જે જગ્યાએ અવધેશ ટ્રેનમાંથી પડી ગયો હોવાનું કહેવાય છે ત્યાં તો માટી હતી. એ સિવાય અવધેશને તો ફક્ત બન્ને પગમાં ફ્રૅક્ચર આવ્યું હતું. શરીરમાંથી જરાય લોહી વહ્યું નહોતું. આવા સંજોગામાં અવધેશનું મૃત્યુ કેવી રીતે થયું એ અમારા માટે આશ્ચર્યની વાત છે. એનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે આ ઘટના પછી અવધેશની બૅગ, પર્સ અને મોબાઇલ અત્યાર સુધી અમને મળ્યાં નથી. બધું જ ગાયબ છે.’

કેવો ઝટકો લાગ્યો?
આનાથી પણ વધારે દુખદ એ છે કે અમને રેલવે-પ્રશાસન તરફથી અવધેશના અકસ્માતની માહિતી ત્યારે આપવામાં આવી જ્યારે અમે અવધેશને શોધવા માટે નીકળ્યા હતા એમ જણાવતાં રાજેશ દુબેએ કહ્યું હતું કે ‘એ દિવસે તે તેના ડ્યુટીના ટાઇમે ઑફિસ ન પહોંચ્યો એટલે ત્યાંથી અમને અવધેશ કેમ આવ્યો નથી એવો બપોરે ૧૨ વાગ્યે ફોન આવ્યો હતો. એ ફોનથી અમને ઝટકો લાગ્યો હતો, કારણ કે અવધેશ ઘરેથી સમયસર નીકળી ગયો હતો એટલે અમે ફોન પર તેનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેનો ફોન લાગતો નહોતો એટલે અમે તેને શોધવા નીકળ્યા હતા. ત્યારે અમને ખબર પડી કે તેણે ડોમ્બિવલીથી ૮.૩૯ વાગ્યાની લોકલ ટ્રેન પકડી લીધી હતી. ત્યાર પછી અમને કોઈ યુવક ટ્રેનમાંથી પડી ગયાના સમાચાર મળતાં અમે રેલવે-પોલીસમાં તપાસ કરી છેક ત્યારે અમને અવધેશ ટ્રેનમાંથી પડીને મૃત્યુ પામ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. અમારી તપાસમાં અને રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ દ્વારા મળેલી માહિતીના આધારે અમને એ પણ ખબર પડી કે હૉસ્પિટલમાં તેને મૃત્યુ પામેલો જાહેર કરતાં પહેલાં અમુક મેડિકલ પ્રોસેસ કરવી જોઈતી હતી એ પણ કરવામાં નહોતી આવી. સૌથી મહત્ત્વની માહિતી અમને એ મળી કે અવધેશને ટ્રેનમાંથી પડી ગયા બાદ હૉસ્પિટલ સુધી પહોંચાડવામાં ઘણો સમય વીતી ગયો હતો. જો ગોલ્ડન અવર્સમાં તેને સારવાર મળી ગઈ હોત તો કદાચ અવધેશ બચી ગયો હોત. એટલે અમે અવધેશના મૃત્યુની તપાસ કરવા માટે અને અકસ્માત પછી સારવાર આપવામાં વિલંબ થયા જેવી અનેક બાબતોની તપાસ કરવા માટે રેલવે-પોલીસને કહ્યું હતું, પણ તેઓ અમને સહયોગ આપવા તૈયાર નહોતા એટલે આખરે અમારે નાછૂટકે અવધેશના મૃત્યુની તપાસ માટે રાષ્ટ્રપતિની ઑફિસ સુધી પત્રો લખવા પડ્યા.’

તરત જ તપાસનો આદેશ
અમારી યાચિકાની રાષ્ટ્રપતિની ઑફિસે ગંભીર નોંધ લીધી છે એમ જણાવતાં રાજેશ દુબેએ કહ્યું કે ‘રાષ્ટ્રપતિના સેક્રેટરી ગૌતમ કુમારે અમારી ફરિયાદ પર તરત જ તપાસ કરીને કાર્યવાહી કરવાનું રેલવે-બોર્ડના અધ્યક્ષને કહ્યું હતું એટલું જ નહીં, તેમણે અમને સમયસર ન્યાય મળે એ સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે રેલવે-અધિકારીઓ આ મામલે દુબે પરિવારને સીધા અપડેટ કરશે. એ જોતાં અમને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ અમને અને અવધેશને ન્યાય ચોક્કસ અપાવશે.’

અવધેશના પરિવારે અન્ય કઈ માગણી કરી?
રાજેશ દુબેએ રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં તેમના પુત્ર અવધેશની જેમ અન્ય કોઈનો પુત્ર આ રીતે મૃત્યુ ન પામે એ માટે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં માગણી કરી છે કે મુંબઈની લોકલ ટ્રેનની ભીડને જોતાં આ ટ્રેનને ૧૨ કોચમાંથી ૧૫ કોચમાં રૂપાંતર કરવાની જરૂર છે. પ્લૅટફૉર્મ પર ટ્રેનમાં ચડવા માટે લાઇન લગાડવાની વ્યવસ્થા કરવાની, ઑટોમૅટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમમાં સુધારો કરવાની અને ઇમર્જન્સી મેડિકલ સુવિધા પૂરી પાડવાની ડિમાન્ડ તેમણે કરી છે.

mumbai news mumbai mumbai local train mumbai trains dombivli indian government indian railways