29 August, 2023 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દારૂના નશામાં ધુત રિક્ષાચાલકે મીરા રોડ સ્ટેશનની ટિકીટબારી સુધી રિક્ષા પહોંચાડી દીધી હતી
મીરા રોડ રેલવે સ્ટેશન પર નશાની હાલતમાં એક રિક્ષાચાલક તેની રિક્ષા ટિકીટબારી સુધી લઈ ગયો હતો. આવા ભીડભાડ ધરાવતા સ્ટેશન પર ગઈ કાલે સવારે ૯ વાગ્યે આ ઘટના બનતાં આશ્ચર્ય વ્યક્ત થઈ રહ્યું છે. જોકે આ ઘટના વખતે હાજર નાગરિકોએ આ રિક્ષાવાળાને અટકાવીને રેલવે પોલીસને હવાલે કરી દીધો હતો.
આવી વિચિત્ર ઘટના ગઈ કાલે સવારે બની જ્યારે ઓનમ નિમિત્તે કેરલના નાગરિકો મીરા રોડ રેલવે સ્ટેશન પર રંગોળી કરવા માટે ભેગા થયા હતા. આ સમયે તેમણે મીરા રોડ-ઈસ્ટને અડીને આવેલી ટિકીટબારી પાસે એક રિક્ષા આવતી જોઈ હતી. તેઓ બૂમ પાડીને રિક્ષા તરફ દોડ્યા હતા. એ જોઈને રિક્ષાચાલક પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને ફરીથી બહારની દિશાએ જવા લાગ્યો હતો. પહેલાં તે સ્ટેશન પરિસરમાં આવ્યો અને અનેક ફેરિયાઓનો સામાન ઉડાડતો ટિકિટબારી પાસે પહોંચ્યો હતો. રિક્ષા ઊભી રહ્યા બાદ નાગરિકો રિક્ષાચાલકને પૂછવા લાગ્યા હતા ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં હતો.
દરમ્યાન અન્ય રિક્ષાચાલકો તેને છોડાવવા રેલવે સ્ટેશનની અંદર દોડી આવ્યા હતા, પરંતુ ઘટના ગંભીર હોવાથી નાગરિકોએ આ વિશે રેલવે પોલીસને ફરિયાદ કરી હતી. એ પછી રેલવે પોલીસે રિક્ષાચાલકને તાબામાં લીધો હતો. આ બનાવમાં કોઈને ઈજા નહોતી થઈ, પરંતુ ફેરિયાઓના માલનું નુકસાન થયું હતું.