02 March, 2024 07:26 AM IST | Mumbai | Rohit Parikh
૧૩ માર્ચે ૨૫ વર્ષનો વિરલ શાહ, બાવન વર્ષના તેના પપ્પા કૌશિકભાઈ અને ૮૦ વર્ષના દાદા અજિતભાઈ એકસાથે દીક્ષા લેશે
જામનગરના એક જ પરિવારના ૮૦ વર્ષના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, તેમનો બાવન વર્ષનો સિવિલ એન્જિનિયર પુત્ર અને તેમનો ૨૫ વર્ષનો બીકૉમ ગ્રૅજ્યુએટ પૌત્ર એમ ત્રણ પેઢી એકસાથે, એક જ મુરતમાં ૧૩ માર્ચે જૂનાગઢ તળેટીમાં આવેલી ગિરનાર દર્શન ધર્મશાળામાં પ્રવજ્યાપંથ ગ્રહણ કરીને આજીવન આયંબિલ તપ આરાધક ગિરનાર તીર્થોધારક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમવલ્લભસૂરીશ્વરજીના ચરણે જિનશાસનને સમર્પિત થશે. આ પહેલાં આ પરિવારની પુત્રવધૂ સહિત ચાર આત્માઓ ઉત્તમ સંયમજીવન સાધી રહ્યાં છે.
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પહેલા ગ્રુપની પરીક્ષા પાસ કર્યા પછી દોઢ વર્ષ પહેલાં પરિવારનાં હેત્વીબહેન (હાલમાં સાધ્વીજીશ્રી હેમર્ષીપ્રિયાશ્રીજી)ના દીક્ષાપ્રસંગે થયેલા મનોમંથને જામનગરના ૨૫ વર્ષના વિરલ શાહના જીવનમાં જબરદસ્ત પરિવર્તન આણ્યું. એને પરિણામે પ્રથમ વિરલને ગુરુકુળ વાસે વૈરાગ્ય દૃઢ થતાં સંયમમાર્ગે જવાની ભાવના થઈ હતી. ત્યાર પછી વિરલ શાહ જીવનનો બધો જ વૈભવ છોડીને જામનગરથી ચાતુર્માસમાં અભ્યાસ તપ-જપ, ગુરુ સંગમાં રહેવા વઢવાણ ગયો હતો. તેની સાથે તેના પિતા કૌશિકભાઈ પણ પૂજ્ય ગુરુજીના સાંનિધ્યમાં અભ્યાસ કરવા ગયા હતા અને તેમને પણ વૈરાગ્યભાવ આવ્યો હતો. પિતા-પુત્રના વૈરાગ્યથી પ્રેરિત થઈને દાદા અજિત શાહ પણ સંયમમાર્ગે જવા તૈયાર થઈ ગયા હતા.
કેવી રીતે થયો વૈરાગ્ય દૃઢ?
આ બાબતની માહિતી આપતાં વિરલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુકુળ વાસે વૈરાગ્ય દૃઢ થતાં ગયા વર્ષે વઢવાણ મુકામે ચાતુર્માસમાં અભ્યાસ અને તપ-જપ કરીને ગુરુસંગમાં રહેવાથી મારા પરોપકારી ગુરુભગવંતે દીક્ષાનું શુભ મુરત આપ્યું હતું. આ સમયે મારા પૂજ્ય પિતાશ્રી કૌશિકભાઈ પણ પૂજ્ય ગુરુજી પાસે અભ્યાસ કરતા હતા. તેથી મારા પછી ગુરુભગવંતે તેમના સંયમજીવનને શુભ મુરત પ્રદાન કરી નિશ્ચિત કર્યું. ઘણા સમયથી ઘરે રહીને પણ પૌષધ ઇત્યાદિ દ્વારા સંયમ રુચિવાન મારા દાદા અજિત શાહને પણ આ પ્રસંગો પામી ભાવવૃદ્ધિ થતાં તેમણે પણ ગુરુ મહારાજસાહેબને સંયમમાર્ગ ગ્રહણ કરવા માટે મુરત કાઢી આપવાની વિનંતી કરી. પરિણામે અમારા પરિવારના ત્રણેય મુમુક્ષુઓ એક જ દિવસે, એક જ શુભ મુરતે ગિરનાર તળેટીમાં ૧૩ માર્ચ ૨૦૨૪ના રોજ સંયમ ગ્રહણ કાર્ય સંપન્ન કરશે.’
સૌથી પહેલાં માતુશ્રી સંયમમાર્ગે
મારાં માતુશ્રી મીના શાહ નાનપણથી ધર્મથી રંજિત હતાં અને તેમણે ધર્મતત્ત્વોનો ઊંડો અભ્યાસ કર્યો હતો એમ જણાવતાં વિરલ શાહે કહ્યું હતું કે ‘ગુરુમાના સંગમાં રહીને મમ્મી વૈરાગ્યવાસિત થયાં હતાં. પરમ પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી સમુદાયના પરમ પૂજ્ય રશ્મિરત્નસૂરીશ્વરજી ભગવંતની આજ્ઞાવર્તી ૪૫૦ સાધ્વીગણના ગુરુની પુન્યરેખાશ્રીજી મહારાજસાહેબનાં ચરણોમાં સમર્પિત થઈ ૨૮ જાન્યુઆરીએ સુરત મુકામે યોજાયેલી ૨૨ સમૂહ દીક્ષામાં દીક્ષિત થઈ પૂજય મૈત્રીયોગરેખાશ્રીજી તરીકે સ્વજીવન ધન્ય બનાવી રહ્યાં છે.’
પિતા, પુત્ર અને પૌત્ર સાથે સંયમમાર્ગે
મમ્મી અને અમારા પરિવારના અન્ય મહાત્માઓને પગલે હવે અમે ત્રણ પેઢી પિતા, પુત્ર અને પૌત્ર સાથે સંયમમાર્ગે ૧૩ માર્ચના શુભ મુરતે પ્રયાણ કરીશું એમ જણાવીને વિરલ શાહે કહ્યું હતું કે ‘મારા દાદાને ૧૮ વર્ષની ઉંમરે તથા પપ્પાને તેઓ ૨૦થી ૨૨ વર્ષના હતા ત્યારે દીક્ષા લેવાના ભાવ થયા હતા. જોકે બન્ને ધર્મરાગી અને ધર્મમય હોવા છતાં સંસારમાં બિઝી થઈ ગયા હતા. દાદાની સાધ્વીજી બહેનો દાદાને અને મારા દાદી હૉસ્પિટલમાં હતાં ત્યારે જ મને સાધુવેશમાં જોવા ઇચ્છતી હતી. આમ દાદા અને પપ્પાને નાની ઉંમરે જ દીક્ષાના ભાવ થયા હતા, પણ આખરે હું નિમિત્ત બન્યો હતો. મારા મુરત પછી પપ્પા અને દાદાનાં અલગ-અલગ દિવસે દીક્ષાનાં મુરત નીકળ્યાં, પણ અમે ત્રણે સાથે હવે સંસારનો ત્યાગ કરીને સંયમમાર્ગે જઈ રહ્યા છીએ એ પણ યોગનુયોગ છે.’