બોરીવલીમાં નો-પાર્કિંગમાં ઊભી કાર સામે કાર્યવાહીને લઈને પોલીસ અને એના માલિકની થઈ મચમચ

30 January, 2024 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંતે વધુ સ્ટાફ બોલાવીને એ યુવકને બોરીવલી પોલીસના તાબામાં લેવામાં આવ્યો હતો અને એના પર સરકારી કામમાં અડચણ ઊભી કરવા બાબતે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

બોરીવલીમાં સંજય ગાંધી નૅશનલ પાર્ક નજીક નો-પાર્કિંગમાં પાર્ક કરેલાં વાહનો પર કાર્યવાહી કરવા ગયેલા પોલીસ-અધિકારીને ૨૩ વર્ષના યુવકે પોતાના વાહન પર કાર્યવાહી કરતા જોઈને પહેલાં અપશબ્દો કહ્યા હતા અને ત્યાર બાદ અધિકારીને મારવાની કોશિશ કરી હતી. અંતે વધુ સ્ટાફ બોલાવીને એ યુવકને બોરીવલી પોલીસના તાબામાં લેવામાં આવ્યો હતો અને એના પર સરકારી કામમાં અડચણ ઊભી કરવા બાબતે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

નાલાસોપારાના સાંઈનગર વિસ્તાર નજીકની એક સોસાયટીમાં રહેતા અને બોરીવલી ટ્રાફિક ડિવિઝન સાથે જોડાયેલા ૫૭ વર્ષના સુનીલ જાધવે કરેલી ફરિયાદ અનુસાર શનિવારે તેઓ રાબેતા મુજબ નો-પાર્કિંગ એરિયામાં મૂકવામાં આવેલાં વાહનો સામે કાર્યવાહી કરી રહ્યા હતા એ દરમ્યાન પૃથ્વી સોસાયટીની સામે નાટકવાલા લેનમાં નો-પાર્કિંગ ઝોનમાં રસ્તાની બાજુમાં કેટલીક કાર ટ્રાફિક માટે અડચણરૂપ બને એ રીતે પાર્ક કરેલી હતી. એ જગ્યાએ નો-પાર્કિંગ હોવાથી એક મારુતિ કાર પર કાર્યવાહી કરવા જતાં ૨૩ વર્ષનો દેવ જોષી ત્યાં આવીને ગાળો ભાંડવા લાગ્યો હતો અને તેણે અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ટોઇંગ ક્લૅમ્પ લઈને તે પોલીસ-અધિકારી તરફ દોડ્યો હતો. અંતે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

બોરીવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદ નોંધી અમે એક યુવકની ધરપકડ કરી છે. તેણે ઑન-ડ્યુટી પોલીસ-અધિકારીને અપશબ્દો બોલીને સરકારી કામમાં અડચણ ઊભી કરી હતી.’

mumbai news mumbai borivali sanjay gandhi national park