01 January, 2023 08:03 AM IST | Mumbai | Rohit Parikh
જૈન તીર્થની રક્ષા માટે એકતાનો માહોલ
મુંબઈ : જૈનોના દિલોમાં પ્રાણસમા શ્રી શત્રુંજય મહાતીર્થ પાલિતાણા પર અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવી રહેલી કનડગત, તોડફોડ, ગેરકાયદે માઇનિંગ અને લૅન્ડ ગ્રૅબિંગની સામે સમગ્ર ભારતમાં જબરદસ્ત આક્રોશ અને એકતાનો માહોલ સર્જાયો છે એમ જણાવતાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના અગ્રણી અતુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન સમાજનો આજ સુધી જોવા ન મળ્યો હોય એવો આક્રોશ તીર્થ રક્ષા માટે આબાલવૃદ્ધો અને મહિલાઓમાં ફેલાયો છે. દેશભરમાં ગઈ કાલ સુધીમાં ૭૨થી વધુ રૅલીઓ યોજાઈ ગઈ છે અને આજની મહારૅલીમાં ફક્ત મુંબઈમાં દસ લાખ લોકો જોડાઈને તીર્થ રક્ષાની માગણી સામે તેમનો અવાજ બુલંદ કરશે. વિશ્વભરની નજર આજે મુંબઈ અને અમદાવાદ પર સ્થિર થઈ છે. અમદાવાદ મહાસંઘ અને મુંબઈ જૈન સંગઠન દ્વારા આજની મહારૅલીની મુખ્ય માગણી એક જ છે કે ઐતિહાસિક દસ્તાવેજો, અકબરનાં ફરમાનો અને ગુજરાત હાઈ કોર્ટ તેમ જ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તળેટીથી શિખરજી સુધી સંપૂર્ણ અધિકાર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનોનો છે. ગિરિરાજ પર અન્ય ધર્મીનાં મંદિરોની સારસંભાળ અને વહીવટ શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા જ કરવામાં આવે છે. અહીં કોઈ પણ જાતનું કામ કરવું હોય તો જૈનોની સંમતિ વગર ન થઈ શકે. સરકાર અને પ્રશાસન આ આદેશનું કડકપણ પાલન કરે તો જ સ્થાનિક અસામાજિક તત્ત્વો આ તીર્થ પર કબજો કરતાં અને દૂષણ ફેલાવાતાં રોકાય. આના માટે સરકારે કાર્યવાહી કરવાની જરૂર છે.’
સંગઠનના અન્ય અગ્રણી કમલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અભી નહીં તો કભી નહીં, ગલી ગલીમાં નારા હૈ શત્રુંજય હમારા હૈ અને જય જય આદિનાથના જયઘોષ સાથે શ્રાવકો શ્વેત પાયજામા-કુર્તા અને ખેસમાં તેમ જ શ્રાવિકાઓ મર્યાદાપૂર્વકનો ઉચિત વેશ પહેરીને આ રૅલીમાં જોડાશે. પાઠશાળાનાં બાળકો, યુવક મંડળો, મહિલા મંડળો, સ્નાત્ર મંડળો સહિતના આબાલવૃદ્ધ જૈનો રૅલીમાં જોડાવા ઉત્સુક છે. બધાએ વધુ-ઓછા અંશે ઇતિહાસ વાંચ્યો છે. જ્યારે કોઈ વિશેષ ઘટના બને ત્યારે ઇતિહાસને યાદ કરવામાં આવે છે, ઇતિહાસમાંથી બોધપાઠ લેવાય છે અને ઇતિહાસ રચાય છે. આજે ઇતિહાસ રચાયો છે. આજે જ નહીં, એક અઠવાડિયાથી જૈનોના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલાં નવાં-નવાં પાનાં ઉમેરાઈ રહ્યાં છે, ઇતિહાસ રચાઈ રહ્યો છે. આ ઇતિહાસ સ્વયંભૂ રચાઈ રહ્યો છે. આજની રૅલીમાં અને ધર્મસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતુશ્રી હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.’
ઇતિહાસ રચાયો
ઇતિહાસ અહીં જ રચાયો છે અને જૈનોએ રચ્યો છે એમ જણાવીને અમદાવાદ જૈન મહાસંઘના પ્રમુખ મહેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી આજની મૂક મહારૅલી છે જેમાં ગિરિરાજ અને સમેતશિખરજીની રક્ષા કાજે સમગ્ર જૈન સમાજ એકતા સાથે ધર્મસભામાં આવ્યો છે. ત્રિલોક ગુરુ પરમાત્મા શ્રી મહાવીર દેવે પ્રકાશેલી અહિંસકતાની શક્તિ અને અવાજ આજે દુનિયા સાંભળે છે. તાકાત હિંસામાં નથી. જૈનોની અહિંસાએ હિંસાવાદીઓને અદભુત પાઠ આપ્યો છે. અહિંસાનો અવાજ ડંકે કી ચોટ પે સરકાર પણ સાંભળે. અહિંસાની તાકાત એક પણ લાફો માર્યા વગર કે કોઈ પણ પથ્થરબાજી વગર, રેલરોકો કર્યા વગર કે બસ સળગાવ્યા વગર માથાભારે અસામાજિક તત્ત્વોને રાતોરાત સળિયા પાછળ ધકેલાવી દે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને અમારા તીર્થની રક્ષાનો રાજધર્મ નિભાવે એવી જ અમારી માગણી છે.’
સરકાર દ્વારા અસામાજિક તત્ત્વો પર લેવામાં આવેલાં પગલાંની અનુમોદના અંતરથી પ્રત્યેક જૈન કરી રહ્યો છે એમ જણાવતાં મહેન્દ્ર શાહે કહ્યું હતું કે ‘સરકાર અને પ્રશાસન પાસે અમને હજી પણ સારા સમાચારની શૃંખલા અપેક્ષિત છે. સરકારને માત્ર અહીંથી આગ્રહભરી અપીલ કરવાની કે વર્ષે દેશ-વિદેશથી લાખો જૈનો પાલિતાણામાં યાત્રા કરવા આવે છે. કોઈ એક જૈને ક્યારેય કોઈ ગુનો કર્યો હોય કે અશાંતિ ફેલાવી હોય એવી એક પણ ફરિયાદ આજ સુધી પોલીસના ચોપડે નોંધાઈ છે? દૂધમાં સાકર ભળે એ રીતે સૌ સાથેનો જૈનોનો વ્યવહાર છે. જૈનો જરૂરિયાતમંદોને ઉદાર હાથે સહાય કરે છે. પાલિતાણા તાલુકાનાં અનેક ગામોમાં આજે પણ સખાવતી પ્રવૃત્તિઓ તેજ ગતિએ ચાલી રહી છે. શાળાઓમાં કુપોષિત બાળકોને મધ્યાહન ભોજન, ગામોમાં દવાખાનાંઓ, મેડિકલ કૅમ્પ, સ્કૂલોમાં પુસ્તકો અને અભ્યાસની સામગ્રીઓ તથા માળખાકીય સુવિધાઓ, સ્ત્રીસશક્તીકરણ, બહેનોને અને ભાઈઓને રોજગાર, ફળો અને અનાજનું વિતરણ, હોનહાર બાળકોને હાયર એજ્યુકેશન માટે સ્કૉલરશિપ, નશામુક્તિ, ગામોમાં એલઈડી સ્ટ્રીટલાઇટો સહિત આ બધું મોટા પાયે નિઃશુલ્ક થઈ રહ્યું છે. જૈનો દ્વારા ઉદાર હૃદયે આવાં કાર્યો કરવામાં આવી રહ્યાં છે. પાલિતાણાની ઇકૉનૉમી જૈન યાત્રિકો પર નિર્ભર છે. આજે આ બધું યાદ કરવાનું કારણ એક જ કે સરકારે કરવાનાં ઘણાં કામો જૈનો ઉદારતાથી કરી રહ્યા છે. આવા જૈન સમાજના કે તેમના ગુરુભગવંતોના વિરોધમાં ઝેર ઓકતા લોકોને તીર્થના વિકાસમાં રસ નથી.’
વર્તમાનમાં કેટલીક કદાગ્રહયુક્ત માનસિકતાવાળી અને અંગત આર્થિક હિતો ધરાવતી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલાં અસામાજિક કામોને કારણે શ્રી ગિરિરાજની પવિત્રતા નષ્ટ થઈ રહી છે એનાથી સંપૂર્ણ જૈન સમાજ ખૂબ જ વ્યથિત છે એમ જણાવતાં કમલેશ શાહે કહ્યું હતું કે ‘આથી શત્રુંજય તીર્થની રક્ષાર્થે ગામેગામે રૅલીઓ નીકળી છે. આજની કે અગાઉની એક પણ રૅલી માટે આહવાન કરવાની જરૂર પડી નથી. દેશભરમાં બધી જ રૅલીઓ સ્વયંભૂ નીકળી રહી છે. એક-એક જૈન આજે તીર્થરક્ષક બની ગયો છે. સૌની એક જ માગણી છે કે અમારા તીર્થની પવિત્રતા ખંડિત થાય નહીં. આના માટે સરકાર રાજ્ય અને દેશની સર્વોચ્ચ અદાલતોએ માન્ય કરેલા અધિકારો પર અમલ કરો, એના પર ગંભીરતાથી ધ્યાન આપીને યોગ્ય કાર્યવાહી કરો.’
મહારૅલી સમયે નૉન-જૈન ફૂલવાળીની આંખો ભીની થઈ
સમસ્ત ડોમ્બિવલી જૈન સંઘના ઉપક્રમે ગઈ કાલે ડોમ્બિવલીના રાજમાર્ગો પર શત્રુંજય તીર્થ અને સમેતશિખરજી તીર્થની રક્ષાની માગણી સાથે મહારૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રૅલીની સૌથી મોટી વિશેષતા એ રહી હતી કે રસ્તામાં એક નૉન-જૈન ફૂલવાળી મહિલાએ તેનાં બધાં જ ફૂલો શ્રી શત્રુંજય તીર્થની ધજા પર વરસાવીને જૈનોના તીર્થની રક્ષા કરજો એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી.
ગઈ કાલની આ મહારૅલી શ્રી શત્રુંજય મહાતીર્થ પર અસામાજિક તત્ત્વોની હેરાનગતિ/ લૅન્ડ-ગ્રૅબિંગ અને ગેરકાયદે રીતે ચાલી રહેલા માઇનિંગ તથા શ્રી સમેતશિખરજી તીર્થને પર્યટન-સ્થળ ઘોષિત કરવાના ઝારખંડ સરકારના નિર્ણયના વિરોધમાં યોજાઈ હતી એમ જણાવીને પાંડુરંગ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના ટ્રસ્ટી જયેશ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ રૅલી અને ધર્મસભા સમસ્ત ડોમ્બિવલીમાં બિરાજમાન પૂજ્ય આચાર્ય શ્રી શ્રમણચંદ્રસૂરીશ્વર મહારાજા, પૂજ્ય આચાર્ય શ્રી પ્રશમચંદ્રસૂરીશ્વર મહારાજા, પૂજ્ય આચાર્ય શ્રી વિમલપ્રભસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્ય આચાર્ય શ્રી ૧૦૮ કર્મવિજયનંદી મહારાજસાહેબ તથા પૂજ્ય પંન્યાસ શ્રી ચિતશેખર મહારાજસાહેબ, તથા ગણિવર્ય પૂજ્ય શ્રી સંયમચંદ્ર મહારાજ, મુનિરાજ શ્રી પદ્મયશવિજય મ.સા. (ભાઈ મહારાજ) આદિ શ્રમણ તથા શ્રમણી ભગવંતોની નિશ્રામાં યોજાઈ હતી. મહારૅલીનો પ્રારંભ પાંડુરંગવાડી જૈન દેરાસરથી થયો હતો અને ડોમ્બિવલીના વિવિધ રાજમાર્ગો પર ફરીને મહારૅલી નેહરુ મેદાનમાં પહોંચીને ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. આ રૅલીમાં બાદની ધર્મસભામાં મહારાષ્ટ્ર સરકારના પીડબ્લ્યુડી મિનિસ્ટર રવીન્દ્ર ચવાણ, કલેક્ટર દેશમુખ, એસીપી કુરાડે તથા ડોમ્બિવલીના નગરસેવક રાજેશ મોરેને આવેદનપત્રો આપવામાં આવ્યાં હતાં.’
જયેશ દોશીએ વધુમાં કહ્યું હતું કે ‘આ મહારૅલીને સફળ બનાવવા માટે ડોમ્બિવલી વ્યાપારી અસોસિએશને રૅલી દરમિયાન પોતાના કામધંધા બંધ રાખીને સમસ્ત જૈન સમાજને સમર્થન આપ્યું હતું. એમાં વ્યાપારી અસોસિએશનના પ્રમુખ દિનેશ ગોર અને સચિવ નવીન માલદેનો સાથસહકાર મળ્યો હતો. ડોમ્બિવલીના રામનગર પોલીસ સ્ટેશન તથા તિલકનગર પોલીસ સ્ટેશન તથા આરટીઓ વિભાગનો સંપૂર્ણ સહકાર મળ્યો હતો. આ રૅલીને સફળતાપૂર્વક પાર પાડવા માટે ડોમ્બિવલીના યુવાનોએ સુંદર સહયોગ આપ્યો હતો. આ મહારૅલીમાં સમસ્ત ડોમ્બિવલીના જૈન સંઘો શ્વેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી, તેરાપંથી અને કલ્યાણ અંબરનાથ પલાવાથી હજારોની સંખ્યામાં શ્રાવકો, શ્રાવિકાઓ, નાનાં બાળકો પણ જોડાયાં હતાં.’
રૅલીમાં દસ હજારથી વધુ જૈનો જોડાયા હતા. આ મહારૅલી રાજમાર્ગ પર નીકળી ત્યારે રસ્તામાં એક નૉન-જૈન ફૂલવાળીએ મહારૅલીમાં ફરી રહેલી શત્રુંજય તીર્થની ધજા પર ફૂલોનો વરસાદ વરસાવી દીધો હતો. આ જાણકારી આપતાં જયેશ દોશીએ કહ્યું હતું કે ‘આ મહિલાએ શત્રુંજયની ધજા પર ફૂલવર્ષા કરી તેની ભીની આંખો સાથે હાથ જોડીને કહ્યું હતું કે ‘આ જૈન સમાજ અહિંસક સમાજ છે. આ સમાજે અમારા જેવા આર્થિક રીતે નબળા લોકોના ઘરમાં અનાજ, અમારાં બાળકોના ભણવા માટે પાઠ્યપુસ્તકો જેવી અનેક સહાય કરી છે. આ સમાજના તીર્થ પર આવેલી મુસીબતને હે પ્રભુ, તું દૂર કરજે. જે સમાજ અમને સહાયરૂપ બને છે એ સમાજને તું પણ સહાયક બનીને તેમની રક્ષા કર.’