02 January, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
CSMT પર એકસાથે વાગેલા ટ્રેનના હૉર્ન સાથે નવ વર્ષને વધાવી રહેલા મુંબઈગરાઓ.
નવા વર્ષને વધાવવા મુંબઈગરાઓ ગેટવે ઑફ ઇન્ડિયા, ચોપાટી, જુહુ બીચ અને બૅન્ડ-સ્ટૅન્ડ પર ભેગા થયા હતા અને બરાબર બારના ટકોરે ચિચિયારીઓ પાડીને નવા વર્ષને વધાવ્યું હતું ત્યારે રેલવેએ એની પરંપરા જાળવીને નવા વર્ષને હૉર્ન વગાડીને સલામી આપી હતી અને એને વધાવ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર ઊભેલી બધી જ લોકલ ટ્રેનો અને કારશેડમાં ઊભેલી ટ્રેનોના મોટરમેને ઘડિયાળમાં બારના ટકોરે એકસાથે હૉર્ન વગાડ્યાં હતાં અને એ સાંભળી જે મુંબઈગરાઓ એ વખતે CSMT પર હાજર હતા તેમનો આનંદ બેવડાઈ ગયો હતો. અનેક મુંબઈગરાઓએ આ ક્ષણને તેમના મોબાઇલમાં કેદ કરી લીધી હતી.
કેન્દ્રના રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ એમાંનો એક વિડિયો રેલવેના સોશ્યલ મીડિયાના અકાઉન્ટ ‘ઍક્સ’ પર પોસ્ટ કર્યો હતો અને બધાને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. સોશ્યલ મીડિયા પર એક યુઝરે લખ્યું હતું કે સેન્ટ્રલ રેલવેના એકમાત્ર CSMT પર આ પરંપરા પાળવામાં આવે છે. રાતના બારના ટકોરે બધી જ ટ્રેનો એકસાથે હૉર્ન વગાડી નવા વર્ષનું સ્વાગત કરે છે. એ ક્ષણના સાક્ષી બનવા ઘણા મુંબઈગરાઓ ત્યાં હાજર રહેતા હોય છે.