સાંતાક્રુઝમાં લગ્નમાં જોવા મ‍ળ્યું ભવ્ય રામમંદિર અને ‘રામ-સીતા’નો સ્વયંવર

30 January, 2024 07:38 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ રામભક્તિની ઝલક ઠેર-ઠેર જોવા મળી રહી છે ત્યારે વિલે પાર્લેના એક લગ્નપ્રસંગમાં રીતસરનો રામજીનો સ્વયંવર રચીને ‘રામ-સીતા’ લગ્નની ડોરમાં બંધાયાં

મુંબઈમાં લગ્નપ્રસંગમાં જોવા મળ્યું ભવ્ય રામમંદિર અને દેવી-દેવતાઓની ઉપસ્થિતિમાં રામ-સીતાનો સ્વયંવર.

અયોધ્યામાં રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થતાં ભારતના લોકો માટે એ એક ઐતિહાસિક પળ બની ગઈ છે. હાલ અયોધ્યામાં પગ મૂકી ન શકાય એવી ભીડ હોવા છતાં રામભક્તિમાં ગળાડૂબ રામભક્તો અહીં જોવા મળે છે. આવી જ રામભક્તિની ભવ્ય ઝલક મુંબઈના એક લગ્નપ્રસંગમાં પણ જોવા મળી છે. અહીં લગ્નનો મંડપ એ રામમંદિરની પ્રતિકૃતિ હતી અને એમાં રામ-સીતાનાં લગ્ન યોજાયાં હતાં. આ લગ્નમાં હાજર સૌકોઈને તેઓ અયોધ્યા આવ્યા હોય એવો અનુભવ ચોક્કસ કરાવી દીધો હતો.

વિલે પાર્લેમાં મહંત રોડ પર રહેતા કચ્છી જશ વીરા અને થાણેમાં રહેતી વાગડ સમાજની નિકિતા શાહનો સાંતાક્રુઝ ખાતે રવિવારના રોજ લગ્નપ્રસંગ યોજાયો હતો. ભારતના લોકો રામભક્તિમાં ડૂબેલા છે ત્યારે મુંબઈમાં રામમંદિરની પ્રતિકૃતિ સાથે અન્ય દેવી-દેવતાઓનાં દર્શન કરાવ્યા હોવાથી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ લગ્નપ્રસંગમાં પણ કેવો ફરક પડી રહ્યો છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. આ લગ્નમાં લોકોને એવું લાગ્યું કે ખરેખર તો અયોધ્યા નથી પહોંચી ગયાને એમ કહેતાં જશનાં મમ્મી નીતા વીરાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દીકરાનાં લગ્નમાં જે વરમાળનો મંડપ હતો એ રામમંદિરની પ્રતિકૃતિ હતી. રામ ભગવાનનો સ્વયંવર જે રીતે થયો હતો એ રીતે ધનુષ્ય તોડીને સીતાજીને એટલે કે નિકિતાને વરમાળા પહેરાવી હતી. વરમાળા પણ જટાયુ લઈને આવ્યા હતા.’ 

આ ઇવેન્ટ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘રામ-સીતા સૌકોઈના દિલમાં વસેલાં છે અને હાલ રામમંદિરમાં રામજી આવ્યા હોવાથી એ ઐતિહાસિક પળ બની છે. એથી આ લગ્નપ્રસંગને પણ યાદગાર બનાવામાં આવ્યો હતો. રામમંદિર જેવા બનાવેલા મંડપમાં પાદુકાની એન્ટ્રી વચ્ચેથી સીતા એટલે કે દુલ્હન નિકિતા સ્ટેજ પર આ‍વે છે. બન્ને રામમંદિર આગળ ઊભાં રહે છે અને સ્વયંવર રચાય છે. રામજી ધનુષ્યબાણ તોડે છે અને જટાયુ જે વરમાળા લઈને આવ્યા હતા એ સીતાજીને પહેરાવે છે. દરમ્યાન રામ-સીતાના મિલન વખતે નારદમુનિ નીચેથી સ્ટેજ ઉપર આવે છે. ત્યાર બાદ શિવ-પાર્વતી, ગણપતિ, લક્ષ્મી-નારાયણ, રાધા-કૃષ્ણ, સરસ્વતી-દુર્ગામાતા આશીર્વાદ આપવા પધાર્યાં અને સાથે બાહુબલી હનુમાન વાનરસેના સાથે આવ્યા હતા. આ બધાં દેવી-દેવતાઓ આવ્યાં ત્યારે વિશેષ રીતે શ્લોકથી લઈને આશીર્વાદ આપતાં વાક્યો બોલવામાં આવ્યાં હતાં તેમ જ રામજીને મર્યાદાપુરુષોતમ કેમ કહેવામાં આવે છે એ જણાવ્યું હતું. ત્યાર બાદ દુલ્હા-દુલ્હન અને તેમનાં માતા-પિતા રથ પર બેસીને આખા ગ્રાઉન્ડ પર ફર્યા ત્યારે રામ-સીતાનાં ગીતો ગવાયાં હોવાથી ઉપસ્થિત સૌકોઈ રામની ભ​ક્તિમાં લીન થઈ ગયા હતા.’
વધુમાં જશનાં મમ્મી નીતા વીરાએ કહ્યું હતું કે ‘હું ખૂબ ભાવુક અને ધાર્મિક છું. એટલે પહેલેથી હતું કે ભગવાનની હાજરીમાં દીકરાનાં લગ્ન થાય. લગ્નમાં કલાકારો ગીત ગાતા હતા ત્યારે રામ-સીતા પર પણ અનેક ગીતો ગવાયાં હતાં. જેટલા લોકો આવ્યા હતા તેમણે રામમંદિર અને રામ-સીતા, હનુમાનજીની મૂર્તિ પાસે જઈને ફોટો પડાવ્યા હતા અને અમને લોકોના અસંખ્ય મેસેજ આવી રહ્યા છે. સૌકોઈને જાણે અયોધ્યામાં આવીને રામ-સીતાનાં લગ્ન જોઈ રહ્યા હોય એવો અનુભવ થયો અને એને લીધે એક હકારાત્મક ભાવના પણ બધે જોવા મળી હતી.’

mumbai news mumbai vile parle santacruz ram mandir gujarati community news gujaratis of mumbai