ડિજિટલ યુગમાં ઇલેક્ટ્રૉનિક્સના વેપારીઓને સાઇબર-ફ્રૉડથી બચાવવા અસોસિએશને કરી પહેલ

19 September, 2023 09:21 AM IST  |  Mumbai | Rohit Parikh

તાજેતરમાં બનેલા છેતરપિંડીના બનાવોનો ઉલ્લેખ કરીને ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ મર્ચન્ટ્સ અસોસિએશને એના સભ્યોને મેસેજ મોકલીને કહ્યું છે કે આવા લેભાગુઓથી સાવચેત રહો, સુરક્ષિત રહો. પોલીસે પણ બતાવી સંપૂર્ણ સાથસહકાર આપવાની તૈયારી

પ્રતીકાત્મક તસવીર


મુંબઈઃ એક બાજુ આપણો દેશ ડિજિટલ યુગ તરફ જઈ રહ્યો છે, એની સાથે દિનપ્રતિદિન સાઇબર-ફ્રૉડના કેસમાં પણ જબરો વધારો થઈ રહ્યો છે. રોજ સવાર પડતાં અનેક સાઇબર-ફ્રૉડના કેસો પ્રકાશમાં આવે છે. ડિજિટલ યુગનો ગેરલાભ લઈને લેભાગુઓ લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે, જેનો શિકાર ડૉક્ટરોથી લઈને વેપારીઓ બને છે. આવા સમયે હવે કોઈ પણ જાતના લોભમાં આવ્યા વગર લોકોએ અને વિશેષરૂપે વેપારીઓએ જાગૃત થવાની જરૂર છે. વેપારીઓએ સાવધાનીપૂર્વક બિઝનેસ કરવાની જરૂર છે. આવો મેસેજ તાજેતરમાં ઇલેક્ટ્રૉનિક્સ બજારના વેપારીઓ સાથે બનેલા બનાવોનો ઉલ્લેખ કરીને ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ મર્ચન્ટ્સ અસોસિઅએશને તેમના વેપારી-સભ્યોને મોકલીને કહ્યું 
છે કે આવા લેભાગુઓથી સાવચેત રહો, સુરક્ષિત રહો.

તાજેતરમાં ઇલેક્ટ્રૉનિક્સ બજારના વેપારીઓ સાથે બનેલા બનાવોની માહિતી આપતાં મિતેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થોડા સમયથી અમારા ડીલરો-વેપારીઓને મેસર્સ જયપુરના મેસર્સ અનિલ એન્ટરપ્રાઇઝિસના અનિલ શર્માના નામે અથવા તેના ગ્રુપના નામે બલ્ક બિઝનેસની ઇન્ક્વાયરી મોકલવામાં આવી રહી છે. આ એવા ડીલરો અને વેપારીઓ છે કે જેમણે પોતાની પ્રોડક્ટોની ઇન્ડિયા માર્ટ, ફેસબુક અથવા તો અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર જાહેરાત કરી હોય. સંબંધિત કંપની અને એના ગ્રુપના લોકો આ પ્લૅટફૉર્મ પરથી પ્રોડક્ટોની વિગતો અને તસવીરો એકત્રિત કરીને વેપારીઓના પૈસા અને ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરે છે.’
તેમની મોડસ ઑપરેન્ડીના સંદર્ભમાં મિતેશ મોદીએ કહ્યું હતું કે ‘આ લેભાગુઓ પહેલાં હોલસેલ વેપારીઓને ફોન કરીને બલ્ક ક્વૉન્ટિટીની ઇન્ક્વાયરી મોકલે છે. અમારી બજારના પંદર-વીસ વેપારીઓને આવી ઇન્ક્વાયરી આવી હતી. ત્યાર પછી આ લેભાગુઓએ અમારી બજારના વેપારીઓ સાથે તેઓ જેન્યુઇન વેપારીની જેમ જ ભાવમાં બાર્ગેન કરતા હતા. ભાવતાલ કર્યા પછી વેપારીને ઑર્ડર આપવામાં આવ્યા હતા. જાણે એક ઇમાનદાર વેપારી હોય એમ જે-તે વેપારીની પાસેથી ઍડ્વાન્સ પેમેન્ટની ચુકવણી કરવા માટે વેપારીઓને કહેવામાં આવ્યું હતું કે તમે તમારા પર્ફોમા ઇન્વૉઇસ અને કંપનીની બૅન્કની વિગતો મોકલી આપો. ત્યાર પછી આ લેભાગુઓ વેપારીઓને  કહેતા કે તેઓ જીપેથી પેમેન્ટ કરશે. એના માટે લેભાગુએ એવો દાવો કર્યો હતો કે ફુલ પેમેન્ટ કરતાં પહેલાં તેણે અમારા વેપારીના ખાતામાં એક રૂપિયો મોકલ્યો છે. ત્યાર પછી તેમણે વેપારીને ફોન કરીને તેમના અકાઉન્ટમાં એક રૂપિયો આવ્યો છે કે નહીં તેની તપાસ કરવા કહ્યું હતું. વેપારીઓએ જ્યારે કહ્યું કે અમારા ખાતામાં એકપણ રૂપિયો આવ્યો નથી. ત્યારે આ ચીટરોએ વેપારીઓને કહ્યું હતું કે ‘તમે તમારા જીપે કે પેટીએમના ખાતામાંથી એક રૂપિયો મોકલો. જેવા વેપારીઓએ પૈસા મોકલવાનો પ્રયાસ કર્યો કે તેમને સામે ટાઇમર દેખાયું હતું અને તેઓ ચેતી ગયા હતા.’
જોકે લેભાગુઓની આ મોડસ ઑપરૅન્ડીના એક સિનિયર સિટિઝન વેપારી શિકાર બની ગયા હતા. એની જાણકારી આપતાં મિતેશ મોદીએ કહ્યું હતું કે ‘આ વેપારીએ ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં કરેલી ફરિયાદ મુજબ ૪ સપ્ટેમ્બરે બપોરે પોણા ત્રણ વાગ્યે કૅપેસિટરની ઇન્ક્વાયરી માટે એક મોબાઇલ પરથી તેમને ફોન આવ્યો હતો. ભાવતાલ નક્કી થયા પછી આ વેપારીને તેમણે ૨૩,૦૧૦ રૂપિયાનું પર્ફોમા ઇન્વૉઇસ મોકલવા કહ્યું હતું. જેની સામે પાંચમી સપ્ટેમ્બરે બપોરે એક વાગ્યે તેણે એક રૂપિયો જીપે કર્યો હોવાનું કહ્યું હતું, પરંતુ એક રૂપિયો મળ્યો નહોતો. આથી તેણે સિનિયર સિટિઝન વેપારીને એક રૂપિયો જીપે કરવા કહ્યું હતું. આ વેપારીએ જીપે કર્યા બાદ થોડી જ વારમાં તેમના ખાતામાંથી ૪,૯૯૯ રૂપિયાથી લઈને ૯૯૯૮ રૂપિયા સુધીનાં ચાર ટ્રાન્ઝૅક્શનમાં ૨૪,૯૯૬ રૂપિયા કાઢી લીધા હતા. સિનિયર સિટિઝન વેપારીએ આ બાબતની જાણકારી થયા બાદ ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
મિતેશ મોદીએ આખી મોડસ ઑપરૅન્ડી બાબતની જાણકારી આપતાં કહ્યુ હતું કે ‘આ લેભાગુઓ જેવા વેપારીઓ એક રૂપિયો મોકલે કે તરત જ વેપારીનું ઈ-વૉલેટ, મોબાઇલ ડેટા અને એની સાથે જોડાયેલાં બૅન્ક-અકાઉન્ટને હૅક કરીને વેપારીની જાણકારી વગર જ તેમના ખાતામાંથી પૈસા ચાંઉ કરી જાય છે. જોકે અમારા અન્ય વેપારીઓને આ મોડસ ઑપરૅન્ડીની શંકા જતાં તેઓ મોટી છેતરપિંડીમાંથી બચી ગયા હતા. અસોસિએશનને  આ ફરિયાદ મળતાં તરત જ અન્ય વેપારીઓને સાવધાન કર્યા હતા જેથી તેઓ બચી ગયા હતા. જોકે અન્ય વેપારીઓ આ સ્કૅમમાં ફસાઈ નહીં એ માટે તેમને સાવચેત રહેવા અને આવી કોઈ જાળમાં ન ફસાવા માટે તેમના મોબાઇલના સ્ક્રીનશૉટ્સ અસોસિએશન તરફથી મેમ્બરોને મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ અમારી પાસે આવી અનેક ફરિયાદો આવી હતી.’
અસોસિએશન તરફથી ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિનય ઘોરપડેને આખા કૌભાંડની જાણકારી આપવામાં આવી હતી. તેમણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે તેમને સંપૂર્ણ સાથસહકાર આપવાની તૈયારી બતાવી છે. વેપારીઓએ સાવધાન રહેવાની જરૂર છે. જ્યાં સુધી તેમને સો ટકા ખાતરી ન થાય ત્યાં સુધી કોઈને પણ અજાણ્યા વેપારી કે વ્યક્તિ પાસેથી પૈસા લેવા કે મોકલવા ન જોઈએ. આ સિવાય કોઈ અજાણી વ્યક્તિ દ્વારા શૅર કરેલી લિન્ક પર ​ક્લિક કરશો નહીં. 
કોઈ વેપારી આવા કૌભાંડના ભોગ બન્યા હોય તો તે તરત જ અમારો સંપર્ક કરે અથવા તેમના અસોસિએશનને આ બાબતની જાણકારી આપી ફરિયાદ નોંધાવે. અમે આવા લેભાગુઓ સામે ચોક્કસ કાર્યવાહી‍ કરીશું.’

mumbai news cyber crime maharashtra news