19 July, 2024 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં ગઈ કાલે થયેલી બેઠકમાં BJPના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓની ગઈ કાલે બે દિવસની કોર કમિટીની મુંબઈમાં બેઠકની શરૂઆત કરવામાં આવી હતી. ગઈ કાલે પહેલા દિવસની બેઠકમાં કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્રના પ્રભારી અશ્વિની વૈષ્ણવ અને ભૂપેન્દ્ર યાદવ સહિત નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુળે, આશિષ શેલાર અને પંકજા મુંડે સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી અને રાજ્યની ૨૮૮ બેઠકમાંથી ૧૭૦ બેઠક પર ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં થયેલા નુકસાનની ભરપાઈ લાડકી બહિણ યોજના કરી શકશે કે કેમ અને બીજા કયા મુદ્દાથી લોકોનો વિશ્વાસ મેળવી શકાશે એના પર ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રના નેતાઓએ આ બેઠકમાં દાવો કર્યો હતો કે વધુ બેઠકો પર ચૂંટણી લડવાનો ફાયદો અગાઉ થયો છે. મહાયુતિમાં સામેલ શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીને કેવી રીતે વધુ બેઠકો મેળવી શકાશે એના પર ફોકસ કરવામાં આવ્યું હતું. આજે બીજા દિવસે પણ કોર કમિટીની બેઠક થશે. એ પછી ૨૧ જુલાઈએ પુણેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં પક્ષની કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ત્રણેક મહિનામાં યોજાવાની શક્યતા છે એને ધ્યાનમાં રાખીને ગઈ કાલે મુંબઈમાં શિવસેનાની મહત્ત્વની બેઠક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મુંબઈની ૧૭ સહિત રાજ્યભરની ૧૨૬ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવવામાં આવી હતી અને આ બેઠકો માટે વિધાનસભાના નિરીક્ષકો અને પ્રભારીની નિયુક્તિ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ મુંબઈની ૨૫ વિધાનસભા બેઠક લડવાનો આગ્રહ રાખ્યો હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેનાના નેતાઓએ મુંબઈની ૩૬ વિધાનસભા બેઠકમાંથી ૧૭ બેઠક લડવાની તૈયારી કરવાનો નિર્ણય લીધો હતો. ભાયખલા, વરલી, શિવડી, જોગેશ્વરી-ઈસ્ટ, દિંડોશી, ચેમ્બુર, અણુશક્તિનગર, માહિમ, ધારાવી, ભાંડુપ-વેસ્ટ, વિક્રોલી, કુર્લા, અંધેરી-ઈસ્ટ, મલાડ-વેસ્ટ, માગાઠાણે, ચાંદિવલી, કાલિના વગેરે બેઠકોનો આમાં સમાવેશ થાય છે.