14 September, 2024 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે લોકલ ટ્રેનમાં રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ. (તસવીર- સૈયદ સમીર અબેદી)
રેલવે મુંબઈમાં કમ્યુનિકેશન-બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ અને કવચ નામની બે સેફ્ટી સિસ્ટમને એકસાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે એને લીધે આ શક્ય બનશે
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ ગઈ કાલે મુંબઈ આવ્યા હતા અને તેમણે લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. તેમણે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘રેલવે મુંબઈમાં કમ્યુનિકેશન-બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ (CBTC) અને કવચ નામની એની બે સેફ્ટી સિસ્ટમને એકસાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. જો એ પ્રયાસ સફળ રહ્યો તો બે ટ્રેન વચ્ચેનો હાલનો જે ૧૮૦ સેકન્ડનો સમયગાળો છે એ ઘટાડીને ૧૫૦ સેકન્ડનો કરી શકશે. જો આવું બન્યું તો મુંબઈગરા માટે વધુ ટ્રેનસર્વિસ દોડાવી શકાશે.’
આમ જો વધુ સર્વિસ મળશે તો ભીડ પણ વહેંચાઈ જશે અને મુંબઈગરાનો પ્રવાસ વધુ આરામદાયી થવાની શક્યતાઓ સર્જાઈ છે. વળી આ બન્ને સિસ્ટમ ધરાવનાર મુંબઈ દેશનું પહેલું સબર્બન સેક્શન બનશે.
અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સ્લો લોકલના જનરલ ડબ્બામાં ભાંડુપ સુધી પ્રવાસ કર્યો હતો અને એ પછી તેમણે લોકો સાથે સંવાદ પણ કર્યો હતો.
રેલવે દ્વારા સેફ્ટી માટે ભારતમાં જ ઑટોમૅટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ ‘કવચ’ તૈયાર કરવામાં આવી છે જે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન સહિત અન્ય સિસ્ટમ સાથે મળીને ટ્રેનની ઍક્ચ્યુઅલ પોઝિશન અને સ્પીડ દર્શાવે છે અને એક ટ્રેન બીજી ટ્રેન સાથે અથડાવાની શક્યતા હોય તો મોટરમૅનને અલર્ટ કરે છે. અશ્વિની વૈષ્ણવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવે છેલ્લા થોડા વખતથી કવચ પર કામ કરી રહી છે. એની અલગ-અલગ ટ્રેનો સાથેની ટ્રાયલ પણ ચાલુ કરી દેવાઈ છે અને હવે એમાં અમે સેફ્ટી ઇન્ટિગ્રિટી લેવલ – ૪ની બહુ નજીક પહોંચી ગયા છીએ.’
કમ્યુનિકેશન-બેઝ્ડ કન્ટ્રોલ સિસ્ટમ બે ટ્રેનો વચ્ચેનું અંતર ઘટાડવા પર કામ કરે છે. અશ્વિની વૈષ્ણવે આ બાબતે વધુમાં કહ્યું હતું કે ‘આ બન્ને સિસ્ટમને જો એકબીજા સાથે સાંકળી લેવાય તો હાલનો બે ટ્રેન વચ્ચે ૩ મિનિટનો જે સમયગાળો છે એ ઘટાડીને અઢી મિનિટ થઈ શકે. જો એ શક્ય બને તો એ મુંબઈની સબર્બન ટ્રેન માટે બહુ મહત્ત્વનું ગણાશે. મુંબઈગરાને હાલ જે રોજની ૩૦૦૦ સર્વિસ મળે છે એમાં વધારો કરી શકાશે. જોકે આ પ્રોજેક્ટ પૂરો થતાં ૩ વર્ષનો સમય લાગી શકે એમ છે.’