અશોક ચવાણે બીજેપી જૉઇન કરવાથી જરાય આશ્ચર્ય નથી થયું : શરદ પવાર

22 February, 2024 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવાણે થોડા દિવસ પહેલાં જ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપીમાં પ્રવેશ કર્યો હતો.

શરદ પવાર, અશોક ચવાણ

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવાણે થોડા દિવસ પહેલાં જ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. એ સંદર્ભે એનસીપીના સ્થાપક શરદ પવારે કોલ્હાપુરમાં ગઈ કાલે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘અશોક ચવાણે બીજેપી જૉઇન કરી એમાં કોઈ આશ્ચર્ય થયું નથી. તેમણે જૉઇન કરવા પહેલાં લોકસભામાં વાઇટ પેપર રજૂ કરાયું હતું અને એમાં આદર્શ કૌભાંડનો ઉલ્લેખ હતો. એથી એ એક પ્રકારની ધમકી જ હતી. ત્યાર બાદ તરત જ અશોક ચવાણે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપી જૉઇન કરી હતી. બીજાઓને કદાચ નવાઈ લાગી હશે, પણ મને એમાં કોઈ આશ્ચર્ય થયું નહોતું.’ 

બીજેપીએ લોકસભામાં વાઇટ પેપર રજૂ કર્યું હતું જેમાં છેલ્લાં દસ વર્ષના તેમના પર્ફોર્મન્સની માહિતી આપી હતી અને સાથે જ વિરોધીઓ બાબતે તેઓ શું માને છે એનો પણ એમાં ઉલ્લેખ કર્યો હતો. એમાં અશોક ચવાણનો અને આદર્શ કૌભાંડનો પણ ઉલ્લેખ હતો જે આડકતરી રીતે અશોક ચવાણ માટે ધમકી જ ગણી શકાય. એથી અશોક ચવાણે આ પગલું લીધું એમ શરદ પવારે કહ્યું હતું. જોકે સામા પક્ષે અશોક ચવાણે આ બાબતે રદિયો આપ્યો હતો. 

​ડિફેન્સની જમીન પર કારગિલના જવાનોની વિધવા માટે કોલાબામાં બનાવાયેલી આદર્શ સોસાયટીમાં રાજકારણીઓને ફ્લૅટ ફાળવવામાં આવતાં ઊહાપોહ મચ્યો હતો અને કૌભાંડ બહાર આવતાં તત્કાલીન મુખ્ય પ્રધાન અશોક ચવાણે આ કારણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. 

mumbai news mumbai sharad pawar ashok chavan congress maharashtra political crisis nationalist congress party maharashtra news