14 February, 2024 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બીજેપીમાં પ્રવેશ કર્યા બાદ અશોક ચવાણ પત્રકારોની સામે જ પૈસા ભરીને પાર્ટીના પ્રાથમિક સભ્ય બન્યા હતા. (સૈયદ સમીર અબેદી)
મહારાષ્ટ્રના બે વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા નાંદેડના દિગ્ગજ કૉન્ગ્રેસી નેતા અશોક ચવાણે ગઈ કાલે પંજાને છોડીને બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. પરમદિવસે તેમણે કૉન્ગ્રેસ તેમ જ વિધાનસભ્યપદેથી રાજીનામું આપ્યું ત્યારે લાગતું હતું કે તેઓ બે-ત્રણ દિવસ બાદ બીજેપીમાં જોડાશે. જોકે તેમણે બીજા જ દિવસે બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવાની છે એટલે બીજેપીએ અશોક ચવાણના પ્રવેશમાં ઉતાવળ કરી હોવાનું કહેવાય છે. બીજેપી મહારાષ્ટ્રની રાજ્યસભાની ખાલી થઈ રહેલી છ બેઠક માટે એકાદ-બે દિવસમાં ઉમેદવારો જાહેર કરી શકે છે, જેમાં મોટા ભાગે અશોક ચવાણનું નામ સામેલ થવાની શક્યતા છે. બીજેપીમાં પ્રવેશ કર્યા બાદ અશોક ચવાણે કહ્યું હતું કે ૩૮ વર્ષ બાદ પાર્ટી બદલવાનું બહુ અઘરું હતું, પણ નાછૂટકે નિર્ણય લેવો પડ્યો છે. જોકે તેમણે આ સમયે કૉન્ગ્રેસ છોડવા માટેનું કોઈ કારણ જાહેર નહોતું કર્યું.
મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓની હાજરીમાં બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના હાથે અશોક ચવાણે ગઈ કાલે બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. તેમણે બીજેપીના પ્રાથમિક સભ્યનું ફૉર્મ ભરીને જાહેરમાં પ્રવેશ કર્યો હતો. આ સમયે તેમણે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ છોડવાનો નિર્ણય બહુ મુશ્કેલ હતો. ૩૮ વર્ષ સુધી મેં કૉન્ગ્રેસમાં પ્રામાણિકતાથી કામ કર્યું છે. લાંબો વિચારવિમર્શ કર્યા બાદ મેં નાંદેડ જિલ્લો, મહારાષ્ટ્ર અને દેશના હિત માટે આ નિર્ણય લીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની લીડરશિપમાં મને પૉઝિટિવ રીતે કામ કરવામાં એક વિઝન દેખાયું એટલે બીજેપીમાં સામેલ થયો છું.’
અશોક ચવાણની સાથે તેમના નાંદેડના કટ્ટર સમર્થક અને વિધાન પરિષદના ભૂતપૂર્વ વિધાનસભ્ય અમર રાજુરકરે પણ બીજેપીમાં પ્રવેશ કર્યો હતો.
કૉન્ગ્રેસને ઘણું આપ્યું છે
અશોક ચવાણે બીજેપીમાં પ્રવેશ કર્યા બાદ કહ્યું હતું કે ‘જેમ કૉન્ગ્રેસે મને ઘણું આપ્યું છે એવી જ રીતે કૉન્ગ્રેસને મહારાષ્ટ્રમાં મજબૂત કરવા અને આગળ વધારવા માટે મેં પણ ઘણું આપ્યું છે. આમ છતાં પક્ષ દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે એમાં મને મળવું જોઈએ એટલું મહત્ત્વ કોઈક કારણસર નથી આપવામાં આવ્યું. આથી મારે નાછૂટકે આ નિર્ણય લેવો પડ્યો છે. પક્ષ બદલવાનો નિર્ણય મારો છે. કૉન્ગ્રેસમાં મારા કોઈ સાથી સાથે મેં આ વિશે ચર્ચા નથી કરી કે તેમને મારી સાથે બીજેપીમાં આવવા માટે આગ્રહ પણ નથી કર્યો. આ મારો અંગત નિર્ણય છે. અત્યારે હું બસ આટલું જ કહેવા માગું છું. ભવિષ્યમાં યોગ્ય સમયે શા માટે કૉન્ગ્રેસ છોડી એ વિશે કહીશ.’
સારા કામને બિરદાવવું જોઈએ
અશોક ચવાણે કહ્યું હતું કે ‘સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે સારા સંબંધ રાખવાની લોકશાહીમાં પરંપરા છે. અમે વિરોધ પક્ષમાં છીએ તો પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી આજે ભારતની ઇમેજ વિશ્વભરમાં સુધરી છે અને દેશની અંદર પણ અનેક સારાં કામ કરવામાં આવ્યાં છે એના માટે સરકારને બિરદાવવી જોઈએ. જોકે છેલ્લા કેટલાક સમયથી સારા કામની પણ વિરોધ પક્ષો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે જે યોગ્ય નથી. અમે સરકારમાં હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસ વિરોધ પક્ષના નેતા હતા ત્યારે તેમણે અમારા નિર્ણયને આવકાર્યો હતો. મેં ક્યારેય કોઈની વ્યક્તિગત ટીકા નથી કરી અને કરવા પણ નથી માગતો. આજે સ્થિતિ જુદી છે.’
આદર્શ કૌભાંડ કારણ?
૨૦૧૧માં મુંબઈની આદર્શ સોસાયટીનું કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે અશોક ચવાણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આ કૌભાંડમાં હજી તપાસ ચાલી રહી છે એટલે મુશ્કેલીથી બચવા માટે અશોક ચવાણે બીજેપી સાથે જવાનો નિર્ણય લીધો? એવા સવાલના જવાબમાં અશોક ચવાણે કહ્યું હતું કે ‘આદર્શ સોસાયટી કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો છે. કેટલીક તપાસ એજન્સીએ આ ચુકાદાને પડકાર્યો છે. આથી આ મામલામાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. આ કૌભાંડ એક રાજકીય અકસ્માત હતું. આ મામલામાં મને ઘણું સહન કરવું પડ્યું છે. મને નથી લાગતું કે આ કેસમાં મારા માટે ચિંતાની કોઈ વાત છે. આથી બીજેપીમાં પ્રવેશ સાથે એનો કોઈ સંબંધ નથી.’
અમે ઉપયોગ કરવાનું જાણીએ છીએ
અશોક ચવાણ જેવા કૉન્ગ્રેસના વરિષ્ઠ અને અનુભવી નેતા બીજેપીમાં જોડાવાથી તેમને રાજ્યસભાના સાંસદ બનાવાશે કે બીજી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે? પત્રકારના આવા સવાલના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અશોક ચવાણ વરિષ્ઠ, અનુભવી અને જનતા સાથે જોડાયેલા નેતા છે. તેમને જવાબદારી સોંપવાનો નિર્ણય બીજેપીના વરિષ્ઠ નેતા લેશે. અશોક ચવાણના સાથે આવવાથી નાંદેડની સાથે મહારાષ્ટ્ર અને દેશભરમાં વિકાસના કામને ગતિ આપવામાં મદદ મળશે. અમને તેમની ક્ષમતાનો ખ્યાલ છે એટલે કેન્દ્ર અને રાજ્યમાં તેમનો કેવો અને કેટલો ઉપયોગ થઈ શકે છે એ અમે સારી રીતે જાણીએ છીએ. આ તો હજી શરૂઆત છે. આગળ-આગળ જુઓ કેવા અને કેટલા નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઈને બીજેપીમાં સામેલ થાય છે.’
અશોક ચવાણ નાંદેડની સાથે મરાઠવાડાનું સૌથી મોટું નામ છે. આથી તેમના બીજેપીમાં જવાથી આ ક્ષેત્રની નવ વિધાનસભા અને એક લોકસભા બેઠકમાં બીજેપીની સાથે મહાયુતિને ફાયદો થઈ શકે છે.