ત્રણ વર્ષના ઇન્તજાર બાદ કાલિનાથી BKC માત્ર બે મિનિટમાં પહોંચી શકાશે

07 October, 2024 09:43 AM IST  |  Mumbai | Shirish Vaktania

૧૭ ઝૂંપડાં અને દુકાનોના માલિકો બીજે સ્થળાંતરિત થવા માની ગયા

અપૂર્ણ કાલિના-BKC રોડ પરથી પસાર થતી કાર અને આ ઘરોને ડિમોલિશન કરીને રસ્તો પૂર્ણ કરવામાં આવશે. (તસવીરો : અનુરાગ અહિરે)

કાલિના - બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ને જોડતા રોડનો પ્રોજેક્ટ ત્રણ વર્ષથી અટકી પડ્યો હતો, પણ આ રસ્તામાં આવતા ૧૭ ઝૂંપડાવાસી અને દુકાનોના માલિકો બીજા સ્થળે સ્થળાંતરિત થવા રાજી થયા હોવાથી આખો રસ્તો ટૂંક સમયમાં વાહનધારકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે અને એથી મોટરિસ્ટો બેથી ત્રણ મિનિટમાં કાલિનાથી BKC પહોંચી શકશે. આ કનેક્ટર રોડનું ૯૦ ટકા કામકાજ ત્રણ વર્ષ પહેલાં પૂરું થયું હતું, પણ પચીસ મીટરના પરિસરમાં કામ અટક્યું હતું. વૉચમૅન ચાલ તરીકે ઓળખાતી વસ્તીના રહેવાસીઓ અહીંથી જવા તૈયાર નહોતા, તેમણે કોર્ટમાં કેસ પણ કર્યો હતો. તેમને મુંબઈમાં કુર્લા સહિત ઘણાં સ્થળે રીલોકેશનની ઑફર અપાઈ હતી, પણ થોડા દિવસ પહેલાં તેઓ વેસ્ટર્ન સબર્બમાં જવા માટે રાજી થયા હતા. થોડા દિવસ પહેલાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ આ રસ્તો વાહનધારકો માટે આંશિક રીતે ખુલ્લો મૂક્યો હતો. એક વાર સંપૂર્ણ રીતે ખુલ્લો મુકાયા બાદ આ કનેક્ટર મોટરિસ્ટોની પંદરથી ૨૦ મિનિટની બચત કરાવશે.

કોણ છે વૉચમૅન ચાલના રહેવાસીઓ?
કાલિના-BKC કનેક્ટિવિટી રોડ સાંતાક્રુઝ-ઈસ્ટમાં કાલિનાના CST રોડ પર મુંબઈ યુનિવર્સિટીના મુખ્ય ગેટ પાસેથી શરૂ થાય છે. ૨૦૧૯માં એનું કામકાજ શરૂ થયું હતું. માત્ર વૉચમૅન ચાલ સિવાયનો રસ્તો તૈયાર છે. ૧૭ ઘર અને દુકાનોના માલિકો સ્થળાંતર કરવા તૈયાર નહોતા. તેમનું કહેવું હતું કે ૮૦ વર્ષથી તેઓ અહીં રહે છે. આ ચાલના રહેવાસીઓ મુંબઈ યુનિવર્સિટીમાં વૉચમૅન તરીકે કામ કરતા  હતા અને યુનિવર્સિટીની પાસે જ ઘર બાંધીને રહેતા હતા. ૨૦૨૦-’૨૧માં તેમને મલાડ અને ત્યાર બાદ કુર્લામાં વૈકલ્પિક જગ્યા ઑફર કરવામાં આવી હતી, એ તેમણે ઠુકરાવી દીધી હતી. જોકે હવે તેઓ વેસ્ટર્ન સબર્બમાં જવા તૈયાર થયા છે.

mumbai news mumbai kalina bandra kurla complex mumbai traffic mumbai metropolitan region development authority santacruz