06 December, 2024 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ સાથે વિધાનસભ્ય અભિમન્યુ પવાર.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લીધા હતા. રાજ્યમાં ફરી BJPના મુખ્ય પ્રધાન બનવાને પગલે રાજ્યભરમાં BJPના સમર્થકોએ જોરદાર સેલિબ્રેશન કર્યું હતું. દેવેન્દ્ર ફડણવીસ સાથે ૨૫ વર્ષથી કામ કરી રહેલા લાતુરની ઔસા બેઠકના BJPના વિધાનસભ્ય અભિમન્યુ પવારે તો દેવેન્દ્ર ફડણવીસ ફરી મુખ્ય પ્રધાન બને એ માટે તુળજાભવાની માતાની માનતા રાખી હતી. માતાજી આ ઇચ્છા પૂરી કરશે તો ઔસાથી તુળજાપુરની ૫૭ કિલોમીટરની પગપાળા યાત્રા કરીને માનતા પૂરી કરશે એવા શપથ તેમણે લીધા હતા. ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસ ફરી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે અભિમન્યુ પવારે કહ્યું હતું કે ‘BJPના કાર્યકરો માટે આજે સોનાનો દિવસ છે. પાંચ વર્ષથી અમે આ દિવસની રાહ જોતા હતા. દેવેન્દ્ર ફડણવીસના સહકારી તરીકે ૨૫ વર્ષથી કામ કર્યું છે. આ સમયમાં એક નેતા, મુખ્ય પ્રધાન, વિરોધ પક્ષના નેતા જેવા રોલમાં દેવેન્દ્ર ફડણવીસને જોયા છે. તેઓ અસ્સલ ૨૪ કૅરૅટ સોનું છે. કેટલો સંયમ રાખવો, કેટલું સહન કરવું એ તેઓ બહુ સારી રીતે જાણે છે. પાંચ વર્ષમાં તેમને વિરોધીઓએ ખૂબ અપશબ્દો કહ્યા હતા. આ ટીકા અને અપમાનમાં તપીને તેઓ વધુ મજબૂત થયા છે. તેઓ ફરી મુખ્ય પ્રધાન બને એ માટે મેં તુળજાભવાની માતાની માનતા રાખી હતી. માતાજીએ મારી ઇચ્છા પૂરી કરી છે એટલે હવે ઔસાથી તુળજાપુરની પગપાળા યાત્રા કરીશ.’