21 July, 2024 07:27 AM IST | Mumbai | Bakulesh Trivedi
ગ્રાન્ટ રોડના રુબિનિસ્સા મંઝિલનો સ્લૅબ પડવાથી એની નીચે દબાઈ ગયેલી વ્યક્તિને બહાર કાઢી રહેલા મુંબઈગરાઓ.
મુંબઈમાં ગઈ કાલે પરોઢિયેથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે સવારે ૧૧ વાગ્યે ગ્રાન્ટ રોડ-વેસ્ટમાં સ્ટેશનની સામે જ આવેલા સ્લેટર રોડ પરના વર્ષો જૂના ચાર માળના રુબિનિસ્સા મંઝિલ નામના બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળની ગૅલરીનો ભાગ તૂટી પડ્યો હતો. બિલ્ડિંગના સ્લૅબના મોટા-મોટા ટુકડા નીચે પડ્યા હતા જેને કારણે રસ્તે ચાલતા લોકો પણ એનો ભોગ બન્યા હતા. જોકે એ ઘટના બનતાંની સાથે જ ત્યાં હાજર લોકો મદદે દોડ્યા હતા. એક વ્યક્તિના પગ પર હેવી સ્લૅબનો ટુકડો પડ્યો હતો. લોકોએ ભેગા મળીને એ સ્લૅબનો હેવી ટુકડો દૂર કર્યો હતો અને ઘાયલ માણસને બહાર કાઢ્યો હતો. એ ટુકડો બહુ ભારે હતો, પણ એક જણે પહેલ કરતાં બીજા બધા લોકો જોડાયા હતા અને એકસાથે જોર લગાવીને વરસતા વરસાદમાં એ સ્લૅબ હટાવીને તે માણસને એની નીચેથી બહાર ખેંચી કાઢ્યો હતો. એટલું જ નહીં, લોકોએ કાટમાળ નીચે બીજું કોઈ ફસાયું છે કે કેમ એની પણ તપાસ કરી હતી. સાથે જ એ મકાનના કેટલાક લોકો એ અવાજ સાંભળીને શું થયું એ જોવા તેમના ઘરની ગૅલરીના દરવાજામાં આવી રહ્યા હતા ત્યારે નીચેથી જ લોકોએ તેમને આગળ ન આવવાની બૂમો પાડીને ચેતવ્યા હતા, કારણ કે ત્યાંનો નીચેનો પૉર્શન બહુ જોખમી રીતે લટકી રહ્યો હતો અને ગમે ત્યારે તૂટી પડે એવી શક્યતા હતા. આમ ફાયર-બ્રિગેડ કે પોલીસ આવે એ પહેલાં જ મુંબઈગરાઓએ બચાવકાર્ય ચાલુ કરીને લોકોને હૉસ્પિટલ ભેગા કર્યા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા પંચાવન વર્ષના અતુલ શાહ, ૨૬ વર્ષના નિકેત શાહ અને ૨૫ વર્ષના વિજયકુમાર નિષાદ સહિત એક સિનિયર સિટિઝિન મહિલાને ભાટિયા હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જ્યારે સિદ્ધેશ પાલીજાને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર એમાંથી સિનિયર સિટિઝન મહિલા વીરા વાડિયાનું ગંભીર ઈજા થવાને કારણે મોત થયું હતું, જ્યારે અન્ય લોકોને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી. ચોથા માળે સાતથી આઠ લોકો ફસાયા હતા. ફાયર-બ્રિગેડના જવાનોએ તેમને ઉગારી લીધા હતા. બિલ્ડિંગના બીજા ભાગમાં પણ લોકો હતા. તેમને પણ ફાયર-બ્રિગેડે બચાવી લીધા હતા. કુલ ૩૫થી ૪૦ જણને બચાવી લેવાયા હતા. ફાયર-બ્રિગેડ અને BMCએ સાવચેતીની દૃષ્ટિએ મકાન ખાલી કરાવ્યું હોવાથી મકાનમાલિકે બાજુમાં જ આવેલી હીરા પૅલેસ હોટેલમાં ૧૩ રૂમો રાખીને રહેવાસીઓના રહેવાની વ્યવસ્થા કરી હતી. BMCના જણાવ્યા અનુસાર રુબિનિસ્સા મંઝિલ બહુ જૂની ઇમારત છે અને છ મહિના પહેલાં જ એને જોખમી જાહેર કરીને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.