વેસ્ટર્ન રેલવે સાડાતેર કલાકે પાટે ચડી, પણ સેન્ટ્રલના ધાંધિયા હજી ચાલુ રહેશે

04 June, 2024 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ અને વેસ્ટર્ન બન્ને રેલવેમાં ટેક્નિકલ ફૉલ્ટ આવતાં અઠવાડિયાના પહેલા જ દિવસે મુંબઈગરાનો થયો મરો

બોરીવલી સ્ટેશન પાસે કેબલ કટ થવાને કારણે રવિવારે રાતે સર્જાયેલા ટેક્નિકલ ફૉલ્ટને ગઈ કાલે સવારે રેલવેનો સ્ટાફ રિપેર કરી રહ્યો હતો. ( તસવીર - સતેજ શિંદે)

સેન્ટ્રલ રેલવેમાં રવિવારે ત્રણ દિવસના મેગા બ્લૉક બાદ ગઈ કાલે રાબેતા મુજબ પ્રવાસ કરવા મળશે એવી મુંબઈગરાએ આશા રાખી હતી, પણ સેન્ટ્રલ અને વેસ્ટર્ન બન્ને રેલવેમાં ટેક્નિકલ ફૉલ્ટ આવતાં ટ્રેનો મોડી પડી હતી અને એને કારણે મુંબઈગરાએ અઠવાડિયાના પહેલા જ દિવસે ભારે હેરાનગતિ વેઠવી પડી હતી.  

વેસ્ટર્ન રેલવેમાં રવિવારે રાતે ૧૧.૩૦ વાગ્યાથી જ ધાંધિયા શરૂ થયા હતા. વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે બોરીવલી પાસે સિગ્નલ વાયર કપાઈ ગયો હતો જેથી સિગ્નલ-સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી અને ટ્રેનોની લાઇન લાગી ગઈ હતી. કેટલાક પ્રવાસીઓએ રાતે કાંદિવલી-બોરીવલી વચ્ચે ટ્રૅક પર ઊતરીને ચાલવા માંડ્યું હતું. વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે બોરીવલીના પ્લૅટફૉર્મ નંબર એક અને બે પર ટ્રેનો ન લઈ જતાં બોરીવલીમાં ટર્મિનેટ થતી ટ્રેનોને પ્લૅટફૉર્મ નંબર ૩, ૪ અને પાંચ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી એને લીધે અનેક ટ્રેનો મોડી પડી હતી. સાડાતેર કલાક બાદ બોરીવલીના ૧ અને ૨ નંબરના પ્લૅટફૉર્મ પરથી ટ્રેન શરૂ કરવામાં આવી હતી.

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોમાસાની તૈયારીનું કામ ચાલતું હતું એ દરમ્યાન કેબલ કપાવાને કારણે સિગ્નલ ફેલ્યર થયું હતું. એ રેક્ટિફાય કરવામાં આવ્યું હતું પણ એમાં ફરી પાછો ફૉલ્ટ આવ્યો હતો. ગઈ કાલે પણ એને કારણે જ ટ્રેનો લેટ થઈ હતી.’  

બોરીવલી સ્ટેશને સિગ્નલ-સિસ્ટમ પડી ભાંગતાં ટાઇમ-ટેબલ ખોરવાયું હતું અને પ્લૅટફૉર્મ પર ભારે ગિરદી થઈ હતી. સવારના પીક-અવર્સમાં ટ્રેનો અટકી જતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

સેન્ટ્રલ રેલવેમાં મોડી સાંજ સુધી ફૉલ્ટ પર કામ ચાલી જ રહ્યું હતું જેને કારણે ટ્રેનોના ધાંધિયા જ હતા. સવારે હેરાન થઈને ઑફિસ ગયેલા મુંબઈગરાઓએ સાંજે પણ હેરાન થવું પડ્યું હતું. CSMTનાં પ્લૅટફૉર્મ્સ પૅસેન્જરોથી ખીચોખીચ ભરાઈ ગયાં હતાં.  (આશિષ રાજે)

જોકે વેસ્ટર્ન રેલવેએ પીક-અવર્સમાં વધારાની ૩૫ ટ્રેનો દોડાવી હતી. એ વિશે માહિતી આપતાં સુમીત ઠાકુરે કહ્યું હતું કે ‘બોરીવલીના સ્લો ટ્રૅક પર સિગ્નલ-ફેલ્યર થયું હતું જેથી અમે કેટલીક વધારાની ટ્રેનો ગોરેગામ સુધી દોડાવી હતી તો અમુક ટ્રેનો ભાઈંદર અને વસઈ-વિરાર માટે ફાસ્ટ ટ્રૅક પર દોડાવી હતી.’

થાણે સ્ટેશન પર એક્સટેન્ડ કરાયેલા  પ્લૅટફૉર્મમાં ૨૪ કલાકમાં તિરાડો પડી
સેન્ટ્રલ રેલવેએ મેગા બ્લૉક દરમ્યાન થાણેમાં પ્લૅટફૉર્મ નંબર પાંચ અને છને ૩ મીટર પહોળું કર્યું હતું. આખા પ્લૅટફૉર્મને પહોળું કરવા ૭૮૫ પ્રીકાસ્ટ હૉલો બ્લૉક્સનો ઉપયોગ કરાયો હતો.​ આ નવા બનાવાયેલા ભાગમાં ૨૪ કલાકમાં જ તિરાડો પડી ગઈ હતી એટલે એ તિરાડો સાંધી લેવાનું કામ હાથ ધરાયું હતું. જોકે તિરાડો પડી હોવાને કારણે પ્રવાસીઓમાં એ કામની ક્વૉલિટી બાબતે શંકા જાગી હતી.

સેન્ટ્રલ રેલવે દ્વારા ગયા ગુરુવારથી ૬૩ કલાકનો બ્લૉક લઈ આ કામ હાથ ધરાયું હતું. જોકે કામ પત્યાના ૨૪ કલાકમાં જ અેના પર તિરાડો દેખાઈ હતી. આ બાબતે સેન્ટ્રલ રેલવેના એક ઑફિસરે કહ્યું હતું કે ‘જેવું એ કામ પત્યું કે તરત જ પ્લૅટફૉર્મ ચાલુ કરી દેવાયું હતું. આ નવા બનાવાયેલા ભાગને કંતાનની ગૂણીઓ મૂકીને કવર કરાયો હતો. જોકે તિરાડો પડી હોવાની જાણ થતાં તરત જ સંબંધિત ઑફિસરને એની જાણ કરાઈ હતી અને એ તિરાડો ભરી લેવાનું કહેવાયું હતું.’ 

ટ્રેનો સમયસર દોડી ન રહી હોવાથી બોરીવલી સ્ટેશને પર ગઈ કાલે સવારે સખત ભીડ થઈ ગઈ હતી અને લોકો ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા હતા.  (સતેજ શિંદે)

મુંબઈગરાએ મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો

અનેક પ્રવાસીઓએ મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો હતો એને કારણે મેટ્રો સ્ટેશન પર પણ ગિરીદી જામી હતી. એને જોતાં મેટ્રોએ વધુ ટ્રેનો દોડાવી હતી. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઓથૉરિટી (MMRDA)નાં પ્રવક્તા સ્વાતિ લોખંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ વેસ્ટર્ન રેલવેમા ટેક્નિકલ ફૉલ્ટ આવતાં લોકોએ મેટ્રોના બોરીવલી રાષ્ટ્રીય ઉદ્યાન અને મલાડના કુરાર સ્ટેશન પર ધસારો કર્યો હતો. MMRDAના કમિશનર સંજય મુખરજીએ પણ ખાસ ઇન્સ્ટ્રક્શન આપીને વધુ ટ્રેનો દોડાવવાનો આદેશ આપ્યો હતો. પીક-અવર્સમાં મેટ્રો 2A અને મેટ્રો-7 ઉપર ૨૧ ટ્રેન દોડે છે જેમાં અમે ૪ ટ્રેન વધારી હતી અને એ ચાર ટ્રેનમાં સાંજે ૬ વાગ્યા સુધી ૧૬ સર્વિસ આપી હતી. જોકે અચાનક ટ્રેનો વધારવાનું થોડું મશ્કેલ હોય છે, કારણ કે રેગ્યુલર ટ્રેનનું ટાઇમ-ટેબલ સેટ થયેલું હોય છે. નૉર્મલી મેટ્રોમાં અમે દર ૭.૨૯ મિ​નિટે એક ટ્રેન દોડાવીએ છીએ. ગઈ કાલે વધુ ટ્રેનો દોડાવતાં સમયમાં ઘટાડો કર્યો હતો.’ 

સેન્ટ્રલ રેલવેમાં નવી બેસાડેલી ઇન્ટર લૉકિંગ સિસ્ટમમાં ફૉલ્ટ

સેન્ટ્રલ રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને થાણેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ સાથે જ સિગ્નલ-સિસ્ટમ અને નવી ઇલેક્ટ્રૉનિક્સ ઇન્ટર લૉકિંગ સિસ્ટમ બેસાડવાનાં અન્ય કામ પણ થયાં હતાં. જોકે એ નવી બેસાડેલી ઇલેક્ટ્રૉનિક ઇન્ટર લૉકિંગ સિસ્ટમમાં ફૉલ્ટ આવ્યો હતો જેથી સિગ્નલ- સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી અને ટાઇમ-ટેબલ ખોરવરાયું હતું. સેન્ટ્રલ રેલવેએ એમ પણ કહ્યું હતું કે ‘ઇન્ટર લૉકિંગ સિસ્ટમમાં કેટલીક બાબતો ટ્રેન દોડે એ પછી જ સામે આવે છે અને એવું જ બન્યું હતું જેને કારણે આ ફૉલ્ટ આવ્યો હતો એટલે ટ્રેનો મોડી પડી હતી. અમે એ ફૉલ્ટને સુધારવાનાં પગલાં લીધાં છે.’

જોકે એક અધિકારીએ કહ્યું હતું કે એક રીતે અત્યારે આ નવી ઇન્ટર લૉકિંગ સિસ્ટમનું લાઇવ ટેસ્ટિંગ ચાલી રહ્યું હોવાથી હજી બે-ત્રણ દિવસ સેન્ટ્રલ રેલવે મોડી દોડતી જોવા મળી શકે છે.

mumbai news mumbai central railway western railway mumbai trains mumbai local train thane chhatrapati shivaji terminus