10 February, 2023 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટમાં ગઈ કાલે મહત્ત્વના સમાચાર આવ્યા હતા. બૉમ્બે હાઈ કોર્ટે વિક્રોલીની જમીન બાબતે ગોદરેજ કંપનીની અરજી ફગાવી દીધી હતી. જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફાળવવા માટેના બે અઠવાડિયાં પહેલાં આપવામાં આવેલા ચૂકાદા પર સ્ટે મૂકવાની માગણી અરજીમાં કરવામાં આવી હતી. જોકે બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે દેશ અને જનહિતના પ્રોજેક્ટને જમીન-સંપાદન કરવાના કારણસર અટકાવી ન શકાય.
હાઈ કોર્ટની ખંડપીઠે ગોદરેજ કંપનીએ કરેલી અરજીની સુનાવણીમાં ગઈ કાલે કહ્યું હતું કે ‘મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આ દેશનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી એનું રાષ્ટ્રીય મહત્ત્વ છે અને એ જનહિતમાં છે. વિવાદને લીધે પહેલેથી જ પ્રોજેક્ટ મોડો પડ્યો છે, એથી આ પ્રોજેક્ટને વધુ સમય લંબાવવો યોગ્ય નથી. આથી ગોદરેજ કંપનીએ જમીન હસ્તગત કરવા બાબતે કરેલો દાવો માન્ય ન કરી શકાય.’
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે વિક્રોલીમાં આવેલી ગોદરેજની જમીન મેળવવા માટે વળતર તરીકે ૨૬૪ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે અને વિક્રોલીમાં આવેલી ૧૦ હેક્ટરની જમીન હસ્તગત કરવાની તૈયારી શરૂ કરી છે. સરકારનું આટલું વળતર પૂરતું ન હોવાનો દાવો કરીને ગોદરેજ કંપનીએ બૉમ્બે હાઈ કોર્ટમાં ધા નાખી હતી અને જમીન હસ્તગત કરવાની કાર્યવાહીને સ્થગિત કરવાની માગણી કરી હતી. જોકે હાઈ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે, આથી બુલેટ ટ્રેન માટે જરૂરી વિક્રોલીની ગોદરેજની જમીન મેળવવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.
ગોદરેજ ઍન્ડ બોયઝ કંપનીના વિરોધને લીધે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જરૂરી જમીન મેળવવામાં વિલંબ થયો છે જેને લીધે સરકારની તિજોરી પર ૧૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડ્યો હોવાનું રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું. સરકારના વકીલે આ બાબતે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું જેમાં નોંધવામાં આવ્યું છે કે જમીન હસ્તગત કરવા માટેની પ્રક્રિયામાં ગોદરેજ ઍન્ડ બોયઝ કંપનીએ વારંવાર અડચણ ઊભી કરી છે.
બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ આર. ડી. ધાનુકા અને જસ્ટિસ એમ. એમ. સાઠ્યેની ખંડપીઠે ગોદરેજ કંપનીની અરજી ફગાવી દીધી હતી.