રાજ્ય સરકારે ૨૦,૦૦૦ કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો

08 July, 2024 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હંમેશાં ભારે ટ્રાફિકથી જૅમ રહેતા ઘોડબંદર રોડના વિકલ્પ તરીકે ભાઈંદર સુધી ૧૫.૫ કિલોમીટરનો નવો રોડ બનાવવામાં આવશે

ટ્રાફિક

મીરા રોડ અને ભાઈંદર તેમ જ મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેને જોડતા થાણેના ઘોડબંદર રોડમાં થઈ રહેલી ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવવા માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં ઘોડબંદર રોડ પર ગાયમુખથી ભાઈંદર-વેસ્ટ સુધી ૧૫.૫ કિલોમીટર લંબાઈનો નવો માર્ગ બનાવવામાં આવશે. આમાં ૩.૫ કિલોમીટરની અન્ડરગ્રાઉન્ડ ટનલ હશે અને બાકીનો રસ્તો એલિવેટેડ હશે.

MMRDAના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ નવા પ્રોજેક્ટને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલા ભાગમાં ગાયમુખથી ફાઉન્ટન હોટેલ સુધી ૫.૫ કિલોમીટરનો રસ્તો તૈયાર કરવામાં આવશે. ગાયમુખ પાસેના પહાડ અને નૅશનલ પાર્કના જંગલમાંથી પસાર થતા આ રસ્તામાં ૩.૫ કિલોમીટર લંબાઈની અન્ડરગ્રાઉન્ડ ટનલ હશે, જ્યારે બાકીનો બે કિલોમીટરનો માર્ગ જમીનની ઉપર બનાવવામાં આવશે.’

પ્રોજેક્ટના બીજા ભાગમાં ફાઉન્ટન હોટેલ અને ભાઈંદર-વેસ્ટ સુધી ૧૦ કિલોમીટર લંબાઈનો એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. આ નવો રસ્તો અત્યારના હાઇવેની ઉપર બાંધવામાં આવશે, જેમાં ચાર લેન હશે.

આ પ્રોજેક્ટ શા માટે મહત્ત્વનો છે?

ઘોડબંદર રોડ પર અવારનવાર ટ્રેલર પલટી જવાની ઘટના બને છે, જેને લીધે કલાકો સુધી રસ્તો જૅમ થઈ જાય છે. મુંબઈ, થાણે, નાશિક, ભિવંડીથી ગુજરાત અને રાજસ્થાન જવા અને આવવા માટેનાં વાહનો ઘોડબંદર રોડમાંથી પસાર થાય છે. ઘોડબંદર રોડ પર છેલ્લાં કેટલાંક વર્ષમાં સારુંએવું ડેવલપમેન્ટ થયું છે એટલે આસપાસ વસતિમાં વધારો થયો છે એટલે સ્થાનિક વાહનોની સંખ્યા પણ વધી છે જેને કારણે આ રસ્તાની ટ્રાફિકમાં જબરદસ્ત વધારો થયો છે. ઘોડબંદર રોડના વિકલ્પ તરીકે નવા રોડની જરૂર હતી એટલે રાજ્ય સરકારે નવા પ્રોજેક્ટને મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું હતું.

ફાઉન્ટન હોટેલના જંક્શનનો ટ્રાફિક ઘટશે

ફાઉન્ટન હોટેલથી ભાઈંદર વચ્ચે ૧૦ કિલોમીટરનો એલિવેટેડ રસ્તો તૈયાર થઈ ગયા બાદ હોટેલના જંક્શન પાસે ટ્રાફિક-જૅમથી છુટકારો મળશે. ગુજરાત અને રાજસ્થાનથી મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે. બહારગામનાં વાહનો ફાઉન્ટન હોટેલ સુધીના જંક્શન સુધી પહોંચી જાય છે, પણ તેઓ અહીંના ટ્રાફિકમાં અટવાઈ જાય છે. એને લીધે ઘણી વાર ફાઉન્ટન હોટેલથી મુંબઈ કે આસપાસના ઘરે પહોંચવામાં લોકોને કલાકો લાગી જાય છે.

થાણેથી વેસ્ટર્ન સબર્બ્સ પણ સરળતાથી પહોંચી શકાશે

MMRDAએ ઘોડબંદર રોડને ટ્રાફિકમુક્ત કરવા માટે છેલ્લાં કેટલાંક વર્ષથી પ્લાન બનાવી રાખ્યો છે. ગાયમુખથી ભાઈંદર સુધીનો નવો રસ્તો બનાવવાની યોજના પહેલાં થાણેમાં કોસ્ટલ રોડનો પ્લાન બનાવ્યો છે. આ કોસ્ટલ રોડ બાલકુમથી ગાયમુખ વચ્ચેનો હશે. આ સિવાય ઘોડબંદર રોડથી ડાયરેક્ટ બોરીવલી પહોંચી શકાય એ માટે ૧૧.૮ કિલોમીટર લંબાઈની ટ્વિન ટનલનો પ્રોજેક્ટ પણ જલદી શરૂ થવાની શક્યતા છે. ૩-૩ લેનની આ ટનલ બની ગયા બાદ વેસ્ટર્ન એક્સપ્રેસવેથી ઈસ્ટર્ન એક્સપ્રેસવે સુધી પહોંચી શકાશે.

mumbai news mumbai traffic police mumbai traffic ghodbunder road bhayander mumbai metropolitan region development authority