21 May, 2023 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સીબીઆઇની ઑફિસમાં પૂછપરછ માટે આવેલા સમીર વાનખેડે
કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં પકડાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને છોડવા ૨૫ કરોડ રૂપિયાની લાંચ માગવાનો આરોપ ધરાવતા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના તત્કાલીન ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની સીબીઆઇએ ગઈ કાલે પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી.
બીકેસીમાં આવેલી સીબીઆઇની ઑફિસમાં પૂછપરછ માટે બોલાવાતાં સમીર વાનખેડે સવારે ૧૦.૧૫ વાગ્યે જ ત્યાં પહોંચી ગયા હતા. ત્યાર બાદ બપોરના બે વાગ્યે અડધો કલાકનો લંચ-બ્રેક અપાયો હતો અને એ પછી પૂછપરછનો બીજો દોર ચાલ્યો હતો જે સાંજના ૪.૩૦ સુધી ચાલ્યો હતો. સમીર વાનખેડેએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. સવારના સમયે જ્યારે પત્રકારોએ તેમને સવાલ કર્યા ત્યારે સત્યમેવ જયતે એટલું જ બોલીને એન્ટર થઈ ગયા હતા.
સીબીઆઇમાં સમીર વાનખેડે અને અન્ય ચાર જણ સામે આ કેસ નોંધાયો છે. આ ઉપરાંત હાલ સમીર વાનખેડે જે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્ડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સના અધિકારી છે એના દ્વારા પણ તેમની સામે ખાતાકીય તપાસ ચાલુ કરાય એવી શક્યતા દર્શાવાઈ રહી છે.