20 May, 2023 09:30 AM IST | Mumbai | Faizan Khan
આર્યન ખાનની ધરપકડ કરાઈ એ દિવસની તસવીર
‘મિડ-ડે’ને ખબર પડી છે કે એનસીબીના પોતાના વિજિલન્સ વિભાગમાંથી સીસીટીવી કૅમેરાનું મહત્ત્વનું ફુટેજ કેવી રીતે ગુમ થઈ ગયું એની તપાસ સીબીઆઇ કરવાની છે
એનસીબીના એક ઉચ્ચ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે વિજિલન્સ ટીમ જે દિવસે શહેરમાં પહોંચી એ જ દિવસે મુંબઈની ઝોનલ ઑફિસમાંથી ડીવીઆર અને સીસીટીવી કૅમેરાનું ફુટેજ ખરાબ થઈ ગયાં હતાં. આ સૂત્રોએ જણાવ્યું હતું કે એનસીબીની મુંબઈ ઝોનલ ઑફિસમાંથી સીસીટીવી કૅમેરાના ફુટેજ સાથે ચેડાં કોણે કર્યાં એ વાતની સીબીઆઇ તપાસ કરશે. ગયા વર્ષે આર્યન ખાનની ધરપકડ કરનાર વિવાદોમાં ઘેરાયેલા આઇએએસ અધિકારી સમીર વાનખેડે એ સમયે ઑફિસમાં ઇન્ચાર્જ હતા. પાછળથી એનસીબીની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા આર્યન ખાનની ધરપકડમાં અનેક ગેરવ્યવસ્થાના દાખલા જોવા મળતાં તેને ક્લીન-ચિટ આપવામાં આવી હતી.
એનસીબીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે વિજિલન્સ ટીમ ૨૫ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ ગઠિત કરાઈ હતી તથા સમીર વાનખેડે અને એનસીબીના અન્ય અધિકારી વિરુદ્ધ ભૂતપૂર્વ કૅબિનેટ પ્રધાન નવાબ મલિક દ્વારા કરાયેલા આક્ષેપોની તપાસ કરવા એસઆઇટી એ જ દિવસે મુંબઈ પહોંચી હતી. વિજિલન્સ ટીમે મુંબઈ પહોંચીને આર્યન ખાનની ધરપકડના દિવસે શું બન્યું હતું એ તપાસવા માટે એનસીબીની મુંબઈ ઑફિસમાંથી સીસીટીવી કૅમેરાના ફુટેજની માગણી કરી હતી. તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે અમે વાસ્તવમાં એ દિવસે ઑફિસની અંદર શું બન્યું હતું એ ચેક કરવા માગતા હતા, પરંતુ સીસીટીવી કૅમેરાનું ફુટેજ અમે એનસીબીની મુંબઈની ઑફિસમાં પહોંચ્યા એ જ દિવસે ખરાબ થઈ ગયું હતું.
પદાધિકારીઓએ પછીથી જણાવ્યું હતું કે ડિજિટલ વિડિયો રેકૉર્ડર (ડીવીઆર)ના વાયર ઉંદરે કોતરી ખાધા હોવાથી એ કામ કરતું બંધ થઈ ગયું હતું. વિજિલન્સ રિપોર્ટમાં જણાવાયું હતું કે તેમને સોંપવામાં આવેલું ડીવીઆર જુદું હતું તથા જાણીજોઈને એની સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં. રિપોર્ટમાં વધુમાં ઉમેરાયું હતું કે સચ્ચાઈની ખાતરી કરવા એસઆઇટીએ એનસીબી અધિકારીનાં સીસીટીવી કૅમેરાનાં ઉપકરણો એકઠાં કર્યાં હતાં, જે બગડી ગયાં હોવાનું જણાયું હતું. મુંબઈ ઑફિસ દ્વારા આપવામાં આવેલાં ડીવીઆર અને હાર્ડ ડિસ્ક જુદાં હતાં. ઝોનના આ પગલાથી ફલિત થાય છે કે સીસીટીવી કૅમેરાના ફુટેજમાં કંઈક વિશેષ જાણવા જેવી બાબત હતી જે જાણીજોઈને સોંપવામાં નહોતું આવ્યું.
સમીર વાનખેડેને સીસીટીવી કૅમેરાના ફુટેજ વિશે પ્રશ્ન કરવામાં આવતાં તેમણે પોતાને કશી જાણ ન હોવાનું કહીને એની દેખરેખની જવાબદારી તેમના સહયોગીની હોવાનું કહ્યું હતું. હાલમાં ભ્રષ્ટાચાર અને ખંડણીના કેસની તપાસ કરી રહેલી સીબીઆઇ સીસીટીવી કૅમેરાનું ફુટેજ ચોક્કસ એ જ દિવસે કેવી રીતે ખરાબ થયું એની પણ તપાસ કરશે.
આ જ રીતે મુંબઈ પોલીસ દ્વારા ગઠિત કરાયેલી એસઆઇટીએ આર્યન ખાનના કેસમાં રહેલી ભૂલો શોધી હતી. એસઆઇટીએ જોયું હતું કે આર્યન ખાનની ધરપકડ વખતે કરાયેલા પંચનામા વખતે પંચમાં સ્થાન પામેલા મહત્ત્વના સાક્ષી સ્વર્ગસ્થ પ્રભાકર સેઇલ મુંબઈ ઇન્ટરનૅશનલ ક્રૂઝ ટર્મિનલની બહાર ઊભા હતા. મુંબઈ પોલીસના એક સૂત્રે કહ્યું હતું કે પંચનામા વખતે પંચે ઘટનાસ્થળ પર હાજર રહેવું જરૂરી છે, પરંતુ તેઓ હાજર નહોતા જે એક પ્રકારની બેદરકારી છે.
મુંબઈ એસઆઇટીએ શાહરુખ ખાનની મૅનેજર પૂજા દદલાણી પોતાનું સ્ટેટમેન્ટ આપવા હાજર રહી ન હોવાથી કેસ ફાઇલ કર્યો નહોતો. જોકે એસઆઇટી સમક્ષ સત્તાવાર રીતે જે પુરાવાઓ રજૂ કરાયા હતા એ એનસીબીની વિજિલન્સ ટીમ સાથે શૅર કરવામાં આવ્યા હતા. મની ટ્રેઇલ સીસીટીવી ફુટેજ સાથે સાબિત થઈ હતી, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે એને વિવિધ લોકો સુધી લઈ જવામાં આવ્યું હતું અને જ્યારે આરોપો મૂકવામાં આવ્યા હતા ત્યારે તે પાછા ફર્યા હતા. જો આ ફુટેજ એનસીબીના અધિકારીઓ તરફ દોરી જાય તો અમે વધુ વાતને સાબિત કરવામાં સફળ થયા હોત, પરંતુ ફરિયાદી દ્વારા એફઆઇઆર નોંધાવવામાં નહોતો આવ્યો અને પીડિતો આગળ નહોતા આવ્યા એમ તપાસમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું.
સમીર વાનખેડેએ તેમના વકીલ રિઝવાન મર્ચન્ટ દ્વારા જણાવ્યું હતું કે મુંબઈ પોલીસની એસઆઇટીને તપાસ દરમ્યાન કંઈ જાણવા મળ્યું નથી તથા તેમની સામેની ઇન્ક્વાયરી બંધ કરી દેવામાં આવી છે.