15 June, 2023 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે કોર્ડેલિયા ક્રૂઝ શિપના ૨૦૨૧ના ડ્રગ્સ મામલે લાંચ લેવાના કેસના આરોપી સેનવિલે ઉર્ફે સૅમ ડિસોઝાને આગોતરા જામીન આપવાની ના પાડી હતી. ગુનાની ગંભીરતાને જોતાં તેની કસ્ટડીમાં પૂછપરછની જરૂર હોવાનું કોર્ટને લાગ્યું હતું. મુંબઈના નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે આ લાંચ કેસના મુખ્ય આરોપી છે, જેમાં ડ્રગ્સ સંબંધી કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યનને બચાવવા માટે ૨૫ કરોડ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી અને આખરે પતાવટ ૧૮ કરોડ રૂપિયામાં થઈ હતી. આરોપી સૅમ ડિસોઝાએ મુખ્ય આરોપી તરફથી ૫૦ લાખ રૂપિયા ટોકન રકમ પણ લીધી હતી. આરોપીએ તેની જામીનઅરજીમાં એવો દાવો કર્યો હતો તેના પર મૂકવામાં આવેલા આરોપો ખોટા છે. શાહરુખ કે આર્યન ખાન દ્વારા આ મામલે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.