22 August, 2024 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડબલ ડેકર બસ
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (BEST-બેસ્ટ)ની ડબલ ડેકર બસ પંદર વર્ષ કરતાં વધુ જૂની થઈ જવાથી બેસ્ટના કાફલામાંથી એ પાછી ખેંચી લેવામાં આવી છે. ડબલ ડેકર છેલ્લે ૨૦૨૩ની ૧૫ સપ્ટેમ્બરે મુંબઈના રોડ પર ચાલી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના એક અધિકારીના જણાવ્યા મુજબ પાછી ખેંચવામાં આવેલી ત્રણ ડબલ ડેકર બસમાં આર્ટ ગૅલરી, કૅફેટેરિયા અને લાઇબ્રેરી જેવી સુવિધા શરૂ કરવામાં આવશે. અત્યારે વડાલાના વર્કશૉપમાં મૂકવામાં આવેલી આ બસમાં કામ લગભગ પૂરું થઈ ગયું છે. આ બસને દક્ષિણ મુંબઈના વાય. એમ. રોડ, ક્રૉફર્ડ માર્કેટ અને શાલિમાર જંક્શન સામે એમ ત્રણ જંક્શનમાં ઊભી રાખવામાં આવશે. આવતા મહિને બચત ગટના માધ્યમથી આ બસમાં આર્ટ ગૅલરી, કૅફેટેરિયા અને લાઇબ્રેરીની સુવિધા ચલાવવામાં આવશે જેનો લાભ મુંબઈકર સહિત પર્યટકો પણ લઈ શકશે.