આદિત્ય ઠાકરેને મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ, પોતાને ગણાવે છે સુશાંતનો બિગ ફેન

23 December, 2021 06:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે

આદિત્ય ઠાકરે

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ (Mumbai Crime Branch)ના સાયબર સેલે મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. જયસિંહ રાજપૂત નામના આ વ્યક્તિની સાયબર સેલે બેંગ્લોરથી ધરપકડ કરી છે. જયસિંહ રાજપૂત પોતાને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો ચાહક ગણાવે છે.

સૂત્રોએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા રાજપૂતે મોડી રાત્રે આદિત્ય ઠાકરેને ફોન કર્યો હતો, પરંતુ તેમણે કોલનો જવાબ આપ્યો ન હતો. આ પછી રાજપૂતે ધમકીભર્યા મેસેજ મોકલવાનું શરૂ કર્યું. ધમકી આપનાર રાજપૂતે મેસેજમાં લખ્યું, `તમે સુશાંત સિંહ રાજપૂતને મારી નાખ્યા છે, આગળનો નંબર તમારો હશે.` ત્યારપછીના મેસેજમાં તેણે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.

આરોપીઓની ધરપકડ બાદ મીડિયા સાથે વાત કરતા રાજ્યના મંત્રી નવાબ મલિકે કહ્યું કે જે રીતે આદિત્ય ઠાકરેને ધમકીભર્યો પત્ર મળ્યો, અમને શંકા છે કે શું તે સંગઠનો સાથે સંબંધિત છે જેમણે (નરેન્દ્ર) દાભોલકર અને (ગોવિંદ) પાનસરેની હત્યા કરી છે. મને પણ આવી ધમકીઓ મળી છે. અમે રાજ્ય સરકારને આ અંગે તપાસ કરવા પત્ર લખ્યો છે.

aaditya thackeray mumbai news mumbai