ઘાટકોપરમાં આખરે માથાભારે ફેરિયાઓની ધરપકડ

27 October, 2024 08:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલાં પોલીસે ફેરિયાઓની સામે પડેલા લોકો પર લાઠીચાર્જ કર્યો અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ, પણ પછી ભૂલ સુધારી

ઘાટકોપર-વેસ્ટના મહાત્મા ગાંધી રોડ પર જ્યાં ધમાલ થયેલી એ સ્થળે ગઈ કાલે ફેરિયાઓ ગાયબ હતા અને પોલીસનો બંદોબસ્ત હતો.

ઘાટકોપર-વેસ્ટના સ્ટેશનની આસપાસના વિસ્તારમાં રોડ અને ફુટપાથને રોકીને બેસતા ફેરિયાઓના વિરોધમાં અને તેમને હટાવવા છેલ્લાં દોઢ વર્ષથી ઘાટકોપરનો એક મરાઠી પત્રકાર પ્રશાંત બઢે અને અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળ સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓને સાથે રાખીને ઝુંબેશ ચલાવી રહ્યા છે. આમ છતાં મુંબઈ મહાનગરપાલિકા અને પોલીસ ઘાટકોપર-વેસ્ટમાંથી ફેરિયાઓને હટાવવામાં નિષ્ફળ ગઈ હોવાથી શુક્રવારે આ બાબતમાં જાગરૂકતા લાવવાના ઉદ્દેશથી મરાઠી પત્રકાર, અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળના પદાધિકારીઓ અને સ્થાનિક દુકાનદારો મહાત્મા ગાંધી રોડ પર ફેરિયાઓને લીધે થતા ટ્રાફિક જૅમનું ફેસબુક લાઇવ કરવા ગયા હતા જેનાથી ઉશ્કેરાયેલા ફેરિયાઓએ ‘આમ્હી દુકાન કુઠે લાવણાર’ કહીને તે લોકો સાથે ગાળાગાળી, ધક્કામુક્કી અને મારામારી શરૂ કરતાં મામલો બીચક્યો હતો જેને કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. જોકે પોલીસે ફક્ત ઝુંબેશકારો પર જ લાઠીચાર્જ અને તેમની જ ધરપકડ કરતાં માહોલ ગરમાયો હતો. આખરે ઝોન-૭ના ડેપ્યુટી પોલીસ-કમિશનરે મધ્યસ્થી કરીને મામલાને શાંત કર્યા બાદ ઘાટકોપર પોલીસે ૧૨ જણ સામે લોકસેવક પર હુમલો કરવાનો અને તોફાન કરવાનો ગુનો નોંધીને ચાર જણની ધરપકડ કરી હતી.

અમે ફેરિયાઓની વિરુદ્ધમાં ફેસબુક પર લાઇવની શરૂઆત કરી ત્યારથી જ અમારી આસપાસ ફેરિયાઓ ઘુમરાવા લાગ્યા હતા, એમ જણાવતાં પ્રશાંત બઢેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં તો તેમણે અમારો વિડિયો લેવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ અચાનક રાતના ૮.૧૫ વાગ્યાની આસપાસ આ ફેરિયાઓએ તેમના નેતાના કહેવાથી અમારા પર હુમલો કર્યો હતો. નવાઈની વાત તો એ હતી કે આ સમયે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસો ત્યાં ફરજ પર હાજર હતા. તેમની સામે જ અમારા પર હુમલો થવા છતાં તેઓ તમાશો જોઈ રહ્યા હતા. અચાનક ડ્યુટી પર હાજર પોલીસોને ઉપરથી આદેશ મળતાં તેમણે અમારા પર હુમલો કરનારા ફેરિયાઓને બદલે અમારા પર લાઠીચાર્જ કર્યો હતો. અમે એનો વિરોધ કરતાં અને જનમેદની જામી જતાં પોલીસ અમને ગુનેગાર હોય એવી રીતે કૉલર પકડીને પોલીસ-વૅનમાં બેસાડીને ઘાટકોપર પોલીસ-સ્ટેશન લઈ ગઈ હતી જ્યાં અમારી પર રમખાણ કરવાનો આક્ષેપ કરીને તેઓ ગુનો નોંધવાના હતા, પરંતુ કેટલાક ટોચના રાજકારણીઓના ફોન આવતાં તથા ઈશાન મુંબઈના પત્રકારો તેમ જ ઝોન-૭ના ડેપ્યુટી પોલીસ-કમિશનર વિજય સાગર પોલીસ-સ્ટેશનમાં હાજર થઈ જતાં અમારી સામે ગુનો નોંધવાનો નિર્ણય પાછો લઈને ઘાટકોપર પોલીસે ગુંડાગીરી કરનારા ફેરિયાઓ સામે ગુનો નોંધીને ચાર જણની ધરપકડ કરી હતી. અમે અમારી સામે ગેરકાયદે લાઠીચાર્જનો આદેશ આપનારા અને લાઠીચાર્જ કરનારા પોલીસ-અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.’

ડીસીપી શું કહે છે?

ઝોન-૭ના ડેપ્યુટી પોલીસ-કમિશનર વિજય સાગરે આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજના ઘાટકોપર-વેસ્ટના મહાત્મા ગાંધી રોડ પર બનેલા બનાવમાં અમે ઝુંબેશકારોએ કરેલી ફરિયાદને આધારે ૧૨ જણ સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી ૫૮ વર્ષના અબ્દુલ કરીમ શેખ, ૫૪ વર્ષના હુસૈન દાદુ કાલાવતાર, ૩૨ વર્ષના આશિષકુમાર દયાશંકર પાંડે અને ૨૯ વર્ષના જમીલ તાયબા હુસૈન શેખની ધરપકડ કરી છે. ગઈ કાલે સવારથી અમે ઘાટકોપર સ્ટેશનની આસપાસના વિસ્તારમાંથી ફેરિયાઓને હટાવીને ત્યાં પોલીસપહેરો ગોઠવી દીધો છે. અમે આખા મામલાની વધુ તપાસ કરી રહ્યા છીએ.’

mumbai news mumbai ghatkopar mumbai police Crime News mumbai crime news