27 August, 2021 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છોટા રાજન (તસવીર સૌજન્ય મિડ-ડે)
મુંબઈના બિલ્ડરને ધમકી આપીને તેની પાસેથી ખંડણી માગવાના આરોપસર નોંધાયેલા કેસમાં ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલે ૧૯ ઑગસ્ટે અનંત શેટ્ટીની ધરપકડ કરી હતી અને ૨૧ ઑગસ્ટે હેમંત બનકરની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં છોટા રાજનના એક વખતના સાગરીત વિજય શેટ્ટીની પણ ધરપકડ કરાઈ છે. વિજય શેટ્ટીએ બિલ્ડરને ધમકાવતા ફોન કર્યા હતા અને ખંડણી આપવા કહ્યું હતું.
આ કેસની માહિતી આપતાં એક ઑફિસરે કહ્યું હતું કે ‘ફરિયાદી બિલ્ડર ડેવલપરની ૨૦૧૮માં હેમંત બનરકર સાથે ઓળખાણ થઈ હતી અને તેણે હેમંત બનકરને તેના દુબઈના બિઝનેસમાં નાણાકીય સહાય કરી હતી. જોકે થોડા વખતમાં તેને જાણ થઈ કે બનકરની યુકેમાં રહેતી પત્ની અને પુત્રએ તેના અકાઉન્ટમાંથી તેની બનાવટી સિગ્નેચર કરીને પૈસા કઢાવ્યા છે. બિલ્ડરે એ પૈસા હેમંત બનકર પાસે પાછા માગવાનું શરૂ કર્યું ત્યારે બનકરે તેનો ફોન જ બંધ કરી દીધો હતો. ત્યાર બાદ તેને ૧૬ જુલાઈએ ગૅન્ગસ્ટર વિજય શેટ્ટીનો ફોન આવ્યો હતો. તેણે બનકર સામે જો કોઈ પણ લીગલ ઍક્શન લીધી તો એનાં ખરાબ પરિણામ ભોગવવાં પડશે એવી ધમકી આપી હતી. એ પછી તેને વધુ ને વધુ ફોન આવ્યા હતા જેમાં કહેવાયું હતું કે તને જો તારા પૈસા પાછા જોઈતા હોય તો હમણાં વધુ પૈસા આપવા પડશે. એથી આ સંદર્ભે તેણે ક્રાઇમ બ્રાન્ચના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલમાં ફરિયાદ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચની જણાઈ આવ્યું હતું કે હેમંત બનકરે અનંત શેટ્ટીનો સંપર્ક કર્યો હતો જે વિજય શેટ્ટીને ઓળખતો હતો. વિજય શેટ્ટી ભૂતકાળમાં છોટા રાજન માટે કામ કરી ચૂક્યો હતો. એથી તેમણે વિજય શેટ્ટીને બિલ્ડરને ધમકાવવાનું કામ સોંપ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ચતુરાઈપૂર્વક તપાસ કરીને પહેલાં અનંત શેટ્ટી અને હેમંત બનકરને ઝડપી લીધા હતા અને હવે વિજય શેટ્ટીની પણ ધરપકડ કરાઈ છે.